<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th October 2026

૧૭ હજાર ફૂટની ઊંચાઈએ પટનાથી આવતી ઈન્ડિગોની ફ્લાઈટ પર આકાશી વીજળી ત્રાટકી : 'નોઝ કોન' ક્ષતિગ્રસ્ત થતા લખનૌ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું

પાઈલટની સૂઝબૂઝથી મોટો અકસ્માત ટળ્યો : તમામ મુસાફરો સુરક્ષિત : લખનૌથી અમદાવાદ જનારી ફ્લાઈટ માટે અન્ય વિમાનની વ્યવસ્થા કરાઈ

લખનૌ: ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌ સ્થિત ચૌધરી ચરણ સિંહ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર ખરાબ હવામાન વચ્ચે એક મોટો અકસ્માત ટળ્યો છે. પટનાથી લખનૌ આવી રહેલી ઈન્ડિગોની ફ્લાઈટ પર આશરે ૧૭ હજાર ફૂટની ઊંચાઈએ અચાનક આકાશી વીજળી ત્રાટકતા વિમાનના આગળના ભાગને ભારે નુકસાન પહોંચ્યું હતું. આ બનાવ બનતા જ પાઈલટે અત્યંત સૂઝબૂઝ દાખવીને વિમાનનું લખનૌ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાવ્યું હતું. આ ઘટનામાં વિમાનમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત હોવાના અહેવાલ સાંપડ્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, ૭ ઓક્ટોબરના રોજ ઈન્ડિગોની ફ્લાઈટ સંખ્યા 6E925 એ પટનાથી બપોરે આશરે ૩:૧૦ વાગ્યે લખનૌ માટે ઉડાન ભરી હતી. ઉડાન દરમિયાન આકાશમાં હવામાન અત્યંત ખરાબ હતું અને વિમાન ૧૭ હજાર ફૂટની ઊંચાઈ પરથી પસાર થઈ રહ્યું હતું ત્યારે વીજળી પડવાની ઘટના બની હતી. વીજળી ત્રાટકવાને કારણે વિમાનના આગળના ભાગમાં (નોઝ કોન) ટેકનિકલ ખામી સર્જાઈ હતી. જોકે, પાઈલટે સમયસૂચકતા વાપરીને આશરે ૪:૦૫ વાગ્યે ફ્લાઈટને લખનૌ એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતારી લીધી હતી.

ઈમરજન્સી લેન્ડિંગ બાદ વિમાનની તપાસ કરવામાં આવતા તેના આગળના ભાગમાં ક્ષતિ જણાઈ હતી, જેના કારણે આ વિમાનને આગળની ઉડાન માટે રોકી દેવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, આ જ વિમાને સાંજે ૫:૦૫ વાગ્યે લખનૌથી અહમદાબાદ માટે ફ્લાઈટ સંખ્યા 6E6968 તરીકે રવાના થવાનું હતું. પરંતુ વીજળી પડવાના કારણે સર્જાયેલી યાંત્રિક ખામીને પગલે વિમાનને ગ્રાઉન્ડેડ કરવામાં આવ્યું હતું અને એન્જિનિયરોની ટીમ દ્વારા તેની ટેકનિકલ તપાસ શરૂ કરવામાં આવી હતી. અમદાવાદ જતા મુસાફરો માટે તાત્કાલિક અન્ય વિમાનની વ્યવસ્થા કરવામાં આવી હતી અને સાંજે આશરે ૬:૨૨ વાગ્યે મુસાફરોને અમદાવાદ માટે રવાના કરાયા હતા.

લખનૌ એરપોર્ટ પર છેલ્લા કેટલાક દિવસોથી ખરાબ હવામાનના કારણે વિમાનોના સંચાલન પર વિપરીત અસર પડી રહી છે. આ અગાઉ ૫ ઓક્ટોબરના રોજ પણ ખરાબ હવામાનને લીધે વારાણસી જતી ઈન્ડિગોની બે ફ્લાઈટ સહિત ત્રણ વિમાનોને લખનૌ ડાયવર્ટ કરવામાં આવ્યા હતા. હવામાનની પ્રતિકૂળતા વચ્ચે પાઈલટની સજાગતાને કારણે ૧૪૦થી વધુ મુસાફરોનો આબાદ બચાવ થયો છે.

(11:10 PM IST)