તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 28th October 2026
બંગાળના પૂર્વ મંત્રી ઇન્દ્રનીલ સેનની દુર્ગા પૂજા પાસ કૌભાંડમાં ધરપકડ: યુનેસ્કોના નામે કરોડોની નાણાકીય ગેરરીતિનો આરોપ
યુનેસ્કોના પ્રીવ્યૂ શો અને સ્પેશિયલ પાસ વેચવાના નામે કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવાના મામલામાં પૂર્વ મંત્રીની ધરપકડ કરવામાં આવતા રાજકારણ ગરમાયું છે.

કોલકાતા : પશ્ચિમ બંગાળના રાજકારણમાં એક મોટો અને હચમચાવી નાખનાર ખુલાસો સામે આવ્યો છે, જ્યાં રાજ્યના પૂર્વ માહિતી અને સંસ્કૃતિ મંત્રી તથા તૃણમૂલ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ સેનની બુધવારે ચર્ચાસ્પદ 'દુર્ગા પૂજા પાસ કૌભાંડ' સંદર્ભમાં સત્તાવાર રીતે ધરપકડ કરવામાં આવી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) અને પોલીસની સંયુક્ત કાર્યવાહી દરમિયાન સોલ્ટ લેકના સીજીઓ કોમ્પ્લેક્સ ખાતે પૂછપરછ માટે પહોંચેલા સેનને તપાસમાં અસહકાર કરવાના આરોપસર અટકાયતમાં લઈને લાલબજાર પોલીસ મુખ્યાલય ખાતે ખસેડવામાં આવ્યા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, આ સમગ્ર વિવાદ દુર્ગા પૂજાના પ્રીવ્યૂ શો અને ખાસ એન્ટ્રી પાસના વેચાણમાં યુનેસ્કોના નામનો ખોટો ઉપયોગ કરીને કરોડો રૂપિયાની નાણાકીય હેરાફેરી કરવા સાથે જોડાયેલો છે. તપાસ એજન્સીની પ્રાથમિક તપાસમાં આ કૌભાંડની રકમ અંદાજે ૫૦ થી ૬૦ કરોડ રૂપિયાની આસપાસ હોવાનું સામે આવ્યું છે, જોકે આ અંગે સત્તાવાર કાનૂની પૂરવાર થવાનું હજુ બાકી છે. જયદીપ મુખર્જી દ્વારા બાહુબજાર પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી એફઆઈઆરના આધારે ઇડી અને સ્થાનિક પોલીસે આ ભ્રષ્ટાચારના મૂળ સુધી પહોંચવા માટે દરોડા અને પૂછપરછની કાર્યવાહી હાથ ધરી હતી.
તપાસ દરમિયાન એવું પણ બહાર આવ્યું છે કે પાસ વેચતી વખતે યુનેસ્કો સાથે સત્તાવાર જોડાણ હોવાનો બનાવટી દેખાવ ઊભો કરવામાં આવ્યો હતો, જેથી લોકો સરળતાથી છેતરાઈ જાય. આ કેસમાં પૂર્વ મંત્રીની પત્ની મધુછંદા સેન અને તેમની સાથે સંકળાયેલી 'માસ આર્ટ' નામની સંસ્થાની ભૂલીકા પણ શંકાના ઘેરામાં આવી છે, અને તેમની પણ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે.
આ ગંભીર ધરપકડ અંગે પ્રતિક્રિયા આપતા રાજ્યના સત્તાવાર સ્તરેથી જણાવવામાં આવ્યું છે કે કાયદો તેના રસ્તે કામ કરી રહ્યો છે અને તપાસ એજન્સીઓને મળેલા પુરાવાઓના આધારે જ આ કડક કાનૂની પગલાં ભરવામાં આવ્યા છે. અગાઉ આ મામલે રાજકીય સંરક્ષણ મળતું હોવાના આક્ષેપો પણ વિપક્ષી નેતાઓ દ્વારા કરવામાં આવ્યા હતા.
આ કાર્યવાહીથી બચી શકવા માટે પૂર્વ મંત્રી ઇન્દ્રનીલ સેન દ્વારા અગાઉ કોલકાતા હાઇકોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરવામાં આવી હતી, પરંતુ અદાલતે તેમની અરજી ફગાવી દીધી હતી. ત્યારબાદ તેમણે આ મામલે સર્વોચ્ચ અદાલતમાં પણ અપીલ કરી હતી, જ્યાં કાનૂની પ્રક્રિયાઓ હજુ ચાલી રહી છે.
આ ચકચારી કૌભાંડના ખુલાસા બાદ રાજ્યના વહીવટી અને રાજકીય વર્તુળોમાં ભારે હલચલ મચી ગઈ છે, અને આગામી દિવસોમાં આ મામલે વધુ મોટા ખુલાસાઓ થવાની તેમજ અન્ય સંડોવાયેલા લોકો સામે પણ કડક સિકંજા કસાય તેવી પૂરી સંભાવના છે.
(8:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
