<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 31st July 2026

IAF ના રાફેલ સામે શંકા ઉપજાવનાર ફ્રેન્ચ પાઇલટ ચીન માટે જાસૂસી કરતા પકડાયો: ગુપ્ત લશ્કરી વિગતો લીક કરવા બદલ તપાસ શરૂ

ચીની ફાઇટર જેટની પ્રશંસા કરનાર અને 'ઓપરેશન સિંદૂર'માં ભારતીય રાફેલ તોડી પાડ્યાનો ખોટો દાવો કરનાર પૂર્વ નેવી પાઇલટ પિયર-હેનરી ચુએટ ફ્રાન્સમાં અટકાયત બાદ ન્યાયિક દેખરેખ હેઠળ

પેરિસ, તા.૩1: ભારતીય વાયુસેના (IAF) ના સૌથી અદ્યતન રાફેલ ફાઇટર જેટના પ્રદર્શન પર સવાલો ઉઠાવીને વિવાદ સર્જનાર ફ્રેન્ચ નૌકાદળના ભૂતપૂર્વ પાઇલટ પિયર-હેનરી ચુએટ સામે ફ્રાન્સમાં ગંભીર જાસૂસીના આરોપોસર તપાસ શરૂ કરવામાં આવી છે. ચીની ઓપરેટિવ્સને સંવેદનશીલ અને ગુપ્ત લશ્કરી માહિતી પહોંચાડવાના આરોપસર ફ્રેન્ચ ગુપ્તચર એજન્સી (DGSI) દ્વારા તેની અટકાયત કરવામાં આવી હતી અને તેના ઘરની તલાશી લેવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, ચુએટે મે ૨૦૨૫ માં ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા 'ઓપરેશન સિંદૂર' દરમિયાન દાવો કર્યો હતો કે પાકિસ્તાને ચીની મિસાઇલથી ભારતનું રાફેલ તોડી પાડ્યું હતું. તેણે ચીનના J-10C અને JF-17 જેવા જેટને "રાફેલ કિલર" ગણાવીને તેમની ભારે પ્રશંસા કરી હતી, જોકે ભારતીય વાયુસેના અને રાફેલ બનાવનાર કંપની દસોલ્ટ (Dassault) ના સેન્ટ્રલ ચીફ એરિક ટ્રેપિયરે આ દાવાઓને સંપૂર્ણપણે પાયાવિહોણા અને ખોટા ગણાવ્યા હતા.
ચીની પાઇલટોને સિક્રેટ તાલીમ આપવાનો આરોપ
ફ્રેન્ચ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફ્રેન્ચ-કેનેડિયન નાગરિકત્વ ધરાવતા ચુએટે સપ્ટેમ્બર ૨૦૧૮ અને ઓગસ્ટ ૨૦૧૯ દરમિયાન ફ્રેન્ચ નૌકાદળમાં સેવા આપતી વખતે પોતાના ઉપરી અધિકારીઓને જાણ કર્યા વિના ચીનની અઘોષિત યાત્રાઓ કરી હતી. આ યાત્રાઓ દરમિયાન તેણે દક્ષિણ આફ્રિકાની એક એકેડેમી (TFASA) ના માધ્યમથી ચીની સૈન્ય પાઇલટ્સ માટે તાલીમ સત્રોનું આયોજન કર્યું હતું, જેમાં એરક્રાફ્ટ કેરિયર ઓપરેશન્સ અને પશ્ચિમી દેશોની ગુપ્ત વ્યુહરચનાઓ શેર કરી હોવાની શંકા છે.
રાષ્ટ્રીય સુરક્ષા સાથે ચેડાં કરવા બદલ ઔપચારિક તપાસ
જુલાઈ ૨૦૨૬ માં પેરિસના મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કર્યા બાદ ચુએટ પર વિદેશી શક્તિ સાથે ગુપ્ત માહિતી શેર કરવા, રાષ્ટ્રીય સંરક્ષણ રહસ્યો જાહેર કરવા અને રાષ્ટ્રના મૂળભૂત હિતોને નુકસાન પહોંચાડવાના ગુના હેઠળ ઔપચારિક તપાસ હેઠળ મૂકવામાં આવ્યો છે. જોકે, હાલ તેને ન્યાયિક દેખરેખ હેઠળ મુક્ત કરાયો છે અને કેસની ટ્રાયલ હાથ ધરવા અંગે ન્યાયાધીશ દ્વારા નિર્ણય લેવામાં આવશે.
યુટ્યુબ અને ટીવી શો દ્વારા ચીની ટેકનોલોજીનો પ્રચાર:
૫,૬૦,૦૦૦ થી વધુ સબ્સ્ક્રાઇબર્સ ધરાવતી પોતાની યુટ્યુબ ચેનલ અને વિવિધ ટીવી શોઝ દ્વારા ચુએટ સતત ચીની એરફોર્સ અને તેની ટેકનોલોજીના વખાણ કરતો હતો. તેણે દાવો કર્યો હતો કે ચીનની PL-15 મિસાઇલે ભારત-પાકિસ્તાન સંઘર્ષમાં પોતાનું વર્ચસ્વ સાબિત કર્યું છે, પરંતુ તે પોતે જ ચીની એજન્સીઓ સાથે સંકળાયેલો હોવાનું સામે આવતાં તેના તમામ વિશ્લેષણો અને દાવાઓ હવે શંકાના ઘેરામાં આવી ગયા છે.

(4:36 PM IST)