<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th May 2026

શ્રીલંકાના પૂર્વ બેંક ગવર્નર અજીત નિવાર્ડ કબરાલ સામે ફરી ગાળિયો કસાયો: ગ્રીક બોન્ડ રોકાણ કેસમાં ૧૦૦ મિલિયન જમા ન કરાવતા કોલંબો હાઈકોર્ટમાં નવો કેસ દાખલ

૧.૮૪ અબજ રૂપિયાના જંગી નુકસાનનો મામલો: ગ્રીસની આર્થિક કટોકટી વખતે રોકાણ કરી દેશને આર્થિક પાયમાલી તરફ ધકેલવાનો ગંભીર આક્ષેપ

કોલંબો: શ્રીલંકાના પૂર્વ સેન્ટ્રલ બેંક ગવર્નર અજીત નિવાર્ડ કબરાલની મુશ્કેલીઓમાં ફરી એકવાર વધારો થયો છે. ગ્રીક સાર્વભૌમ બોન્ડ્સમાં વિવાદાસ્પદ રોકાણના મામલે કોલંબો હાઈકોર્ટમાં તેમની સામે ફરીથી કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ વખતે તેમની સામે કોર્ટના આદેશનું ઉલ્લંઘન કરવાનો અને નિર્ધારિત સમયમાં ૧૦૦ મિલિયન રૂપિયા જમા ન કરાવવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.
શ્રીલંકાના એન્ટી કરપ્શન એક્ટની કલમ ૬૭(૫) હેઠળ દાખલ કરાયેલા આ કેસમાં કમિશન ટુ ઈન્વેસ્ટિગેટ એલિગેશન્સ ઓફ બ્રાઈબરી ઓર કરપ્શન (CIABOC) એ જણાવ્યું છે કે, અગાઉ કબરાલ સામેની કાર્યવાહી પાછી ખેંચવાની શરત એ હતી કે તેઓ ચોક્કસ રકમ કોર્ટમાં જમા કરાવે. જોકે, ત્રણ મહિનાની સમયમર્યાદા વીતી જવા છતાં આ શરત પૂરી ન થતા કમિશને નવેસરથી કાયદાકીય કાર્યવાહી શરૂ કરી છે.
આ સમગ્ર મામલો ૨૦૧૨ના વર્ષનો છે, જ્યારે ગ્રીસ ભયાનક આર્થિક કટોકટીમાંથી પસાર થઈ રહ્યું હતું. આ કપરા સમયમાં શ્રીલંકાની સેન્ટ્રલ બેંકે ગ્રીક બોન્ડ્સમાં મોટું રોકાણ કર્યું હતું. આક્ષેપ છે કે આ ખોટા આર્થિક નિર્ણયને કારણે શ્રીલંકાને ૧.૮૪ અબજ રૂપિયા (આશરે ૧૩-૧૪ મિલિયન ડોલર) થી વધુનું જંગી નુકસાન સહન કરવું પડ્યું હતું. રોકાણકારો અને વિપક્ષ દ્વારા તેને સરકારી તિજોરી પરનો મોટો ફટકો ગણાવવામાં આવ્યો હતો.
શ્રીલંકામાં ચાલી રહેલી આર્થિક સફાઈ અને ભ્રષ્ટાચાર વિરોધી ઝુંબેશ હેઠળ આ કેસને અત્યંત મહત્વનો ગણવામાં આવી રહ્યો છે. હવે જોવાનું એ રહેશે કે કોલંબો હાઈકોર્ટ આ મામલે કેવા આકરા પગલાં ભરે છે અને કબરાલ આ કાયદાકીય ચક્રવ્યૂહમાંથી કેવી રીતે બહાર નીકળે છે.

(10:53 PM IST)