News of Thursday, 26th November 2026
રાષ્ટ્રસંત પૂ. નમ્રમુનિ મ.સા.ના સાંનિધ્યમાં ચાર મુમુક્ષુઓ સંયમના માર્ગે પ્રયાણ કરશે
મુંબઈના જિઓ વર્લ્ડ કન્વેન્શન સેન્ટર ખાતે તા.૨૯ને રવિવારે જૈન દીક્ષા મહોત્સવ : મુમુક્ષુ જાનવી શાહ, યશવી મહેતા, તન્મયા રાજપૂત અને અરુણાબેન હળવદિયા સંસારનો ત્યાગ કરી પ્રભુના પંથે ડગ માંડશે : પ્રસિધ્ધ ભકિત ગાયીકા મૈથિલી ઠાકુર સ્વરો રેલાવી વાતાવરણમાં આધ્યાત્મિક ઉર્જા ભરશે

રાજકોટ, તા.૨૬: સંસારની મોહમાયા, ભૌતિક સુખ-સગવડો અને દુનિયાદારીના બંધનોને હસતા મુખે છોડીને આત્માના કલ્યાણના માર્ગે ચાલવું એ સાચા વૈરાગ્ય, અડગ નિર્ણયય અને આંતરિક શક્તિની સર્વોચ્ચ અભિવ્યક્તિ છે. સંયમ, તપ, ત્યાગ અને સાધનાને જીવનનું મુખ્ય ધ્યેય બનાવી આત્માની શુદ્ધિ અને મુક્તિના પંથે આગળ વધવાનો આવો જ એક અનોખો અને અલૌકિક અવસર આગામી તા.૨૯ ના રોજ મુંબઈના પ્રતિષ્ઠિત જિઓ વર્લ્ડ કન્વેન્શન સેન્ટર ખાતે યોજાનારા ભવ્ય જૈન દીક્ષા મહોત્સવમાં સાકાર થવા જઈ રહ્યો છે.
રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના પાવન સાંનિધ્યમાં રવિવારે સવારે ૮ વાગ્યે યોજાનારા આ મહોત્સવમાં ચાર ભાગ્યશાળી મુમુક્ષુ આત્માઓ મુમુક્ષુ જાનવી શાહ, મુમુક્ષુ યશવી મહેતા, મુમુક્ષુ તન્મયા રાજપૂત અને મુમુક્ષુ અરુણાબેન હળવદિયા સાંસારિક જીવનનો ત્યાગ કરીને દીક્ષા ગ્રહણ કરીને સંયમમય જીવનની મંગલ શરૂઆત કરશે.
આ દીક્ષા મહોત્સવના અવસરે ‘વૈરાગ્ય કી મહાગાથા' નામની એક અલૌકિક અને હૃદયસ્પર્શી નાટય પ્રસ્તુતિ પણ રજૂ કરવામાં આવશે. બે ભાઈઓની જીવનયાત્રા પર આધારિત આ પ્રસ્તુતિમાં વૈરાગ્ય, સંસાર પ્રત્યેનો મોહ, માતા-પિતાનો સંતાન પ્રત્યેનો પ્રેમ અને આત્મકલ્યાણના માર્ગે આગળ વધવાનો સંઘર્ષ જેવા સંવેદનશીલ પાસાંઓને સુંદર રીતે રજૂ કરવામાં આવશે. ‘તારા પુત્રો તારા નહીં રહે...!' જેવા ભાવસભર વિચાર સાથે આ નાટય પ્રસ્તુતિ માતા-પિતાના તોહ અને સંતાનોના આધ્યાત્મિક નિર્ણય વચ્ચેની લાગણીઓને સ્પર્શશે.
આધ્યાત્મિક સાધના સાથે માનવસેવા અને જીવદયાની ભાવનાને પણ આ મહોત્સવમાં વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. ‘નમ્ર સહાય' યોજના અંતર્ગત મહારાષ્ટ્રનાં ૫૬ દુષ્કાળગ્રસ્ત ગામોમાં વિશેષ સેવાકાર્ય હાથ ધરવામાં આવશે. આ સેવાયજ્ઞમાં પીવાના પાણી માટે ટેન્કરની સેવા, જરૂરિયાતમંદોને વષા સહાય, દવાઓની વ્યવસ્થા, અન્ન કિટનું વિતરણ, ગૌમાતાઓ માટે ઘાસચારા તથા પશુ-પક્ષીઓ માટે પાણી અને ભોજનની વ્યવસ્થા જેવા વિવિધ સેવાકાર્યોનો સમાવેશ થાય છે. આધ્યાત્મિકતા સાથે સમાજસેવા, કરુણા અને જીવદયાને જોડવાનો આ પ્રયાસ મહોત્સવની વિશેષતા બની રહેશે.આ મહોત્સવનો એક અન્ય મહત્ત્વપૂર્ણ અને ઐતિહાસિક પ્રસંગ જૈન ધર્મના જ્ઞાનભંડાર સમાન ૫૬ ગ્રંથોનું ભવ્ય લોકાર્પણ થશે. તેમાં ૩૨ આગમના ૩૫ ગ્રંથો, જૈન વિશ્વકોશના ૧૦ ગ્રંથો, જૈન ડિક્શનરીના ૮ ગ્રંથો અને ૩ જ્ઞાન ગ્રંથોનો સમાવેશ થાય છે. આ વિશાળ જ્ઞાનસંપદાનું લોકાર્પણ જૈન ધર્મના પ્રાચીન જ્ઞાન, દર્શન અને સાહિત્યને ભાવિ પેઢીઓ સુધી પહોંચાડવાની દિશામાં મહત્ત્વપૂર્ણ યોગદાન પૂરું પાડશે.આ ભવ્ય જૈન દીક્ષા મહોત્સવમાં જાણીતા ભક્તિગાયિકા મૈથિલી ઠાકુરની વિશેષ સંગીતમય પ્રસ્તુતિ પણ આકર્ષણનું કેન્દ્ર બનશે. ચારેય મુમુક્ષુઓના ત્યાગ, વૈરાગ્ય અને સંયમના સંકલ્પની ભાવપૂર્વક અનુમોદના કરવા સમગ્ર ધર્મપ્રેમી જનતાને હૃદયપૂર્વક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
(3:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
