<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th July 2026

મોદી સરકારના ૧૨ વર્ષમાં ચાર શિક્ષણ મંત્રીઓના રાજીનામા: વિવાદો અને પેપર લીક વચ્ચે બદલાયા સત્તાવાર સમીકરણ

ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ પ્રહલાદ જોશીને સોંપાયો વધારાનો હવાલો, એનડીએ સરકારના આકાલ દરમિયાન સ્મૃતિ ઈરાનીથી લઈને પોખરિયાલ સુધીના કાર્યકાળમાં સર્જાયા અનેક વિવાદો

નવી દિલ્હી, : કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારના છેલ્લા ૧૨ વર્ષના કાર્યકાળ દરમિયાન દેશમાં ચાર અલગ-અલગ શિક્ષણ મંત્રીઓ બદલાયા છે, જેમાં તાજેતરમાં નીટ યુજી પેપર લીક અને ભારે વિરોધ પ્રદર્શનના પગલે ધર્મેન્દ્ર પ્રધાને પોતાના પદ પરથી રાજીનામું આપવાની ફરજ પડી છે અને તેમના સ્થાને પ્રહલાદ જોશીને મંત્રાલયનો વધારાનો કાર્યભાર સોંપવામાં આવ્યો છે.

વર્ષ ૨૦૧૪થી શરૂ થયેલી એનડીએ સરકારના આ શૈક્ષણિક ઇતિહાસમાં ધર્મેન્દ્ર પ્રધાન એકમાત્ર એવા મંત્રી હતા જેમણે પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કર્યો હતો, જ્યારે બાકીના ત્રણેય મંત્રીઓ સ્મૃતિ ઈરાની, પ્રકાશ જાવડેકર અને રમેશ પોખરિયાલ નિશંકનો કાર્યકાળ ત્રણ વર્ષથી પણ ઓછો રહ્યો હતો અને તેઓ વિવિધ વિવાદો તથા કટોકટી વચ્ચે પોતાના પદ પરથી હટી ગયા હતા.

પ્રથમ શિક્ષણ મંત્રી તરીકે ૨૦૧૪થી ૨૦૧૬ સુધી સેવા આપનાર સ્મૃતિ ઈરાનીના કાર્યકાળમાં દિલ્હી યુનિવર્સિટીનો ચાર વર્ષીય અંડરગ્રેજ્યુએટ પ્રોગ્રામ રદ થવા ઉપરાંત જેએનયુ વિવાદ અને રોહિત વેમુલા આત્મહત્યા કેસ જેવા સંવેદનશીલ મુદ્દાઓને લઈને ભારે રાજકીય ઘમાસાણ મચી ગયું હતું અને તેમને કાપડ મંત્રાલયમાં ખસેડવામાં આવ્યા હતા.

સ્મૃતિ ઈરાની બાદ ૨૦૧૬થી ૨૦૧૯ સુધી જવાબદારી સંભાળનાર પ્રકાશ જાવડેકરના સમયમાં નેશનલ ટેસ્ટિંગ એજન્સીની સ્થાપના અને આઈઆઈએમ એક્ટ જેવા સુધારાઓ આવ્યા પરંતુ ૨૦૧૮ના સીબીએસઈ પેપર લીક અને નો ડિટેન્શન પોલિસી નાબૂદ કરવાના મુદ્દે તેમને પણ તીવ્ર ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો.

ત્યારબાદ ઉત્તરાખંડના રમેશ પોખરિયાલ નિશંક ૨૦૧૯માં શિક્ષણ પ્રધાન બન્યા અને તેમના જ સમયમાં ઐતિહાસિક રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ મંજૂર થઈ, પરંતુ અનેક મહત્વપૂર્ણ યુનિવર્સિટીઓમાં વાઇસ ચાન્સેલર્સની નિમણૂકો અટકી પડવા અને નાદુરસ્ત તબિયતના કારણે તેમણે ૨૦૨૧માં રાજીનામું આપવું પડ્યું હતું.

આ ક્રમમાં તાજેતરમાં ધર્મેન્દ્ર પ્રધાને પણ પોતાના પદથી રાજીનામું આપતી વેળાએ વિદ્યાર્થીઓ અને શિક્ષકોના હિતોને સર્વોપરી ગણાવ્યા છે, ત્યારે હવે કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી દ્વારા શિક્ષણ મંત્રાલયનો હવાલો સંભાળવામાં આવ્યો છે અને આગામી સમયમાં શૈક્ષણિક વ્યવસ્થાને વધુ પારદર્શક બનાવવા માટે કડક પગલાં લેવામાં આવશે

(11:06 AM IST)