<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th July 2026

ફૂડ ડિલિવરી એપ 'Swiggy' પર ભડક્યાં સાંસદ મહુઆ મોઇત્રા: જમવાનું તો ન મળ્યું, ઉપરથી ઓર્ડર કેન્સલ કરી વસૂલ્યો ₹1,457નો દંડ!

ત્રીજી વખત ઓર્ડર રદ થતાં ટીએમસી સાંસદે સોશિયલ મીડિયા પર કાઢ્યો રોષ; સ્વિગીએ માફી માગી મામલો થાળે પાડવાની ખાતરી આપી

નવી દિલ્હી, તા. 16: ઓનલાઈન ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ સ્વિગી (Swiggy) ની મનસ્વી નીતિને કારણે તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના સાંસદ મહુઆ મોઇત્રા ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. સ્વિગીએ પ્રખ્યાત 'અરસલાન' રેસ્ટોરન્ટમાંથી કરેલો તેમનો ઓર્ડર ત્રીજી વખત અચાનક રદ કરી દીધો હતો. આટલું જ નહીં, જમવાનું આપ્યા વગર કંપનીએ મોઇત્રા પાસેથી આખા બિલની રકમ એટલે કે ₹1,457 'કેન્સલેશન ફી' (દંડ) તરીકે વસૂલી લીધી હતી. આનાથી નારાજ થઈને સાંસદે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર સ્વિગીના ક્લાસ લીધા હતા.

મહુઆ મોઇત્રાએ X પર સ્ક્રીનશોટ શેર કરીને લખ્યું, "હેલો સ્વિગી, આ ત્રીજી વખત છે જ્યારે તમે મનસ્વી રીતે મારો ઓર્ડર કેન્સલ કર્યો છે અને મારી પાસેથી કેન્સલેશન ફી તરીકે પૂરા ₹1,457 વસૂલ્યા છે. નથી રાત્રિનું ભોજન મળ્યું કે નથી કોઈ ગ્રાહક સહાય મળી રહી." ૧૫ જુલાઈની રાત્રે ૭:૫૫ વાગ્યે સ્વિગી ગૌરમે પ્લેટફોર્મ પરથી આ ઓર્ડર રદ કરવામાં આવ્યો હોવાનો મેઈલ તેમને મળ્યો હતો.

સાંસદની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ અન્ય યુઝર્સે પણ સ્વિગી સામે પોતાની ફરિયાદોનો પિટારો ખોલ્યો હતો. ભારે હોબાળા બાદ સ્વિગીએ સત્તાવાર રીતે પ્રતિક્રિયા આપતા માફી માગી હતી અને લખ્યું, "મહુઆ, અમે તમારી નારાજગી સમજી શકીએ છીએ. અમે તાત્કાલિક તમારો સંપર્ક કરી રહ્યા છીએ અને આ ઓર્ડર કેન્સલેશન તેમજ ચાર્જિસની સમીક્ષા કરીને વહેલી તકે સમસ્યાનું નિવારણ લાવીશું." આ ઘટના બાદ ફૂડ ડિલિવરી એપ્સની ગ્રાહક વિરોધી કેન્સલેશન પોલિસી સામે ફરી એકવાર લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

(3:56 PM IST)