<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th June 2026

દિલ્હીમાં પૂર્વ વડાપ્રધાનના પુત્ર સાયબર ફ્રોડનો શિકાર બન્યા : નરેશ ગુજરાલ સાથે વોટ્સએપથી 7.8 કરોડની મોટી છેતરપિંડી

નરેશ ગુજરાલની કંપનીમાં કામ કરતા એક વરિષ્ઠ અધિકારીને અજાણ્યા નંબર પરથી વોટ્સએપ મેસેજ આવ્યો ,નંબર પર નરેશ ગુજરાલનો DP લગાવેલો:બોસે જ મેસેજ મોકલ્યો એવું સમજી અધિકારી ફસાઈ ગયા : શાતીર ઠગના કેહવા મુજબ મોટી રકમ ટ્રાન્સફર કરી નાખી

દિલ્હીમાં પૂર્વ વડાપ્રધાનના પુત્ર સાયબર ફ્રોડના સકંજામાં ફસાયા હોવાની સનસનીખેજ ઘટના બની છે. હેવાલ મુજબ પૂર્વ વડાપ્રધાન ઈન્દ્ર કુમાર ગુજરાલના પુત્ર અને પૂર્વ રાજ્યસભા સાંસદ નરેશ ગુજરાલ સાથે વોટ્સએપ દ્વારા 7.8 કરોડની મોટી છેતરપિંડી થઈ છે. શાતિર ઠગોએ ખૂબ જ યોજના પૂર્વક આ છેતરપિંડી આચરી છે.

નરેશ ગુજરાલની કંપનીમાં કામ કરતા એક વરિષ્ઠ અધિકારીને અજાણ્યા નંબર પરથી વોટ્સએપ મેસેજ આવ્યા હતા. આ નંબર પર નરેશ ગુજરાલનો પ્રોફાઈલ ફોટો (DP) લગાવેલો હતો. અધિકારીને લાગ્યું કે, મેસેજ તેમના બોસે જ મોકલ્યો છે, જેથી તેઓ ઠગની જાળમાં ફસાઈ ગયા હતા

નકલી આઈડીથી વાત કરી રહેલા ઠગે અધિકારીને તાત્કાલિક મોટી રકમ બેંક ખાતામાં ટ્રાન્સફર કરવા કહ્યું હતું. શરૂઆતમાં RTGS દ્વારા 1.5 કરોડ મોકલવાનું કહેવાયું હતું. અધિકારીને જરાય શંકા ન ગઈ અને માત્ર 4 દિવસમાં કટકે-કટકે કુલ 7.8 કરોડ ઠગના ખાતામાં ટ્રાન્સફર થઈ ગયા. જોકે મોટા ટ્રાન્ઝેક્શન જોઈને બેંકને શંકા ગઈ હતી અને તેમણે કંપનીના CFOનો સંપર્ક કર્યો હતો. જોકે, CFOએ પણ એવું જ માની લીધું કે, આ નિર્દેશો નરેશ ગુજરાલ તરફથી જ આવ્યા છે, જેથી આ નાણાકીય વ્યવહારો ચાલુ રહ્યા હતા.

16 જૂનના રોજ જ્યારે અધિકારીને થોડી વધુ શંકા ગઈ, ત્યારે તેમણે નરેશ ગુજરાલની દીકરી દીક્ષાનો સંપર્ક કર્યો હતો. દીક્ષાએ જણાવ્યું કે, તેના પિતાએ આવા કોઈ પૈસા મંગાવ્યા નથી. આ સાંભળીને પરિવાર ચોંકી ગયો અને તેમને સાયબર ફ્રોડનો અહેસાસ થતાં તાત્કાલિક પોલીસમાં ઈ-એફઆઈઆર નોંધાવી છે.

દિલ્હી પોલીસની સ્પેશિયલ ટીમ IFSOએ મામલાની તપાસ હાથ ધરીને સંબંધિત બેંક ખાતાને ટ્રેક કર્યું હતું. સામાન્ય રીતે સાયબર ગુનેગારો પૈસા તરત જ બીજા ખાતાઓમાં ટ્રાન્સફર કરી દેતા હોય છે, પરંતુ આ કેસમાં સદનસીબે મોટી રકમ એ જ ખાતામાં મળી આવી હતી. પોલીસે તેમાંથી 4 કરોડ ટ્રેસ કરીને ફ્રીઝ કરી દીધા છે.

(9:44 PM IST)