<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 23rd May 2026

પ.બંગાળમાં પહેલી જૂનથી મહિલાઓને સરકારી બસોમાં મફત યાત્રા

યોજના ટૂંકા અંતરથી લઈને લાંબા અંતરના તમામ રૃટ પર લાગુ પડશે : નવી 'અન્નપૂર્ણા યોજના' ...બંગાળની મહિલાઓને દર મહિને ૩૦૦૦ રૃપિયાનું ભથ્થું આપવામાં આવશે

કોલકાતા તા.૨૩: પશ્ચિમ બંગાળ સરકાર દ્વારા મહિલાઓ માટે મોટી જાહેરાત કરવામાં આવી છે. પહેલી જૂન, ૨૦૨૬થી રાજ્ય સંચાલિત તમામ બસોમાં મહિલાઓને મફત મુસાફરીની સુવિધા આપવામાં આવશે. આ યોજના ટૂંકા અંતરથી લઈને લાંબા અંતરના તમામ રૃટ પર લાગુ પડશે. સરકારના જણાવ્યાનુસાર  જાહેર પરિવહન સેવા હેઠળ ચાલતી રાજ્ય સંચાલિત બસોની તમામ શ્રેણીમાં મહિલાઓ ભાડું ચૂકવ્યા વગર મુસાફરી કરી શકશે. આ પહેલનો હેતુ મહિલાઓને રાહત આપવાનો અને જાહેર પરિવહન સુધી તેમની પહોંચ વધુ સરળ બનાવવાનો છે.

આ યોજના હેઠળ દરેક મહિલા લાભાર્થીને એક વિશેષ સ્માર્ટ કાર્ડ આપવામાં આવશે, જેમાં તેમનું નામ અને ફોટો હશે. આ કાર્ડ પર QR કોડ પણ હશે, જેના દ્વારા મુસાફરી દરમિયાન ઓળખની ચકાસણી કરી શકાશે. સ્માર્ટ કાર્ડ મેળવવા માટે મહિલાઓએ પોતાના વિસ્તારના BDO અથવા SDO કચેરીમાં અરજી કરવી પડશે. અરજી સાથે તાજો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ અને માન્ય ઓળખ દસ્તાવેજો જમા કરાવવા પડશે. આ દસ્તાવેજોમાં આધાર કાર્ડ, મતદાર ઓળખપત્ર, પાસપોર્ટ, PAN કાર્ડ, ડ્રાઇવિગ લાઇસન્સ, સ્કૂલ અથવા કોલેજ ત્ઝ્ર સહિત અન્ય માન્ય ફોટો ઓળખપત્રોનો સમાવેશ થાય છે.

સરકારે સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી સ્માર્ટ કાર્ડ જારી નહીં થાય ત્યાં સુધી મહિલાઓ કોઈ પણ માન્ય ફોટો ID બતાવીને મફત મુસાફરી કરી શકશે. આ માટે બસ કંડકટર મહિલાઓને 'ઝીરો વેલ્યુ ટિકિટ' આપશે, જેના દ્વારા મુસાફરીનો રેકોર્ડ રાખવામાં આવશે.

પશ્ચિમ બંગાળ સરકારે મહિલાઓને આર્થિક સહાય આપવા માટે 'લક્ષ્મી ભંડાર' યોજનાને સ્થાને નવી 'અન્નપૂર્ણા યોજના' અમલમાં મૂકવાની સૂચના જાહેર કરી છે. આ યોજના હેઠળ બંગાળની મહિલાઓને દર મહિને ૩૦૦૦ રૃપિયાનું ભથ્થું આપવામાં આવશે. આ યોજના પહેલી જૂનથી અમલમાં આવશે. સરકારે વધુમાં જાહેરાત કરી છે કે યોજનાનો લાભ મેળવવા ઇચ્છુક નવા અરજદારો માટે પહેલી જૂનથી ઓનલાઈન પોર્ટલ પણ શરૃ કરવામાં આવશે. સૂચનામાં જણાવાયું છે કે નવા અરજદારોની ચકાસણી તેમના નિવાસને આધારે સરકાર અથવા કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકૃત અધિકારીઓ દ્વારા કરવામાં આવશે.

(10:02 AM IST)