તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 15th July 2026
આસામમાં પૂરનો પ્રકોપઃ છ જિલ્લાઓમાં ૩૭,૦૦૦ લોકો પ્રભાવિતઃ ૪ ના મોત
રેલ-માર્ગ વ્યવહાર ઠપ્પઃ હજારો હેક્ટર પાક જળમગ્ન

ગુવાહાટી, તા.૧૫: આસામમાં કુદરતનો કેર વર્તાઈ રહ્યો છે અને પૂરની પરિસ્થિતિ વધુ ગંભીર બનતાં આખો પ્રદેશ આક્રંદ કરી રહ્યો છે. આ ભયાનક જળપ્રલયમાં અત્યાર સુધીમાં ચાર લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, જેમાં સોનિતપુરના ચારીદુઆર વિસ્તારમાંથી વધુ એક અભાગી વ્યક્તિનો મળતદેહ મળી આવતાં હડકંપ મચી ગયો છે. પૂરના રાક્ષસી મોજાઓએ રાજ્યના છ મોટા જિલ્લાઓને પોતાની ચપેટમાં લઈ લીધા છે, જેના કારણે પ્રભાવિત લોકોનો આંકડો એકાએક ચાર ગણો વધીને ૩૭,૦૦૦ ને પાર પહોંચી ગયો છે. ચારેય તરફ માત્ર પાણીનું સામ્રાજ્ય દેખાતા જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે.
સોનિતપુર, ડિબ્રુગઢ, લખીમપુર, ધેમાજી, જોરહાટ અને શિવસાગરના ૧૨ મહેસૂલ વર્તુળોના અંદાજે ૯૯ ગામો હાલમાં દરિયામાં ફેરવાઈ ગયા છે. આ તબાહીમાં સૌથી વધુ માર લખીમપુર જિલ્લા પર પડ્યો છે, જ્યાં એકલા જ ૩૫,૦૦૦ થી વધુ લોકો લાચાર બનીને પ્રવાહ વચ્ચે ફસાયા છે. પૂરના ધસમસતા પાણીએ ખેડૂતોના મોં સુધી આવેલો કોળિયો છીનવી લીધો છે અને ૧,૧૦૩ હેક્ટરથી વધુ જમીન પરનો પાક સંપૂર્ણપણે નષ્ટ કરી નાખ્યો છે. રસ્તાઓ તૂટી જવાથી અને રેલવે ટ્રેક ધોવાઈ જવાથી બાકીના દેશ સાથેનો સંપર્ક તૂટી ગયો છે.
માણસોની સાથે સાથે મૂંગા પશુઓ પણ આ કુદરતી આફતનો ભોગ બન્યા છે. હજારો પશુધન પૂરના પાણીમાં ફસાયા છે, જ્યારે કેટલાય તણાઈ ગયાના અહેવાલો છે. આ કપરી પરિસ્થિતિ વચ્ચે વહીવટીતંત્ર અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની ટીમો યુદ્ધના ધોરણે બચાવ કામગીરીમાં લાગી ગઈ છે. પૂરપીડિતો સુધી અનાજ અને દવાઓ પહોંચાડવા માટે ૨૦ રાહત કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે અને મોત સામે લડી રહેલા લોકોને બોટ મારફતે સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવી રહ્યા છે.
(3:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
