તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 14th September 2026
તહેલકાના પૂર્વ એડિટર તરૂણ તેજપાલનું શરણાગતિ: રેપ કેસમાં ૧૦ વર્ષની સશક્ત કેદ બાદ મોકલાયા ગોવા જેલ, ૧૦ લાખ દંડનો પણ આદેશ
બોમ્બે હાઈકોર્ટના ચુકાદા અને સુપ્રીમ કોર્ટની કડક ચીમકી બાદ તેજપાલ ઉત્તર ગોવાની કોલવાલે સેન્ટ્રલ જેલ ભેગા; ૨૦૧૩ના સનસનાટીભર્યા લિફ્ટ કાંડમાં મોટો નિર્ણય

પણજી, તા.૧૪: તહેલકા મેગેઝીનના પૂર્વ એડિટર-ઇન-ચીફ તરૂણ તેજપાલે આખરે સોમવારે ગોવાની અદાલતમાં શરણાગતિ (સરએન્ડર) સ્વીકારી લીધી છે. ૨૦૧૩ના ચર્ચિત અને સનસનાટીભર્યા યૌન શોષણ (રેપ) કેસમાં બોમ્બે હાઈકોર્ટે તેમને ૧૦ વર્ષની સશક્ત કેદની સજા સંભળાવી હતી. સુપ્રીમ કોર્ટે પણ તેમને સરએન્ડરમાં કોઈ પણ પ્રકારની છૂટ આપવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો અને ૩ અઠવાડિયાની મુદત આપી હતી. સરએન્ડરની તમામ કાનૂની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તેજપાલને તુરંત જ ઉત્તર ગોવાની કડક સુરક્ષા ધરાવતી કોલવાલે સેન્ટ્રલ જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે.
શું હતો સમગ્ર લિફ્ટ કાંડ અને કાનૂની વિગતો?
આ વિવાદિત ઘટના નવેમ્બર ૨૦૧૩ની છે, જ્યારે ગોવાની એક ફાઇવ સ્ટાર હોટેલમાં 'તહેલકા' મેગેઝીન દ્વારા આયોજિત 'થિંક ફેસ્ટ' ઇવેન્ટ દરમિયાન તરૂણ તેજપાલ પર તેમની જ એક જૂનિયર મહિલા સહકર્મીએ હોટેલની લિફ્ટમાં ડિજિટલ રેપ અને યૌન શોષણ કરવાનો ગંભીર આરોપ મૂક્યો હતો.
અગાઉ મે ૨૦૨૧માં ગોવાની નીચલી અદાલતે તેજપાલને તમામ આરોપોમાંથી મુક્ત કર્યા હતા. પરંતુ બોમ્બે હાઈકોર્ટે નીચલી અદાલતના તે નિર્ણયને સંપૂર્ણપણે ફગાવી દીધો છે. હાઈકોર્ટે પીડિતાની જુબાની, ઘટનાસ્થળના સીસીટીવી ફુટેજ અને ઘટના બાદ મોકલવામાં આવેલા ઈમેલ્સને મજબૂત પુરાવા માન્યા હતા. અદાલતે પોતાના મહત્વપૂર્ણ અવલોકનમાં કહ્યું કે, "યૌન શોષણમાંથી બચેલી મહિલા પાસેથી કોઈ આદર્શ પીડિતાની નક્કી કરેલી છબી મુજબ જ વર્તવાની અપેક્ષા રાખી શકાય નહીં."
સરકારે કરી આજીવન કેદની માંગ, સુપ્રીમમાં ૨૨ સપ્ટેમ્બરે આગામી સુનાવણી
અદાલતે તેજપાલને ભારતીય દંડ સંહિતા (IPC) ની ધારા ૩૭૬(૨)(f) (બળાત્કાર), ૩૫૪(A) (યૌન શોષણ) અને ૩૫૪(B) હેતુસર દોષી ઠેરવ્યા છે અને ૧૦ વર્ષની કેદ ઉપરાંત ૧૦ લાખ રૂપિયાનો આકરો દંડ ફટકાર્યો છે, જે રકમ પીડિતાને આપવાનો આદેશ કરાયો છે.
બીજી તરફ, ગોવા સરકારે આ સજાને ખૂબ જ ઓછી ગણાવીને સુપ્રીમ કોર્ટમાં તેજપાલ માટે 'આજીવન કેદ'ની માંગણી કરી છે. સુપ્રીમ કોર્ટે ૨૨ સપ્ટેમ્બરના રોજ તેજપાલની અપીલ પર સુનાવણી નક્કી કરી છે, પરંતુ તે માટે તેમણે જેલમાં હોવાના અને સરએન્ડર કર્યાના કાગળો ૨૧ સપ્ટેમ્બર સુધીમાં કોર્ટમાં રજૂ કરવા પડશે.
(4:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
