<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 2nd August 2026

ફૂડ ડિલિવરી માર્કેટમાં 'ફ્લિપકાર્ટ'નો મોટો ધમાકો: ઝોમેટો અને સ્વિગીનું ટેન્શન વધશે

૧૫ ઓગસ્ટથી બેંગલુરુથી સેવા શરૂ થવાની શક્યતા : સ્ટોરન્ટ્સ પાસેથી માત્ર ૧૦% કમિશન લઈને ONDC નેટવર્ક દ્વારા સસ્તો ખોરાક આપવાનો માસ્ટરપ્લાન

બેંગલુરુ :  ઓનલાઈન ફૂડ ઓર્ડર કરતા કરોડો ગ્રાહકો માટે એક ઉત્સાહજનક સમાચાર સામે આવ્યા છે. ઈ-કોમર્સ ક્ષેત્રની જાયન્ટ કંપની ફ્લિપકાર્ટ હવે ભારતના ફૂડ ડિલિવરી બજારમાં પ્રવેશવાની તૈયારી કરી રહી છે. પ્રાપ્ત અહેવાલો અનુસાર, કંપની ૧૫ ઓગસ્ટની આસપાસ બેંગલુરુથી પોતાની ફૂડ ડિલિવરી સેવાની શરૂઆત કરી શકે છે. આ નવી શરૂઆત માટે ફ્લિપકાર્ટે બેંગલુરુની અનેક નાની-મોટી રેસ્ટોરન્ટ્સ સાથે ભાગીદારી પ્રક્રિયા ઝડપી બનાવી દીધી છે. અત્યાર સુધી દેશના ફૂડ ડિલિવરી ક્ષેત્રે ઝોમેટો અને સ્વિગીનું પ્રભુત્વ રહ્યું છે, પરંતુ ફ્લિપકાર્ટના આગમનથી આ મોનોપોલી તૂટે તેવી પૂરી શક્યતા છે.

ફ્લિપકાર્ટનો સૌથી મોટો ગેમપ્લે તેની કમિશન પોલિસી છે. હાલમાં ઝોમેટો અને સ્વિગી રેસ્ટોરન્ટ માલિકો પાસેથી ૧૬% થી લઈને ૩૦% સુધીનું તોતિંગ કમિશન વસૂલે છે, જેની સરખામણીએ ફ્લિપકાર્ટ માત્ર ૧૦% કમિશન ચાર્જ કરવાની યોજના બનાવી રહી છે. કમિશન દરમાં આટલા મોટા ઘટાડાને કારણે રેસ્ટોરન્ટ્સનો ઓપરેટિંગ ખર્ચ ઘટશે, જેનો સીધો ફાયદો ગ્રાહકોને મળશે. ગ્રાહકોને ઓછા ડિલિવરી ચાર્જ, આકર્ષક ડિસ્કાઉન્ટ અને સરખામણીમાં સસ્તો ખોરાક મળી શકશે, જેના કારણે રેસ્ટોરન્ટ્સ પણ ઉત્સાહભેર ફ્લિપકાર્ટ સાથે જોડાઈ રહી છે.

પોતાના આ મોડેલને સફળ બનાવવા માટે ફ્લિપકાર્ટ ભારત સરકારના 'ઓપન નેટવર્ક ફોર ડિજિટલ કોમર્સ'  નો ઉપયોગ કરશે. ONDC સાથે જોડાવાથી કંપનીને અલગથી બહુ મોટું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવાની જરૂર રહેશે નહીં અને તે ટૂંકા સમયમાં વિશાળ ગ્રાહક વર્ગ સુધી પહોંચી શકશે. ગ્રાહકો ફ્લિપકાર્ટની મુખ્ય એપ તેમજ નવી એક્સ્ક્લુસિવ એપ દ્વારા ફૂડ ઓર્ડર કરી શકશે. શરૂઆતમાં બેંગલુરુમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે રજૂ કર્યા બાદ ગ્રાહકોના પ્રતિસાદના આધારે દેશના અન્ય મેટ્રો શહેરોમાં આ સેવાનો વિસ્તાર કરવામાં આવશે.

(7:55 PM IST)