<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 9th August 2026

ખાદ્ય સુરક્ષા ક્ષેત્રે ફુડ સેફ્ટી ઓથોરિટીની અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી: નામાંકિત ડ્રાયફ્રૂટ્સ અને નાસ્તા ઉત્પાદક કંપનીઓમાંથી જીવતા જીવડાં, ગરોળી, ઉંદરની હગાર અને સડેલો માલ મળી આવતાં લાયસન્સ તાત્કાલિક સસ્પેન્ડ

​ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર સ્થિત વીકેસી નટ્સ તથા છેડા સ્પેશિયાલિટીઝના પ્રોસેસિંગ યુનિટ્સ પર ફુડ સેફ્ટી કમિશનરના દરોડા: પિસ્તામાં જીવતા કીડા, અંજીર પાસે ગરોળી, તેલની ટાંકીઓ પર ફંગસ અને ખુલ્લા હાથે સડેલા ખોરાકનું પ્રોસેસિંગ થતું હોવાનો ચોંકાવનારો ખુલાસો

​નવી દિલ્હી  : ​દેશભરમાં ગ્રાહકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં કરતી જાણીતી ખાદ્યપદાર્થ નિર્માતા કંપનીઓ સામે ભારતીય ખાદ્ય સુરક્ષા અને ધોરણો સત્તામંડળ (FSSAI) દ્વારા અત્યાર સુધીનું સૌથી કડક ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. દેશની અગ્રણી ડ્રાયફ્રૂટ્સ બનાવતી કંપની ‘વીકેસી નટ્સ પ્રાઇવેટ લિમિટેડ’ (ઉત્તર પ્રદેશ) અને પ્રખ્યાત ફરાળી-નાસ્તા નિર્માતા ‘છેડા સ્પેશિયાલિટીઝ ફૂડ્ઝ પ્રાઇવેટ લિમિટેડ’ (મહારાષ્ટ્ર)ના ઉત્પાદન એકમો પર FSSAI ની ટીમે અચાનક દરોડા પાડીને અત્યંત ગંદી, બિનઆરોગ્યપ્રદ અને ભયજનક સ્થિતિનો પર્દાફાશ કર્યો છે. તપાસ દરમિયાન પિસ્તાના જથ્થામાંથી જીવતા કીડા-મકોડા, સંગ્રહ સ્થાનમાંથી ઉંદરની હગાર, દીવાલો પર કાળી ફૂગ અને અંજીરના કેરેટ પાસે જીવતી ગરોળી મળી આવતાં ખાદ્ય સુરક્ષા તંત્રે બંને કંપનીઓના ફૂડ લાયસન્સ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે.

​પિસ્તામાં જીવતા જંતુઓ અને અંજીર પાસે ગરોળીનું સામ્રાજ્ય

​FSSAI ની તપાસ ટીમે જ્યારે ઉત્તર પ્રદેશ સ્થિત વીકેસી નટ્સ (VKC Nuts) ના પ્રોસેસિંગ પ્લાન્ટમાં તપાસ હાથ ધરી ત્યારે અધિકારીઓ પણ દંગ રહી ગયા હતા. સંગ્રહિત કરી રાખવામાં આવેલા મોંઘાદાટ પિસ્તાના બોક્સમાંથી જીવતા કીડા અને જંતુઓ સળવળતા મળી આવ્યા હતા. સંગ્રહ ગૃહની દીવાલો અને છત પર ઝેરી કાળી ફૂગ (બ્લેક મોલ્ડ) જામી ગઈ હતી અને સમગ્ર પરિસરમાં ઉંદરની હગાર વેખરાયેલી પડી હતી. આ ઉપરાંત, અંજીરના ખુલ્લા કેરેટની એકદમ નજીક જીવતી ગરોળી રખડતી જોવા મળી હતી તેમજ ખાદ્ય સામગ્રી પર માખીઓ ગણગણી રહી હતી.

​એટલું જ નહીં, ફેક્ટરીમાં કામ કરતા કર્મચારીઓ પણ આરોગ્યના તબીબી નિયમોનું ઉલ્લંઘન કરતા ઝડપાયા હતા. એક કારીગર હાથમાં લોહીવાળો કે ગંદો પાટો બાંધેલી હાલતમાં અંજીરનું સોર્ટિંગ કરી રહ્યો હતો, જ્યારે બીજો કર્મચારી ચશ્મા વગર અસ્પષ્ટ નજરે ડ્રાયફ્રૂટ્સનું પેકિંગ કરી રહ્યો હતો. મશીનરી સંપૂર્ણપણે કાટ ખાધેલી અને ફ્લોર તૂટેલી હાલતમાં હતો. FSSAI ના પાલન મૂલ્યાંકનમાં આ યુનિટને ૧૦૦ માંથી માત્ર ૩૮ ટકા ગુણ મળ્યા હતા, જેના આધારે લાયસન્સ અંશતઃ સસ્પેન્ડ કરાયું છે.

​છેડા સ્પેશિયાલિટીઝમાં ગંદા ફ્લોર પર કેળાં ફોલવાનું અને ખુલ્લા હાથે બેસન બાંધવાનું કારનામું

​બીજી તરફ, મહારાષ્ટ્ર સ્થિત 'છેડા સ્પેશિયાલિટીઝ ફૂડ્ઝ'ના એકમમાં તપાસ દરમિયાન ગંભીર લાપરવાહી સામે આવી હતી. ફેક્ટરીના કામદારો ગંદી જમીન પર બેસીને, સડતા કચરાની બાજુમાં ખુલ્લા હાથે કેળાં છોલી રહ્યા હતા અને વગર ગ્લોવ્સે બેસનનો લોટ બાંધી રહ્યા હતા. ખાદ્ય તેલની પ્રોસેસિંગ ટાંકીઓની આસપાસ ભારે ફૂગ બાઝેલી હતી અને પ્રોસેસિંગ ફ્લોર પર દૂષિત કેમિકલયુક્ત પાણી ભરાયેલું હતું. કીટાણુઓ રોકનારી જાળીઓ તૂટેલી હતી અને પ્રોસેસિંગ એરિયામાંથી મરેલી માખીઓ મળી આવી હતી. અગાઉ લેવાયેલા સેમ્પલોમાં પણ આ કંપનીના પ્રોડક્ટ્સ અસુરક્ષિત અને મિસબ્રાન્ડેડ સાબિત થઈ ચૂક્યા છે. આ એકમનો પાલન સ્કોર માત્ર ૪૨ ટકા નોંધાયો હતો.

​ગ્રાહકોના આરોગ્ય સાથે ચેડાં કરનારા સામે કડક નઝર

​FSSAI ના ઉચ્ચ અધિકારીઓએ સ્પષ્ટતા કરી છે કે આ બંને કંપનીઓની બેદરકારી ગ્રાહકોના સ્વાસ્થ્ય માટે સીધો પ્રાણઘાતક ખતરો ઊભો કરે છે. જ્યાં સુધી આ બંને ફેક્ટરીઓ ખાદ્ય સુરક્ષાના તમામ નિયમોનું સંપૂર્ણ પાલન નહીં કરે અને જરૂરી સુધારા સુનિશ્ચિત નહીં કરે ત્યાં સુધી તેમનું ઉત્પાદન અને વેચાણ સંપૂર્ણપણે બંધ રહેશે. આ કડક કાર્યવાહીથી સમગ્ર દેશના ખાદ્ય પ્રોસેસિંગ ઉદ્યોગમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

(1:18 PM IST)