News of Sunday, 4th October 2026
FSSAI ની લાલ આંખ: એવરેસ્ટ જીરું પાવડરનો આખો બેચ બજારમાંથી પાછો ખેંચવા આદેશ : ક્રિએટિવ બેકર્સનું લાઇસન્સ રદ
ખાદ્ય સુરક્ષા વિભાગની કડક કાર્યવાહી: જીરું પાવડરમાં ઝેરી જંતુનાશકોની માત્રા મર્યાદાથી વધુ મળતા 'અસુરક્ષિત' જાહેર કરાયો : બેકરીમાંથી ભારે ગંદકી અને જીવજંતુઓનો ઉપદ્રવ પકડાતા ધંધો તાત્કાલિક બંધ કરાવાયો

નવી દિલ્હી : દેશમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને લોકોના આરોગ્ય સાથે ચેડાં કરનારાઓ સામે 'ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા' (FSSAI) એ મોટો દંડો પછાડ્યો છે. FSSAI દ્વારા કરવામાં આવેલી આકરી કાર્યવાહીમાં મસાલા ક્ષેત્રની જાણીતી કંપની 'એવરેસ્ટ ફૂડ પ્રોડક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ'ના પ્રી-પેક્ડ જીરું પાવડરનો એક ચોક્કસ બેચ બજારમાંથી તાત્કાલિક પાછો ખેંચી લેવા (રિકોલ) કડક આદેશ જારી કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, ઉત્પાદન પરિસરમાં અત્યંત ગંભીર સ્વચ્છતા ખામીઓ અને ભારે ગંદકી જોવા મળતાં 'ક્રિએટિવ બેકર્સ એન્ડ કન્ફેક્શનર્સ પ્રાઇવેટ લિમિટેડ'નું ફૂડ લાઇસન્સ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરીને તેમની તમામ કામગીરી બંધ કરાવી દેવાઈ છે.
FSSAI ની તપાસ ટીમે ગોવા સ્થિત 'રિવરસાઇડ રિસોર્ટ્સ એન્ડ હોલિડે હોમ્સ પ્રાઇવેટ લિમિટેડ'ના પરિસરમાંથી એવરેસ્ટના પ્રી-પેક્ડ જીરું પાવડરનો નમૂનો લીધો હતો. આ નમૂનાનું લેબોરેટરી પરીક્ષણ કરાવતા તેમાં 'એઝોક્સીસ્ટ્રોબિન' અને 'થિયામેથોક્સમ' નામના જંતુનાશકો ના અવશેષો નિર્ધારિત માન્ય મર્યાદા કરતાં વધુ માત્રામાં મળી આવ્યા હતા. નિયમો અનુસાર કંપનીને અપીલ કરવાની તક અપાતા નમૂનાને 'રેફરલ ફૂડ લેબોરેટરી'માં પુનઃપરીક્ષણ માટે મોકલાયો હતો, પરંતુ ત્યાં પણ આ બેચ અસુરક્ષિત જાહેર થયો હતો. આથી, ફૂડ સેફ્ટી એક્ટ ૨૦૦૬ હેઠળ જીરું પાવડરના બેચ નંબર E080668761 ને માનવ વપરાશ માટે સંપૂર્ણ અસુરક્ષિત ગણાવી, કંપનીને આ બેચનો તમામ સ્ટોક બજારમાંથી પાછો ખેંચી તેની વિગતો અને સ્ટેટસ રિપોર્ટ નિર્ધારિત સમયમર્યાદામાં સબમિટ કરવા સ્પષ્ટ આદેશ અપાયો છે.
બીજી તરફ, ક્રિએટિવ બેકર્સ એન્ડ કન્ફેક્શનર્સના પરિસરમાં FSSAI દ્વારા કરવામાં આવેલા અચાનક નિરીક્ષણ દરમિયાન ચોંકાવનારી બેદરકારી સામે આવી હતી. બેકરીના પ્રોડક્શન અને હેન્ડલિંગ એરિયામાં ભારે ગંદકી, ધૂળ, ગ્રીસ, કરોળિયાના જાળાં અને માખીઓનો જમાવડો જોવા મળ્યો હતો. નાશવંત કાચો માલ ખુલ્લામાં રખાયો હતો અને અર્ધ-તૈયાર સામગ્રી માટે કાટવાળા કન્ટેનર વપરાતા હતા. આ ઉપરાંત પેસ્ટ કંટ્રોલ સિસ્ટમનો અભાવ, મશીનો પર કાટ, તૂટેલી ટાઇલ્સ, ભીંજાયેલી દિવાલો અને કચરાનો ભરાવો જોવા મળ્યો હતો. એટલું જ નહીં પરંતુ વોટર ટેસ્ટિંગ, મશીન મેઇન્ટેનન્સ, મોક રિકોલ, કસ્ટમર કમ્પ્લેઇન અને સ્ટાફ ટ્રેનિંગ જેવા મહત્વપૂર્ણ રેકોર્ડ પણ અપૂર્ણ જણાતા FSSAI એ તાત્કાલિક અસરથી લાયસન્સ રદ કરી સંસ્થાને તાળાં મારી દીધા છે.
(6:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
