તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 17th July 2026
બે મોટી પરાજય બાદ ફ્લિપ-ફ્લોપના પ્રહારો સહન કરનાર ભૂતપૂર્વ વિદ્યાર્થી નેતા એન્ડી બર્નહમ બ્રિટનના નવા વડાપ્રધાન બનશે : રાજકીય અસ્થિરતા વચ્ચે સોમવારે સંભાળશે દેશની કમાન
કોઈપણ સામાન્ય ચૂંટણી વગર સત્તાના સર્વોચ્ચ શિખરે પહોંચનારા ૫૬ વર્ષીય 'કિંગ ઓફ ધ નોર્થ' સામે જનતાની વૈધતા સાબિત કરવાનો મોટો પડકાર : મેનચેસ્ટર મોડેલના જનક ગણાતા લેબર પાર્ટીના નેતા દેશને આર્થિક કટોકટીમાંથી બહાર લાવવા ટૂંક સમયમાં વહેલી ચૂંટણીની જાહેરાત કરે તેવી પ્રબળ સંભાવના

લંડન: બ્રિટનના સત્તાવાર રાજકીય ઇતિહાસમાં સોમવારે એક નવું પ્રકરણ લખાવા જઈ રહ્યું છે. એક દાયકાથી ચાલી રહેલી તીવ્ર રાજકીય અસ્થિરતા અને પક્ષની આંતરિક કલહ વચ્ચે 'કિંગ ઓફ ધ નોર્થ' તરીકે દેશભરમાં વિખ્યાત બનેલા એન્ડી બર્નહમ યુનાઇટેડ કિંગડમના આગામી વડાપ્રધાન તરીકે દેશની કમાન સંભાળશે. છેલ્લા દસ વર્ષમાં બ્રિટિશ જનતા છ વડાપ્રધાનોનો કાર્યકાળ જોઈ ચૂકી છે અને હવે સોમવારે સત્તાના સૂત્રો હાથમાં લેનારા તેઓ સાતમા રાષ્ટ્રપ્રમુખ બનશે. કોઈપણ સામાન્ય ચૂંટણી વગર સીધા જ વડાપ્રધાન પદ સુધી પહોંચવાનો તેમનો આ સફર કોઈ મોટા રાજકીય ચમત્કારથી ઓછો માનવામાં આવતો નથી.
છોકરાની માઇક પ્લગ ઉખાડી ૧૭ વર્ષની ઉંમરે જીત્યા હતા પ્રથમ મોક ઇલેક્શન:
ઇંગ્લેન્ડના મર્સીસાઇડ વિસ્તારમાં જન્મેલા ૫૬ વર્ષીય એન્ડી બર્નહમનું પૂરું નામ એન્ડ્રુ મરે બર્નહમ છે. તેમણે જગપ્રસિદ્ધ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી ઉચ્ચ શિક્ષણ મેળવ્યું છે. તેમના પ્રારંભિક રાજકીય જીવનની શરૂઆત એક વિવાદ અને બેઈમાનીના સાયા હેઠળ થઈ હતી. વર્ષ ૧૯૮૭માં જ્યારે બ્રિટનમાં માર્ગરેટ થેચરની લહેર હતી, ત્યારે ૧૭ વર્ષના એન્ડી બર્નહમે પોતાની શાળામાં લેબર પાર્ટીના ઉમેદવાર તરીકે 'મોક ઇલેક્શન' લડ્યું હતું. તેમના પૂર્વ શિક્ષક સ્ટીવ હેરિંગ્ટનના જણાવ્યા મુજબ, બર્નહમ સામે કન્ઝર્વેટિવ પાર્ટીનો એક શાંત અને લાયક છોકરો ચૂંટણી લડી રહ્યો હતો. બર્નહમે મંચ પરથી ધારદાર ભાષણ આપ્યું હતું, પરંતુ જ્યારે વિરોધી ઉમેદવારનો બોલવાનો વારો આવ્યો ત્યારે બર્નહમના કટ્ટર સમર્થકોએ માઇકનો પ્લગ જ ઉખાડી નાખ્યો હતો. વિરોધી ઉમેદવાર અવાજ વગર બૂમો પાડતો રહ્યો અને બર્નહમ જંગી બહુમતીથી જીતી ગયા હતા.
