<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 27th September 2026

બગીચામાં તાજી ખોદેલી માટી મળી :નજીકથી જોયું તો મહિલાનો હાથ બહાર નીકળેલો દેખાયો : હત્યાનો થયો ચોંકાવનારો ખુલાસો

પ્રવેશ નામના 22 વર્ષીય વ્યક્તિએ બે મહિના પહેલાં આ ઘર ભાડે લીધું હતું. તેણે કિરણ નામની મહિલાને પોતાની પત્ની ગણાવી હતી. આ બંને ઉત્તર પ્રદેશના રહેવાસી હતા.

રાજસ્થાનના બિંદાયકા વિસ્તારમાંથી એક 32 વર્ષીય મહિલાની હત્યાનો કિસ્સો સામે આવ્યો છે. મહિલાના લિવ-ઈન પાર્ટનરે કથિત રીતે તેની હત્યા કરીને મૃતદેહને ભાડાના ઘરના બગીચામાં દાટી દીધો હતો. મકાનમાલિક જ્યારે ઘરની તપાસ કરવા પહોંચ્યા ત્યારે આ સમગ્ર ઘટનાનો ખુલાસો થયો હતો.

આ ઘટના બિંદાયકા વિસ્તારની પ્રેસ્ટીજ કોલોનીની છે. આ મામલે બિંદાયકા સૂત્રોએ જણાવ્યું કે પ્રવેશ નામના 22 વર્ષીય વ્યક્તિએ બે મહિના પહેલાં આ ઘર ભાડે લીધું હતું. તેણે કિરણ નામની મહિલાને પોતાની પત્ની ગણાવી હતી. આ બંને ઉત્તર પ્રદેશના રહેવાસી હતા.

પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે પ્રવેશે 2-3 દિવસ પહેલાં જ મહિલાની હત્યા કરી દીધી હતી. રાત્રિના સમયે બગીચામાં ખાડો ખોદીને મહિલાના મૃતદેહને દાટી દીધા બાદ તે ઘરને તાળું મારીને ત્યાંથી પલાયન થઈ ગયો હતો.

રવિવારે સવારે અચાનક મકાનમાલિક પોતાની પ્રોપર્ટીનું નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા. ઘરમાં તાળું મારેલું જોઈને તેમણે પાડોશીઓ પાસેથી પ્રવેશ વિશે પૂછપરછ કરી હતી. ત્યારબાદ જ્યારે તેમણે ઘરની આસપાસ તપાસ કરી તો બગીચામાં તાજી ખોદેલી માટી જોવા મળી. શંકા જતાં જ્યારે તેમણે નજીક જઈને જોયું તો ત્યાં મહિલાનો હાથ બહાર નીકળેલો દેખાયો. જેથી તેણે તરત જ પોલીસને જાણ કરી હતી.

પોલીસે FSL ટીમની મદદથી મૃતદેહને બહાર કાઢ્યો અને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યો. પોલીસના જણાવ્યા મુજબ, પ્રવેશ બિંદાયકાની એક ફેક્ટરીમાં કામ કરતો હતો. હાલમાં તેની શોધખોળ માટે અલગ-અલગ ટીમો બનાવવામાં આવી છે. પોલીસ ઉત્તર પ્રદેશમાં મૃતક મહિલાના પરિવારનો સંપર્ક કરવાનો પણ પ્રયાસ કરી રહી છે. હાલમાં પોલીસ હત્યા પાછળનું કારણ અને કેસના તમામ પાસાઓની ઊંડી તપાસ કરી રહી છે.

(7:34 PM IST)