<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th November 2026

ભારતમાં વાર્ષિક ₹1.22 લાખ કરોડનો ખોરાક સડી જાય છે: કોલ્ડ સ્ટોરેજના અભાવે 40% ફળો-શાકભાજી કચરામાં!

ક્લાઈમેટ ટ્રેન્ડ્સ'ના ચોંકાવનારા રિપોર્ટમાં ખુલાસો: દેશના માત્ર 4% કૃષિ ઉત્પાદનોને મળે છે કોલ્ડ ચેઈન સુવિધા : હવામાન પરિવર્તન અને ટેકનોલોજીની કટોકટીથી ખાદ્ય ફુગાવો 8.20% સુધી વધવાની મોટી આશંકા

નવી દિલ્હી: વિશ્વભરમાં દરરોજ અંદાજે 67 કરોડ લોકો ભૂખ્યા પેટે ઊંઘવા મજબૂર છે અને ભૂખમરા તથા કુપોષણના કારણે વાર્ષિક 90 લાખ લોકો પોતાના જીવ ગુમાવે છે, ત્યારે ભારતમાં ખોરાકના બગાડને લઈને એક ચોંકાવનારો અને આંખ ઉઘાડનારો ખુલાસો થયો છે. 'ક્લાઈમેટ ટ્રેન્ડ્સ' દ્વારા પ્રકાશિત "ફ્રોમ રિસ્ક ટુ રેઝિલિયન્સ: ક્લાઇમેટ ચેન્જ, ઇકોલોજી, એન્ડ ધ ફ્યુચર ઓફ ઇન્ડિયન એગ્રીકલ્ચર" શીર્ષક હેઠળના તાજેતરના અહેવાલ અનુસાર, યોગ્ય સંગ્રહ અને પરિવહન વ્યવસ્થાના અભાવે ભારતમાં દર વર્ષે ₹1.22 લાખ કરોડ (અંદાજે 13 અબજ ડોલર) ની કિંમતની કૃષિ પેદાશો સડીને નષ્ટ થઈ જાય છે. દેશના ખેતરોમાં પાકતા કુલ ઉત્પાદનમાંથી 40% ફળો અને શાકભાજી ગ્રાહકના થાળી સુધી પહોંચે તે પહેલા જ કચરાના ઢગલામાં ફેરવાઈ જાય છે.

આ ભયાનક આર્થિક અને સામાજિક નુકસાન પાછળનું મુખ્ય કારણ દેશમાં કોલ્ડ સ્ટોરેજ અને રેફ્રિજરેટેડ વાહનોની ભારે અછત છે. રિપોર્ટ દર્શાવે છે કે ભારતભરમાં વાર્ષિક ધોરણે ઉત્પાદિત થતા તાજા કૃષિ ઉત્પાદનોમાંથી માત્ર 4% જ પાકને સુરક્ષિત કોલ્ડ-ચેઈન નેટવર્ક પ્રાપ્ત થાય છે. ટામેટાં, સ્ટ્રોબેરી, ચેરી, વટાણા, દ્રાક્ષ અને મશરૂમ જેવા સંવેદનશીલ શાકભાજી અને ફળો ઉપરાંત ઘઉં અને ચોખા જેવા અનાજનો પણ 5% થી 6% જથ્થો પરંપરાગત સંગ્રહ પદ્ધતિઓ અને જંતુઓના ઉપદ્રવને કારણે બગડી જાય છે. સંસદના આંકડા મુજબ 31 જાન્યુઆરી, 2026 સુધીમાં દેશમાં 8,831 કોલ્ડ સ્ટોરેજ સુવિધાઓ નોંધાઈ છે, જેમાં ઉત્તર પ્રદેશ (2,489) પ્રથમ અને ગુજરાત (1,032) બીજા ક્રમે આવે છે, છતાં વિશાળ કૃષિ ઉત્પાદનની સામે આ સુવિધાઓ સાવ ઓછી પડે છે.

કોલ્ડ ચેઈનની અછતની સાથે સાથે આબોહવા પરિવર્તન પણ ભારતીય કૃષિ ક્ષેત્ર માટે બેવડો ફટકો સાબિત થઈ રહ્યું છે. છેલ્લા પાંચ દાયકામાં સરેરાશ તાપમાનમાં થયેલા 1 ડિગ્રી સેલ્સિયસના વધારાથી તમામ મુખ્ય પાકોના ઉત્પાદનમાં 8% નો સીધો ઘટાડો નોંધાયો છે, જ્યારે પૂર અને અતિવૃષ્ટિના કારણે દેશની 20 મિલિયન હેક્ટર જમીન પરનો પાક પ્રભાવિત થયો છે. જો ત્વરિત ધોરણે કોલ્ડ સ્ટોરેજ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત કરવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં બજારમાં ખાદ્ય પદાર્થોની તંગી સર્જાતા ખાદ્ય ફુગાવો 8.20% ની જોખમી સપાટીએ પહોંચી શકે છે, જે સામાન્ય નાગરિકોના ઘરગથ્થુ બજેટને સંપૂર્ણપણે ખોરવી નાખશે.

(6:13 PM IST)