બે શરમજનક હાર અને બસ કેમ્પેનનો એ વિવાદ:
એન્ડી બર્નહમ માટે વડાપ્રધાન પદ સુધી પહોંચવાનો માર્ગ અત્યંત કાંટાળો રહ્યો છે. તેઓ લેબર પાર્ટીના નેતૃત્વની ચૂંટણી બે વાર ખરાબ રીતે હારી ચૂક્યા છે. વર્ષ ૨૦૧૦માં પ્રથમ વખત ચૂંટણી લડતી વખતે ગ્લાસગોના કાર પાર્કમાં તેમના પ્રચારની બસ આવી હતી, જેમાં તેમના નામના સ્પેલિંગમાંથી 'N' ગાયબ હતો (Burham). આ ભૂલ છુપાવવા માટે કાર્યકરો જ્યારે બસની આગળ ઊભા રહ્યા ત્યારે બર્નહમના શરીરના કારણે 'Defend the NHS' (એનએચએસનું રક્ષણ કરો) નો નારો કટ થઈને 'End the NHS' (એનએચએસ ખતમ કરો) વંચાવા લાગ્યો હતો, જે ભારે વિવાદનું કારણ બન્યો હતો. ત્યારબાદ વર્ષ ૨૦૧૫ની નેતૃત્વની ચૂંટણીમાં તેઓ જીતના સૌથી મોટા દાવેદાર હોવા છતાં વામપંથી જેરેમી કોર્બિને બાજી પલટીને તેમને પરાજય આપ્યો હતો. આ હાર બાદ તેઓ લંડનની એક સામાન્ય હોટેલમાં હતાશામાં ભોજન કરી રહ્યા હતા ત્યારે લેબર પીયર ચાર્લી ફાલ્કનરે તેમને આશ્વાસન આપતાં કહ્યું હતું કે, હંમેશા ત્રીજો મોકો હોય છે.
'કેપ્ટન ફ્લિપ-ફ્લોપ' થી 'કિંગ ઓફ ધ નોર્થ' બનવાની સફર:
લંડનના રાજકીય વર્તુળોમાં બર્નહમ પર ઘણીવાર હવા જોઈને પક્ષ બદલવાનો અને સિદ્ધાંતવિહીન રાજનીતિ કરવાનો આરોપ લાગતો રહ્યો છે, જેને કારણે વિરોધીઓ તેમને 'કેપ્ટન ફ્લિપ-ફ્લોપ' પણ કહે છે. જો કે, વર્ષ ૨૦૧૭માં ગ્રેટર મેનચેસ્ટરના મેયર બન્યા બાદ તેમની છબી સંપૂર્ણપણે બદલાઈ ગઈ હતી. કોરોના મહામારી દરમિયાન તેમણે લંડનની કેન્દ્રીય સરકાર સામે ઉત્તરી ઇંગ્લેન્ડના હિતો માટે ઉગ્ર લડત આપી હતી, જેના કારણે તેમને 'કિંગ ઓફ ધ નોર્થ' નું બિરુદ મળ્યું હતું. તેમણે પરિવહન, આવાસ અને આરોગ્ય ક્ષેત્રે 'મેનચેસ્ટર મોડેલ' સફળતાપૂર્વક લાગુ કરીને ખાનગી અને જાહેર રોકાણ દ્વારા શહેરી વિકાસની નવી ઊંચાઈઓ સર કરી હતી.
સરકારમાં મોટો અનુભવ અને વહેલી ચૂંટણીના સંકેતો:
એન્ડી બર્નહમ અગાઉ બ્રિટિશ સરકારમાં આરોગ્ય પ્રધાન અને સંસ્કૃતિ પ્રધાન જેવા મહત્વના કેબિનેટ હોદ્દાઓ સંભાળી ચૂક્યા છે. વર્તમાન સમયમાં તેઓ લેબર પાર્ટીના સર્વોચ્ચ નેતા છે. તેમના માર્ગદર્શક અને ભૂતપૂર્વ ગૃહ પ્રધાન ડેવિડ બ્લંકેટે તેમને હાલ શાંત રહીને પાનખર ઋતુ સુધી નવી કેબિનેટ બનાવવા અને એજન્ડા સેટ કરવા સલાહ આપી છે. જો કે, વડાપ્રધાન બન્યા બાદ તેમના પર 'વિના જનાદેશના પીએમ' હોવાનો સિક્કો વાગ્યો હોવાથી, બર્નહમ દેશની જનતાનો સીધો સત્તાવાર મેન્ડેટ મેળવવા માટે બ્રિટનમાં ખૂબ જ ટૂંક સમયમાં સ્નેપ જનરલ ઇલેક્શન (સમય કરતાં વહેલી આમ ચૂંટણી) ની જાહેરાત કરી શકે છે. હાલમાં દેશની ધીમી આર્થિક વૃદ્ધિ, શરણાર્થી કટોકટી, જાહેર સેવાઓ પરનું દબાણ અને પક્ષના ઘટતા જનાધારને મજબૂત કરવાની અગ્નિપરીક્ષા તેમની સામે છે.
(10:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
