<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th October 2026

તમિલનાડુના પૂર્વ શિક્ષણ મંત્રી અન્બિલ મહેશની ધરપકડ: ખાનગી શાળાઓ પાસેથી ₹100 કરોડની લાંચ લેવાનો સનસનાટીભર્યો આરોપ

લાઇસન્સ અને સરકારી મંજૂરીઓના નામે 177 શાળાઓ પાસેથી કરોડો ઉઘરાવ્યાનો સંગીન દાવો: હાઇકોર્ટે આગોતરા જામીન ફગાવતા ચેન્નાઈ પોલીસની સેન્ટ્રલ ક્રાઇમ બ્રાન્ચે કરી મોટી કાર્યવાહી

ચેન્નાઈ :   તમિલનાડુના રાજકારણમાં એક અત્યંત સનસનાટીભર્યો ભ્રષ્ટાચારનો મામલો સામે આવ્યો છે, જેમાં DMKના વરિષ્ઠ નેતા અને રાજ્યના ભૂતપૂર્વ શાળા શિક્ષણ મંત્રી અન્બિલ મહેશ પોયમોઝીની ધરપકડ કરવામાં આવી છે. ચેન્નાઈ પોલીસની સેન્ટ્રલ ક્રાઈમ બ્રાન્ચ  એ ખાનગી શાળાઓને લાયસન્સ આપવા તેમજ પડતર સરકારી મંજૂરીઓ ઝડપથી મેળવી આપવાના બહાને આશરે ₹100 કરોડની મસમોટી લાંચ લેવાના ગંભીર આરોપસર આ મોટી કાર્યવાહી કરી છે. તપાસ એજન્સીઓના પ્રાથમિક નિષ્કર્ષ મુજબ આ કથિત લાંચ પ્રકરણમાં રાજ્યની આશરે 177 જેટલી ખાનગી શાળાઓ સીધી રીતે પ્રભાવિત થઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ સમગ્ર કૌભાંડનો ભોપાળો તમિલનાડુ ફેડરેશન ઓફ પ્રાઇવેટ સ્કૂલ્સ એસોસિએશનના સેક્રેટરી ડી.સી. એલંગોવન દ્વારા નોંધાવવામાં આવેલી સત્તાવાર ફરિયાદ બાદ ફૂટ્યો હતો. ફરિયાદમાં આરોપ મૂકાયો હતો કે પાર્ટી ફંડના નામે શાળા સંચાલકો પાસેથી કરોડો રૂપિયાની વસૂલાત કરવામાં આવી હતી અને પડતર અરજીઓ મંજૂર કરાવવાની ખાતરી અપાઈ હતી. જોકે, નાણાં ચૂકવ્યા બાદ પણ વચન મુજબ મંજૂરીઓ ન મળતા મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. આ કેસમાં તમિલનાડુ પ્રાઇવેટ સ્કૂલ્સ એસોસિએશનના પ્રમુખ બી.ટી. અરાસુકુમાર અને અન્ય અધિકારીઓની ભૂમિકા પણ તપાસના દાયરામાં આવી ગઈ છે.

ધરપકડ પહેલા અન્બિલ મહેશે ગિરફ્તારીથી બચવા માટે મદ્રાસ હાઇકોર્ટના દરવાજા ખટખટાવ્યા હતા. પરંતુ મદ્રાસ હાઈકોર્ટે તેમની આગોતરા જામીન અરજી આકરા વલણ સાથે ફગાવી દીધી હતી અને ધરપકડ પર રોક લગાવવાની વિનંતી અસ્વીકાર કરી હતી. જે બાદ પોલીસ માટે તેમની અટકાયત કરવાનો માર્ગ મોકળો બન્યો હતો. એક તરફ DMK આ કાર્યવાહીને રાજકીય દ્વેષપૂર્ણ ગણાવી રહી છે, તો બીજી તરફ પૂર્વ મંત્રીએ પોતાના પર લાગેલા તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. હાલ પોલીસે આ કેસમાં ગુનાહિત વિશ્વાસઘાત અને ભ્રષ્ટાચાર નિવારણ કાયદા હેઠળ ગુનો નોંધીને વધુ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.

(6:51 PM IST)