<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st October 2026

મનોરી દરિયાકાંઠે લાંગરેલા વિદેશી જહાજમાં ચોરી કરવા ગયેલા ચાર શખ્સોના ઝેરી ગેસ ગૂંગળાવાથી કરુણ મોત: બે દિવસ બાદ રહસ્ય અઘાયું

મુંબઈના દરિયામાં તણાઈ આવેલા લાવારિસ જહાજમાં ગેસ કટરથી પાઈપલાઈન કાપતી વખતે થયેલા ધડાકા બાદ અચાનક ઝેરી ગેસ ફેલાતા ચોરો ઘટનાસ્થળે જ મોતને ભેટ્યા

મુંબઈ : મુંબઈના મનોરી બીચ નજીક દરિયામાં લાંગરેલા એક વિદેશી જહાજમાં ચોરી કરવાના ઇરાદે ઘૂસેલા ચાર શખ્સોના શ્વાસ રૂંધાવાથી દર્દનાક મોત થયા હોવાની એક સનસનાટીભરી ઘટના પ્રકાશમાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ગત ૨૬ સપ્ટેમ્બરની મધરાતે આ ચોરો જહાજની અંદર ગેસ કટર વડે પાઈપલાઈન કાપી રહ્યા હતા ત્યારે અચાનક થયેલા ધડાકાને કારણે ભારે માત્રામાં ઝેરી ગેસ છૂટ્યો હતો, જેના કારણે ચારેય શખ્સોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા.

 

ઘટનાની વિગતવાર માહિતી મુજબ, જુલાઈ મહિનામાં ભારે તોફાની પવન અને મુશળધાર વરસાદ દરમિયાન મનોરી બીચથી એકાદ કિલોમીટરના અંતરે આ વિદેશી જહાજ તણાઈને દરિયામાં આવી ગયું હતું. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે દક્ષિણ મુંબઈના કોલાબા અને વિરાર વિસ્તારમાં રહેતા શકમંદોની એક ટોળકી છેલ્લા એક મહિનાથી આ જહાજ પર અવારનવાર ચોરી કરવા માટે જતી હતી. ઘટનાની રાત્રે આ ટોળકીના આઠ સભ્યો નાની બોટ દ્વારા જહાજની નજીક પહોંચ્યા હતા, જેમાં સાત જણા જહાજ પર ચડ્યા હતા અને એક જણા બોટમાં જ ચોકી કરવા બેઠો હતો.

 

ટોળકીના ચાર શખ્સો ચોરીના હેતુથી જહાજના એકદમ અંદરના કમ્પાર્ટમેન્ટમાં ઉતરી ગયા હતા અને ત્યાં ગૅસ કટરની મદદથી ગૅસની પાઈપલાઈન કાપવાનો પ્રયાસ કરી રહ્યા હતા. તે દરમિયાન અચાનક થયેલા વિસ્ફોટ બાદ પાઈપલાઈનમાંથી જીવલેણ ઝેરી ગેસ બહાર નીકળ્યો હતો, જે શ્વાસમાં જવાથી ચારેય જણા ગૂંગળાઈ ગયા હતા અને સ્થળ પર જ મોતને ભેટ્યા હતા. પોતાના સાથીઓના અચાનક મોતથી ઘભરાઈ ગયેલા બાકીના સાથીદારો તાત્કાલિક બોટ દ્વારા પરત કિનારે નાસી છૂટ્યા હતા.

 

આ ભયાનક ઘટના બે દિવસ સુધી રહસ્યના અંધારામાં છુપાયેલી રહી હતી, પરંતુ મૃતકો પૈકીના એક સાથીદાર વિજયે (ઉં.વ. ૪૦) ગોરાઈ પોલીસ સ્ટેશને જાતે હાજર થઈને સમગ્ર આપવીતી વર્ણવતા આ સમગ્ર કાંડનો પર્દાફાશ થયો હતો. આરોપીઓ દ્વારા જે બોટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તે વિજયની માલિકીની હોવાનું પણ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. યુવકની કબૂલાતના આધારે પોલીસે મર્ચન્ટ નેવીના જવાનો અને હેલિકોપ્ટરની મદદથી સર્ચ ઓપરેશન હાથ ધરીને જહાજમાંથી ચારેય મૃતદેહોને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યા છે.

 

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આ જહાજ અગાઉ જુલાઈ મહિનામાં જ માછીમારો દ્વારા યલોગેટ પોલીસના ધ્યાને મૂકવામાં આવ્યું હતું અને તે સમયે પોલીસે જહાજના માલિક વિરુદ્ધ એફઆઈઆર પણ નોંધ્યો હતો. પ્રાથમિક તપાસમાં પોલીસને એવી પ્રબળ શંકા છે કે મધદરિયે તેલ (ઓઈલ) સંબંધિત કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અથવા દાણચોરીના રેકેટમાં આ વિદેશી જહાજ સંડોવાયેલું હોઈ શકે છે.

 

આ ઘટના બાદ ગોરાઈ પોલીસે અકસ્માતે મોત (ADR) નો નોંધ કરીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે, તેમજ આ જહાજની આડમાં ચાલી રહેલા અન્ય કોઈ ગુનાહિત નેટવર્ક કે માલિકોની સંડોવણી વિશે પણ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે.

(7:38 PM IST)