તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 6th August 2026
બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ ડિસેમ્બર મહિનામાં સ્વદેશ વાપસી કરવાની મોટી જાહેરાત
દિલ્હીથી પત્રકારોને સંબોધતા તેમણે મોતની સજા કે જેલના ડર વગર દેશવાસીઓ પાસે જવાનો નિર્ધાર કર્યો:તેમણે મુશ્કેલ સમયમાં આશ્રય અને સન્માન આપવા બદલ ભારત સરકાર અને વડાપ્રધાન મોદીનો આભાર માન્યો

બાંગ્લાદેશમાં સત્તા પરથી બેદખલ થયાના 2 વર્ષ બાદ પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ નવી દિલ્હી ખાતેથી મોટી જાહેરાત કરી છે. તાજેતરના અહેવાલો મુજબ, દિલ્હી સ્થિત ફોરેન કરસ્પોન્ડન્ટ્સ ક્લબમાં પત્રકારોને ઓડિયો માધ્યમથી સંબોધિત કરતા તેમણે જાહેરાત કરી છે કે તેઓ આગામી ડિસેમ્બર મહિનામાં જ બાંગ્લાદેશ પરત ફરશે.
૫ ઓગસ્ટ ૨૦૨૪ ના રોજ બાંગ્લાદેશ છોડીને દિલ્હી આવ્યા બાદ ૭૮ વર્ષીય પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ પ્રથમ વખત વિદેશી પત્રકારોને વર્ચ્યુઅલી સંબોધિત કર્યા હતા. આ સંબોધન દરમિયાન તેમનો ચહેરો દેખાતો નહોતો, પરંતુ ઓડિયો સંદેશમાં તેમણે સ્વદેશ વાપસીના પોતાના મજબૂત ઈરાદા વ્યક્ત કર્યા હતા.
તેમણે જણાવ્યું કે બાંગ્લાદેશની વર્તમાન સરકાર જે ઈચ્છે તે કરી શકે છે, પરંતુ તેમણે દેશવાસીઓ વચ્ચે પરત જવાનો મક્કમ નિર્ધાર કરી લીધો છે.
પોતાનું સંબોધન શરૂ કરતા જ ૭૮ વર્ષીય હસીના આસૂંસારી રોઈ પડ્યા હતા.વિશ્લેષણ મુજબ, તેમણે ડિસેમ્બર મહિનો પસંદ કરવા પાછળનું ઐતિહાસિક કારણ આપતા કહ્યું કે ડિસેમ્બર બાંગ્લાદેશ માટે 'મુક્તિ સંગ્રામ' અને 'વિજયનો મહિનો' છે.
૧૬ ડિસેમ્બર ૧૯૭૧ ના રોજ ભારતે પાકિસ્તાનને હરાવીને બાંગ્લાદેશને આઝાદી અપાવી હતી. આથી તેઓ પોતાની વાપસી માટે યોગ્ય તારીખની જાહેરાત ટૂંક સમયમાં જ કરશે.
બાંગ્લાદેશના આંતરરાષ્ટ્રીય અપરાધ ટ્રિબ્યુનલે હસીનાની ગેરહાજરીમાં જ તેમને મૃત્યુદંડ (મોતની સજા) સંભળાવેલી છે. ૨૦૨૪ ના છાત્ર આંદોલન દરમિયાન થયેલી હિંસા અંગે તેમની સામે આ ચુકાદો આપવામાં આવ્યો છે.
જોકે હસીનાએ કહ્યું કે, "મારા નસીબમાં જે લખ્યું હશે તે હું ભોગવીશ. ૧૯૮૧, ૧૯૮૩, ૧૯૮૫ અને ૨૦૦૭ માં પણ મને રોકવાનો પ્રયાસ થયો હતો. મારા પર ૧૯ વાર પ્રાણઘાતક હુમલા થયા, ૨૦૦૪ ના ગ્રેનેડ હુમલા પણ મને રોકી શક્યા નથી. જેલ કે મોતનો ડર મને મારા દેશવાસીઓ પ્રત્યેની ફરજમાંથી પાછળ હટાવી શકશે નહીં."
(12:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
