તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ શ્રાવણ વદ-૧૪, રવિવાર
News of Tuesday, 3rd November 2026
ગુજરાતના પૂર્વ મુખ્ય સચિવ એલ.એન.એસ. મુકુંદનની સાંસદ પરિમલ નથવાણીએ લીધી મુલાકાત: ખબરઅંતર પૂછ્યા: કહ્યું કે મુકુંદન સાહેબે પિતાની જેમ મને સ્નેહ આપ્યો અને પુત્ર સમાન ગણ્યો : કારકિર્દીના શરૂઆતના દિવસો યાદ કરી પરિમલભાઈ ભાવુક બન્યા

અમદાવાદ : ઝારખંડના રાજ્યસભાના સાંસદ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના કોર્પોરેટ અફેર્સના ડિરેક્ટર પરિમલભાઈ નથવાણીએ ગુજરાતના પૂર્વ મુખ્ય સચિવ શ્રી એલ.એન.એસ. મુકુંદનની તાજેતરમાં તેમના નિવાસસ્થાને મુલાકાત લઈને સ્વાસ્થ્ય અંગે ખબરઅંતર પૂછ્યા હતા. આ મુલાકાત દરમિયાન શ્રી નથવાણીએ પોતાની કારકિર્દીના શરૂઆતના દિવસોની સુખદ સ્મૃતિઓ તાજી કરી હતી.
સોશિયલ મીડિયા ઉપર તસવીરો સાથે મૂકેલી ભાવનાત્મક પોસ્ટમાં શ્રી નથવાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં પોતાના શરૂઆતના દિવસોમાં મુકુંદન સાહેબે તેમને પિતાતુલ્ય સ્નેહ આપ્યો હતો અને પોતાના પુત્ર સમાન ગણ્યા હતા. તેમના માર્ગદર્શન, વરિષ્ઠ અધિકારીઓ તથા રાજકીય આગેવાનો સાથેના પરિચય અને સતત પ્રોત્સાહનથી કોર્પોરેટ ક્ષેત્રમાં પોતાની પ્રગતિને નવી દિશા મળી હતી.
શ્રી નથવાણીએ ખાસ કરીને ૧૯૯૫થી ૧૯૯૭ દરમિયાન સહયોગ અને માર્ગદર્શન આપનારા વરિષ્ઠ અધિકારીઓ સર્વશ્રી કે.વી. ભાનુજન, એ. પ્રસાદ, પી.વી. ત્રિવેદી અને પી.કે. લહેરીને પણ કૃતજ્ઞતાપૂર્વક યાદ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, આ અધિકારીઓ પાસેથી જીવનના અમૂલ્ય પાઠ શીખવા મળ્યા હતા. તેમના સ્નેહ, પ્રોત્સાહન અને વિશ્વાસ માટે તેઓ હંમેશાં ઋણી રહેશે.
ગુજરાતના વહીવટી તંત્રમાં ઉચ્ચ હોદ્દે રહી ચૂકેલા મુકુંદન સાહેબ સાથેની આ મુલાકાત શ્રી નથવાણી માટે જૂની યાદોને તાજી કરનારી બની રહી હતી. તેમણે મુકુંદન સાહેબના સારા સ્વાસ્થ્ય, દીર્ઘાયુષ્ય અને સુખાકારી માટે હૃદયપૂર્વક શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી.
તસવીરમાં ગુજરાતના પૂર્વ મુખ્ય સચિવshri એલ.એન.એસ. મુકુંદનની તેમના નિવાસસ્થાને મુલાકાત લઈ ખબરઅંતર પૂછતા રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણી નજરે પડે છે.
(11:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
