તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 23rd July 2026
પાંચ વર્ષમાં બેન્કો, નાણાં સંસ્થાઓમાં રૂ.૧.૪૨ લાખ કરોડના ફ્રોડ
વિલફૂલ ડિફોલ્ટર્સ પાસેથી રૂ.૫૨,૩૬૦ કરોડની વસૂલાત કરાઈ

નવી દિલ્હી,તા.૨૩: છેલ્લાં પાંચ નાણાકીય વર્ષ દરમિયાન બેન્કો તથા નાણાકીય સંસ્થાઓમાં રૂ. ૧.૪૨ લાખ કરોડના ફ્રોડના કિસ્સા નોંધાયા છે. જે પૈકીની કુલ રૂ. ૬,૩૮૯ કરોડની રકમ આ સમયગાળમાં રિકવર કરવામાં આવી હોવાનું રાજ્યસભામાં જણાવાયું હતું.
એક લેખિત પ્રશ્નના ઉત્તરમાં કેન્દ્રના રાજ્યકક્ષાના નાણાં મંત્રી પંકજ ચૌધરીએ જણાવ્યું હતું કે, રિઝર્વ બેન્કે નાણાં મંત્રાલયને આપેલી માહિતીમાં જણાવ્યું હતું કે, મધ્યસ્થ બેન્ક વિલફૂલ ડિફોલ્ટર્સ સામે લેવાયેલાં પગલાંનો રેકોર્ડ જાળવતી નથી. જોકે જાહેર ક્ષેત્રની બેન્કોની માહિતી અનુસાર, ૩૧ માર્ચ, ૨૦૨૬ સુધીમાં ૧૫,૫૭૭ વિલફૂલ ડિફોલ્ટર્સ વિરુદ્ધ રિકવરી માટેના કેસ દાખલ કરાયા હતાં. આ ઉપરાંત ૧૦,૮૯૪ કેસોમાં સિક્યુરિટાઈઝેશન એન્ડ રિકન્સ્ટ્રક્શન ઓફ ફાયનાન્સિયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યુરિટી ઈન્ટરસ્ટ (એસએઆરએફએઈએસઆઈ) એક્ટ હેઠળ કાર્યવાહી કરાઈ છે.
આ સિવાય ૭,૧૭૩ કેસોમાં એફઆઈઆર નોંધવામાં આવી છે. ૩૧ માર્ચ, ૨૦૨૬ સુધીમાં જાહેર ક્ષેત્રની બેન્કોએ વિલફૂલ ડિફોલ્ટર્સ પાસેથી રૂ. ૫૨,૩૬૦ કરોડની વસૂલાત કરી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ફ્રોડ તરીકે વર્ગીકૃત કરાયેલાં ખાતાંઓમાંથી રિકવરીની કાર્યવાહી એ સતત ચાલતી પ્રક્રિયા છે, અને આરબીઆઈની વિગતો અનુસાર, છેલ્લાં પાંચ નાણાકીય વર્ષમાં આવા ખાતાંઓમાંથી રૂ. ૬,૩૮૯ કરોડની રિકવરી કરાઈ છે.
કમર્શિયલ બેન્ક્સ તથા ઓલ ઈન્ડિયા ફાયનાન્સિયલ ઈન્સ્ટિટ્યૂશને આપેલી માહિતીને આધારે રિઝર્વ બેન્કે આપેલી વિગતો અનુસાર, છેલ્લાં પાંચ નાણાકીય વર્ષ દરમિયાન ફ્રોડની કુલ રકમનો આંકડો રૂ. ૧,૪૨,૧૧૨ કરોડ નોંધાયો હતો. અન્ય એક પ્રશ્નના ઉત્તરમાં ચૌધરીએ જણાવ્યું હતું કે, નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન રિકવરી એજન્સીઓને લગતી બેન્કો સામેની ફરિયાદોમાં બમણો વધારો નોંધાયો છે. અગાઉના વર્ષની ૮,૬૨૩ ફરિયાદોની તુલનાએ ૨૦૨૫-૨૫૬માં ૧૮,૦૨૧ ફરિયાદો નોંધાઈ હતી
(9:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
