News of Wednesday, 11th November 2026
ડોનાલ્ડ ટ્રમ્પના રોષ બાદ પૂર્વ વકીલ એલિના હબ્બાએ ૫૦ મિલિયન ડોલરનો મોટો કરાર ગુમાવ્યો
વેનેઝુએલાના અબજોપતિ પરિવાર સાથેની સોદાબાજીને રાષ્ટ્રપતિએ ગણાવી અપમાનજનક, કોનકોર્ડ પાર્ટનર્સે કરી બરતરફ

ન્યૂ યોર્ક : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પૂર્વ અંગત વકીલ એલિના હબ્બા મિલ્ડનને મોટો આંચકો લાગ્યો છે, જ્યાં વેનેઝુએલાના અબજોપતિ બેંકર જુલિયો હેરેરા વેલુટિનીના પરિવાર સાથેનો તેમનો ૫૦ મિલિયન ડોલર (અંદાજે રૂ. ૪૦૦ કરોડથી વધુ)નો ભવ્ય કરાર રદ કરવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે આ નાણાકીય વ્યવસ્થાને જાહેરમાં "ઘૃણાસ્પદ અને અપમાનજનક" ગણાવ્યાના ગણતરીના દિવસોમાં જ ફ્લોરિડા સ્થિત કોનકોર્ડ પાર્ટનર્સ કંપનીએ ૪ નવેમ્બરના રોજ પત્ર પાઠવીને હબ્બાને જનરલ કાઉન્સેલના પદ પરથી બરતરફ કરી દીધા છે.
કંપનીએ બરતરફીના પત્રમાં "ફરજો બજાવવામાં નિષ્ફળતા"નો ઉલ્લેખ કર્યો છે, જ્યારે હેરેરા પરિવારના નજીકના સૂત્રોના જણાવ્યા મુજબ તુર્કીના રોકાણકાર તુર્હાન મિલ્ડન સાથે લગ્ન કર્યા બાદ હબ્બાની પ્રાથમિકતાઓ બદલાઈ ગઈ હતી. કરાર મુજબ તેમને વાર્ષિક ૧૦ મિલિયન ડોલર ઉપરાંત વધારાના બોનસ મળવાના હતા, જેમાંથી $૮ મિલિયન સાઇનિંગ બોનસ અને $૬.૫ મિલિયનની ચુકવણીઓ તેઓ મેળવી ચૂક્યા છે. જોકે, હબ્બા આ બરતરફી સામે કાનૂની કાર્યવાહી કરવાની યોજના બનાવી રહ્યા છે.
આ વિવાદનું મુખ્ય કારણ ટ્રમ્પ દ્વારા હેલોવીન પર માર-એ-લાગો ક્લબ ખાતે જારી કરાયેલું નિવેદન હતું, જેમાં તેમણે સ્પષ્ટ કર્યું હતું કે તેઓ તેમના પૂર્વ વકીલને આ સોદામાંથી પૈસા મળવા દેવા માગતા નથી અને આ રકમ ભવિષ્યની રાષ્ટ્રપતિ લાઇબ્રેરી કે ટ્રમ્પ-સંબંધિત સંસ્થામાં દાન આપવા સૂચન કર્યું હતું. આ હાઇ-પ્રોફાઇલ કરારના સમય અને હેરેરા પરિવારને રાષ્ટ્રપતિ માફી અપાવવાના પ્રયાસો સામે પણ ગંભીર પ્રશ્નો ઊભા થયા છે, કારણ કે ઓક્ટોબર ૨૦૨૫માં ન્યૂ જર્સીના કાર્યકારી યુએસ એટર્ની તરીકે સેવા આપતી વખતે હબ્બાએ આ કરાર કર્યો હતો.
લાંચના આરોપોનો સામનો કરી રહેલા હેરેરાને ૧૫ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ ટ્રમ્પ દ્વારા પૂર્ણ માફી આપવામાં આવી હતી, જે હબ્બાના કંપનીમાં જોડાયાના બે જ અઠવાડિયા બાદ બની હતી. જોકે હબ્બાએ માફી અને પોતાના રોજગાર વચ્ચેના કોઈ પણ સંબંધનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે. અગાઉ ફેડરલ અપીલ કોર્ટે હબ્બાની ન્યૂ જર્સીના ટોચના ફેડરલ પ્રોસિક્યુટર તરીકેની નિમણૂકને ગેરકાયદે ઠેરવતા ડિસેમ્બર ૨૦૨૫માં તેમણે રાજીનામું આપવું પડ્યું હતું, ત્યારે હવે ન્યાય વિભાગ અને ફેડરલ એજન્સીઓ આ સમગ્ર રાષ્ટ્રપતિ માફી પ્રકરણ અને નાણાકીય સોદાબાજીની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.
(10:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
