<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 9th August 2026

NEET પેપર લીક અને રાજીનામાના વિવાદ બાદ ભૂતપૂર્વ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું મોટું નિવેદન: 'રાજકીય રોટલા શેકવા કેટલાક લોકોએ નવી પેઢીના યુવાનોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો'

​ઓડિશાના ભુવનેશ્વરમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોને સંબોધતા પ્રધાને સ્પષ્ટતા કરી કે મારે માટે મંત્રીપદ કે વ્યક્તિગત સન્માન મહત્વનું નહોતું, યુવા પેઢીની આકાંક્ષાઓને ધ્યાનમાં રાખીને જ મેં પ્રધાનમંત્રી મોદી સામે હોદ્દો છોડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી

નવી દિલ્હી / ભુવનેશ્વર:NEET પરીક્ષામાં કથિત ગેરરીતિઓ અને પેપર લીકના મુદ્દે સર્જાયેલા ભારે હોબાળા બાદ તાજેતરમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી પદેથી રાજીનામું આપનારા ભાજપના વરિષ્ઠ નેતા ધર્મેન્દ્ર પ્રધાને મૌન તોડ્યું છે. ઓડિશાના ભુવનેશ્વર સ્થિત જીએમ યુનિવર્સિટી ખાતે વિદ્યાર્થીઓ અને શિક્ષકોના એક કાર્યક્રમને સંબોધતા તેમણે દાવો કર્યો હતો કે વિવાદ દરમિયાન 'જનરેશન ઝેડ' (નવી પેઢીના યુવાનો)ને કેટલાક હિતચિંતકો દ્વારા ગેરમાર્ગે દોરવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા.

​પોતાના રાજીનામા અંગે ખુલાસો કરતા ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું હતું કે, "હું પણ આ પરિસ્થિતિનો ભોગ બન્યો છું. જે રીતે આખી ઘટના ઘડી કાઢવામાં આવી, મને લાગ્યું કે કેટલાક લોકો નવી પેઢીના બાળકોને ભ્રમિત કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આથી મેં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરીને વિનંતી કરી હતી કે દેશના યુવાનોની આકાંક્ષાઓનો અનાદર ન થાય અને તેમના અસંતોષનો ઉપયોગ રાજકીય સ્વાર્થ માટે ન કરવામાં આવે. મેં પ્રધાનમંત્રીને રાજીનામું સ્વીકારીને આ મુદ્દે યુવાનો સાથે સીધો સંવાદ સાધવા વિનંતી કરી હતી." તેમણે ઉમેર્યું હતું કે તેમના માટે વ્યક્તિગત પ્રતિષ્ઠા કે મંત્રીપદ કરતાં દેશના કરોડો યુવાનોનું ભવિષ્ય વધુ મહત્ત્વનું છે.

​બીજી તરફ, ઓડિશામાં વિપક્ષ બીજુ જનતા દળ (BJD) દ્વારા કરવામાં આવી રહેલા વિરોધ પ્રદર્શનો અને તેમના વિરુદ્ધ લાગેલા સૂત્રોચ્ચાર અંગે પ્રહારો કરતા પ્રધાને જણાવ્યું હતું કે, "હું એક ખેડૂતનો પુત્ર છું. વિરોધ પ્રદર્શનો કે ગો-બેકના નારાઓથી હું ડરવાનો નથી. મારો જન્મ ભગવાન જગન્નાથના આશીર્વાદથી થયો છે અને મેં ક્યારેય એવું કોઈ કામ નથી કર્યું જેનાથી ઓડિશાના લોકોનું માથું શરમથી ઝૂકે."

​જોકે, સામે પક્ષે BJD નેતાઓએ ધર્મેન્દ્ર પ્રધાનના આ નિવેદનો સામે પલટવાર કર્યો છે. BJD નેતાઓએ આક્ષેપ કર્યો હતો કે વિદ્યાર્થીઓના શાંતિપૂર્ણ આંદોલન પર થયેલા લાઠીચાર્જ અને દેશભરના લાખો NEET પરીક્ષાર્થીઓમાં વ્યાપેલી હતાશા માટે શાસક પક્ષ અને પૂર્વ મંત્રીની નીતિઓ જ જવાબદાર છે. આપાતકાલીન સ્થિતિ વચ્ચે સંસદથી લઈને ઓડિશાના સ્થાનિક રાજકારણમાં ધર્મેન્દ્ર પ્રધાનનું આ નિવેદન ભારે ચર્ચાનો વિષય બન્યું છે.

(11:32 AM IST)