<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th September 2026

ભારતમાં યોજાયેલા BRICS સંમેલનની ફળશ્રુતિ પર કોંગ્રેસના જ દિગ્ગજ નેતાઓ આમને-સામને: પી. ચિદમ્બરમે લાભ સામે ઉઠાવ્યા સવાલો તો શશિ થરૂરે ગણાવ્યા વૈશ્વિક મંચના ફાયદા!

‘બ્રિક્સથી દેશને કોઈ નક્કર લાભ નથી થયો’ ચિદમ્બરમના આ નિવેદન સામે ભાજપે આકરા પ્રહારો કરી તેમની સરખામણી લગ્નમાં નારાજ થતા ‘ફુફા’ સાથે કરી; શશિ થરૂરે ગ્લોબલ સાઉથ માટે બ્રિક્સને ગણાવ્યું અત્યંત મહત્વપૂર્ણ.

નવી દિલ્હી, તા.૧૧: ભારત દ્વારા યોજવામાં આવેલા બ્રિક્સ (BRICS) સંમેલન ૨૦૨૬ના ભવ્ય આયોજન વચ્ચે દેશના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. બ્રિક્સ સંમેલનથી ભારતને થતા ફાયદા અને ગેરફાયદા અંગે ખુદ કોંગ્રેસ પક્ષના જ બે અગ્રણી નેતાઓ વચ્ચે પરસ્પર વિરોધી મંતવ્યો સામે આવ્યા છે. પૂર્વ નાણાં મંત્રી પી. ચિદમ્બરમે બ્રિક્સની ઉપયોગિતા પર સવાલો ઉઠાવીને વિવાદ છેડ્યો હતો, તો બીજી તરફ કોંગ્રેસ સાંસદ શશિ થરૂરે આ મંચના વૈશ્વિક મહત્વ અને ભારતને મળતા આર્થિક-રાજકીય લાભો પર પ્રકાશ પાડીને જુદો સૂર આલાપ્યો હતો.

 

પૂર્વ કેન્દ્રીય મંત્રી પી. ચિદમ્બરમે પ્રહાર કરતા પૂછ્યું હતું કે અત્યાર સુધીની બ્રિક્સ સમિટમાંથી ભારતને કયા વાસ્તવિક કે નક્કર પરિણામો મળ્યા છે? તેમણે ઉમેર્યું હતું કે ભારત બ્રિક્સ ઉપરાંત SCO, G20 અને QUAD જેવા અનેક બહુપક્ષીય સંગઠનોનું પ્રતિનિધિત્વ કરે છે, તેથી છેલ્લી બે-ત્રણ સમિટમાં દેશને કોઈ વિશેષ લાભ થયો હોય તેવું દેખાતું નથી. ચિદમ્બરમના આ નિવેદન પર ભાજપે આકરો પલટવાર કર્યો હતો. ભાજપે કોંગ્રેસી નેતાની સરખામણી એવા ‘નારાજ ફુફા’ સાથે કરી હતી જેઓ ભારતમાં યોજાતા આવા વૈશ્વિક આયોજનો અને દેશની વધતી પ્રગતિને પચાવી શકતા નથી.

 

બીજી તરફ, આંતરરાષ્ટ્રીય બાબતોના નિષ્ણાત અને કોંગ્રેસ સાંસદ શશિ થરૂરે આ વિષય પર સમતુલિત દ્રષ્ટિકોણ રજૂ કર્યો હતો. થરૂરે જણાવ્યું હતું કે ગ્લોબલ સાઉથના ૧૦૦થી વધુ વિકાસશીલ દેશો માટે બ્રિક્સ એક અત્યંત શક્તિશાળી અને મહત્વપૂર્ણ પ્લેટફોર્મ છે, જે વિશ્વની વસ્તીનો મોટો હિસ્સો અને વૈશ્વિક જીડીપીમાં આશરે ૪૧ ટકા યોગદાન ધરાવે છે. જોકે તેમણે સ્વીકાર્યું હતું કે રશિયા-યુક્રેન અને ઈરાન સંઘર્ષ જેવા વૈશ્વિક મુદ્દાઓ પર બધા દેશો વચ્ચે સર્વસંમતિ સાધવી કઠિન છે. આ ઉપરાંત બ્રિક્સ દેશોમાંથી ભારતની આયાત વધી રહી છે અને નિકાસ ઘટી રહી છે તે વેપાર અસંતુલન અંગે પણ તેમણે ચિંતા વ્યક્ત કરી હતી.

 

(4:35 PM IST)