<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 8th September 2026

FT માસ્ટર્સ ઇન મેનેજમેન્ટ રેન્કિંગ 2026: વિશ્વમાં સ્વિટ્ઝર્લૅન્ડની સેન્ટ ગેલેન યુનિવર્સિટીનો દબદબો બરકરાર, ભારતીય સંસ્થાઓમાં IIM અમદાવાદ ફરી દેશમાં નંબર-૧ બન્યું!

વૈશ્વિક સ્તરે ૨૭મો ક્રમ મેળવીને IIM અમદાવાદે મેળવી ઝળહળતી સિદ્ધિ; અભ્યાસ પૂરો થયાના ત્રણ જ વર્ષમાં વિદ્યાર્થીઓને મળ્યું અધધ $૧૯૯,૭૦૬ (આશરે ₹૧.૭૦ કરોડથી વધુ) નું સરેરાશ વાર્ષિક સેલેરી પેકેજ.

અમદાવાદ, તા. ૦૯: વિશ્વની પ્રતિષ્ઠિત 'ફાઇનાન્સિયલ ટાઇમ્સ (FT) માસ્ટર્સ ઇન મેનેજમેન્ટ રેન્કિંગ 2026' ના તાજેતરમાં જાહેર થયેલા પરિણામોમાં ગ્લોબલ બિઝનેસ એજ્યુકેશન જગતમાં ભારતનો ડંકો વાગ્યો છે. સ્વિટ્ઝર્લૅન્ડની પ્રખ્યાત યુનિવર્સિટી ઓફ સેન્ટ ગેલેને સતત ત્રીજા વર્ષે અને ઓવરઓલ ૧૫મી વખત સમગ્ર વિશ્વમાં પ્રથમ સ્થાન જાળવી રાખીને પોતાનો તાજ અકબંધ રાખ્યો છે. તો બીજી તરફ, ભારતીય બિઝનેસ સ્કૂલોમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, અમદાવાદ (IIM Ahmedabad) એ ફરી એકવાર પોતાનું વર્ચસ્વ સાબિત કરતાં ગ્લોબલ લેવલે ૨૭મો રેન્ક હાંસલ કર્યો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે આર્થિક અસ્થિરતા અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ને કારણે બદલાતા જોબ માર્કેટ વચ્ચે પણ ભારતીય સ્નાતકોના પગાર ધોરણે સમગ્ર વિશ્વને ચોંકાવી દીધું છે.

આ શાનદાર વૈશ્વિક રેન્કિંગમાં પોર્ટુગલની નોવા સ્કૂલ ઓફ બિઝનેસ એન્ડ ઇકોનોમિક્સ બીજા ક્રમે અને ચીનની શાંઘાઈ જિયાઓ ટોંગ યુનિવર્સિટી (અંતાઈ) ત્રીજા સ્થાને રહી છે. રિપોર્ટ અનુસાર, ખરીદ શક્તિ સમાનતા (PPP) આધારિત મૂલ્યાંકનમાં ભારતીય પ્રોગ્રામ્સના વિદ્યાર્થીઓએ વિશ્વમાં સૌથી વધુ વેઇટેડ પગાર મેળવ્યો છે. ગ્રેજ્યુએશનના માત્ર ત્રણ વર્ષની અંદર IIM અમદાવાદના સ્નાતકોએ સરેરાશ $૧૯૯,૭૦૬ નો માતબર પગાર મેળવીને વિશ્વની ટોચની સ્વિસ સંસ્થા સેન્ટ ગેલેન ($૧૫૦,૪૯૦) ને પણ પાછળ છોડી દીધી છે. વૈશ્વિક સ્તરે આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) નો સામનો કરવા બિઝનેસ સ્કૂલો હવે આંતરવ્યક્તિગત કૌશલ્યો અને પ્રેક્ટિકલ અનુભવ પર વધુ ભાર મૂકી રહી છે, જેના કારણે વિશ્વભરમાં MiM પ્રોગ્રામ્સ માટેની અરજીઓમાં ૭% નો જંગી વધારો નોંધાયો છે.

વિશ્વભરની ૧૦૦ જેટલી પ્રખ્યાત મેનેજમેન્ટ કોલેજોના મૂલ્યાંકન બાદ બહાર પાડવામાં આવેલા આ લિસ્ટમાં મોટાભાગના ગ્રેજ્યુએટ્સ બેંકિંગ, કન્સલ્ટિંગ, ફાઇનાન્સ અને ટેકનોલોજી ક્ષેત્રે ઊંચા હોદ્દાઓ પર ગોઠવાયા હોવાનું સામે આવ્યું છે. નેટવર્કિંગ અને ગ્લોબલ એક્સપોઝરમાં યુરોપિયન કોલેજો આગળ રહી હોવા છતાં, અભ્યાસ પછીની કારકિર્દી અને મોટો પગાર મેળવવામાં ભારતીય વિદ્યાર્થીઓ અવ્વલ રહ્યા છે. એશિયામાં હવે શિક્ષણની માંગ વધી રહી છે, જેને કારણે ભારતીય આઈઆઈએમ સંસ્થાઓની વૈશ્વિક પ્રતિષ્ઠામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે.

(4:13 PM IST)