તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 22nd October 2026
ફ્રાન્સની હિંસા અને ભારતમાં વિરોધ પ્રદર્શનો વચ્ચે આંતરરાષ્ટ્રીય લિંક હોવાનો ફોક્સ ન્યૂઝનો દાવો: ભાજપે કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહારો
ગ્લોબલ કેઓસ ઇન્ક. અહેવાલને ટાંકીને ભાજપના ગંભીર આક્ષેપો: દેશમાં અશાંતિ ભડકાવવા અને 'રેજિમ ચેન્જ' માટે વિદેશી સંગઠનો સાથે ગઠબંધનનો આરોપ

નવી દિલ્હી : અમેરિકી મીડિયા ચેનલ ફોક્સ ન્યૂઝના એક ચોંકાવનારા તપાસ અહેવાલ બાદ ભારતીય રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ભારત અને વિશ્વના અન્ય દેશોમાં થઈ રહેલા સરકાર વિરોધી વિરોધ પ્રદર્શનો એકબીજા સાથે જોડાયેલા હોવાનો અને વિદેશી સંગઠનો દ્વારા તેને પ્રોત્સાહન આપવામાં આવતું હોવાનો અહેવાલમાં દાવો કરાયો છે. આ અહેવાલને ટાંકીને બીજેપીએ મુખ્ય વિપક્ષી પક્ષ કોંગ્રેસ પર તીખા હુમલા શરૂ કર્યા છે અને આંતરરાષ્ટ્રીય જૂથો સાથેના કથિત સંબંધો અંગે જવાબ માંગ્યો છે.
ફોક્સ ન્યૂઝ ડિજિટલ તપાસના "ગ્લોબલ કેઓસ ઇન્ક." નામના અહેવાલમાં ૧૩ દેશોમાં સક્રિય એવા ૧૦૧ સંગઠનોની ઓળખ કરવામાં આવી છે, જે કથિત રીતે વિવિધ દેશોમાં વિરોધ પ્રદર્શનોનું સંકલન, આયોજન અને પ્રોત્સાહન પૂરું પાડી રહ્યા છે. ભાજપના પ્રવક્તા પ્રદીપ ભંડારી અને ગૌરવ ભાટિયાએ આ મુદ્દે પત્રકાર પરિષદ યોજીને જણાવ્યું હતું કે, 'પ્રોગ્રેસિવ ઇન્ટરનેશનલ નામના એક આંતરરાષ્ટ્રીય સંગઠને ફ્રાન્સ, અલ્બેનિયા અને ભારતમાં વિરોધ પ્રદર્શનો દરમિયાન એકસરખો વિરોધી સંદેશ ફેલાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. આ પ્રવૃત્તિઓનો મુખ્ય હેતુ સંગઠિત અશાંતિ ઊભી કરીને ચૂંટાયેલી સરકારોને અસ્થિર કરવાનો અને 'શાસન પરિવર્તન' લાવવાનો હોવાનો આરોપ મુકવામાં આવ્યો છે.
ભાજપના પ્રવક્તા ગૌરવ ભાટિયાએ વિપક્ષી નેતા રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કરતા તેમની સખત શબ્દોમાં ટીકા કરી હતી અને આરોપ લગાવ્યો હતો કે વિરોધ પક્ષ દેશમાં અશાંતિ ભડકાવવાના પ્રયાસો કરી રહ્યો છે. તેમણે આ સમગ્ર જાળને "વિરોધનું લાલ-લીલું ઇકોસિસ્ટમ" ગણાવ્યું હતું, જેમાં સામ્યવાદી અને ઇસ્લામિક જૂથો સામેલ હોવાનો દાવો કર્યો હતો.
બીજી તરફ, ભાજપના પ્રવક્તા પ્રદીપ ભંડારીએ વધુમાં ચોંકાવનારો આરોપ મૂક્યો હતો કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી ૧૦ એપ્રિલ, ૨૦૨૫ ના રોજ ૧૦ જનપથ ખાતે 'પ્રોગ્રેસિવ ઇન્ટરનેશનલ'ના સભ્યોને મળ્યા હતા. આ કથિત બેઠકના આધારે તેમણે પ્રશ્ન ઉઠાવ્યો હતો કે શું કોંગ્રેસે ભારતમાં આંદોલનો અને વિરોધ પ્રદર્શનો કરવા માટે આ વિદેશી સંગઠન સાથે કોઈ સમજૂતી કે સહયોગ કર્યો હતો? ભાજપે કોંગ્રેસ નેતૃત્વ પાસે આ મામલે તાત્કાલિક સ્પષ્ટતા અને જવાબદારીની માંગ કરી છે.
ઉલ્લેખનીય છે કે, ભાજપ દ્વારા મૂકવામાં આવેલા આ ગંભીર આરોપો પર કોંગ્રેસ પક્ષ તરફથી તાત્કાલિક કોઈ અધિકૃત પ્રતિક્રિયા આપવામાં આવી નથી.
(8:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
