<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st November 2026

રાત્રે અગિયાર વાગ્યે ફ્લેટનું તાળું તોડ્યું, એક રૂમમાંથી મહિલા ચીસો પાડતી હતી અને બીજા રૂમમાં છરી અને હથોડીથી પતાવી દીધેલા પુત્રનો મૃતદેહ હતો, હત્યારો માનો પ્રેમી જ નીકળ્યો

બેંગલુરુમાં લિવ-ઇન પાર્ટનરે 18 વર્ષના સોહમ દાસની હત્યા કરી માતા સીમા દાસને ચાર દિવસ સુધી રૂમમાં બંધ રાખી, શંકાના કારણે આચર્યું ક્રૂર કૃત્ય

બેંગલુરુ તા.૨૧ : બેંગલુરુમાંથી સંબંધોને તાર-તાર કરી દેતી એક અત્યંત ખૌફનાક ઘટના સામે આવી છે. એક વ્યક્તિએ પોતાની લિવ-ઇન પાર્ટનરના 18 વર્ષના પુત્રની છરી અને હથોડીથી હુમલો કરીને હત્યા કરી દીધી હતી. એટલું જ નહીં, આરોપીએ મહિલાની પણ હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો અને ત્યારબાદ તેને ભાડાના ફ્લેટના એક રૂમમાં ચાર દિવસ સુધી બંધ રાખી હતી. ચાર દિવસ બાદ જ્યારે મકાનમાલિક પોલીસ સાથે ફ્લેટ પર પહોંચ્યો અને દરવાજો ખોલાવ્યો ત્યારે આ ભયાનક કાંડનો પર્દાફાશ થયો હતો.

 

આ ઘટના 16 નવેમ્બરની રાત્રે પદ્મનાભનગરના રાઘવેન્દ્ર લેઆઉટ સ્થિત એસઆરઆરકે તુલસી એપાર્ટમેન્ટમાં બની હતી. અહીં મહિલા સીમા દાસ, તેનો 18 વર્ષનો પુત્ર સોહમ દાસ અને આરોપી સૂદીપ એક સાથે ભાડાના ફ્લેટમાં રહેતા હતા. મૃતક સોહમ દાસ એન્જિનિયરિંગનો વિદ્યાર્થી હતો, જ્યારે સીમા દાસ વીમા કંપનીમાં નોકરી કરતી હતી. આરોપી બીએમ સૂદીપ 45 વર્ષનો છે અને મૈસૂરનો વતની છે, તે બેંકમાં નોકરી કરતો હોવાનું સામે આવ્યું છે.

 

મકાનમાલિકના જણાવ્યા મુજબ આ પરિવાર ઓક્ટોબર 2024થી આ એપાર્ટમેન્ટમાં ભાડે રહેતો હતો. છેલ્લા છ મહિનાથી પાડોશીઓ તરફથી ઘરમાં વારંવાર ઝઘડા થતા હોવાની ફરિયાદો મળી રહી હતી. 16 નવેમ્બરની રાત્રે પણ મકાનમાલિકને ફ્લેટમાં ઘરેલુ વિવાદ થતો હોવાની ફરિયાદ મળી હતી. એક કલાક બાદ જ્યારે તેમણે એપાર્ટમેન્ટના સિક્યોરિટી ગાર્ડ સાથે વાત કરી ત્યારે ગાર્ડે જણાવ્યું હતું કે ઘરમાં શાંતિ થઈ ગઈ છે અને કોઈ અવાજ આવતો નથી. તે સમયે કોઈને અંદાજ પણ નહોતો કે અંદર આટલી ભયાનક ઘટના બની ગઈ છે.

 

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે સૂદીપને સીમા દાસના કોઈ અન્ય વ્યક્તિ સાથે સંબંધ હોવાની શંકા હતી. તેને લઈને જ પરિવારમાં વારંવાર ઝઘડા થતા હતા. 16 નવેમ્બરની રાત્રે 9 થી 11 વાગ્યાની વચ્ચે સૂદીપે સીમા અને તેના પુત્ર સોહમ પર છરી અને હથોડીથી જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં સોહમનું મોત થયું હતું, જ્યારે સીમા ગંભીર રીતે ઘાયલ થઈ હતી. ત્યારબાદ આરોપીએ સીમાને એક રૂમમાં બંધ કરીને ફ્લેટમાંથી ફરાર થઈ ગયો હતો.

 

ચાર દિવસ બાદ 19 નવેમ્બરના રોજ મકાનમાલિક ફ્લેટ પર પહોંચ્યો હતો. તેણે ઘણીવાર બેલ વગાડી અને દરવાજો ખખડાવ્યો, પરંતુ અંદરથી કોઈ જવાબ મળ્યો નહીં. શંકા જતા તેણે પાડોશી પાસેથી મહિલાની એક મિત્રનો નંબર મેળવીને તેનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ બંનેએ પોલીસને જાણ કરવાનો નિર્ણય કર્યો હતો.

 

રાત્રે અગિયાર વાગ્યે મકાનમાલિક, પોલીસ અને મહિલાની મિત્ર ફ્લેટ પર પહોંચ્યા હતા. દરવાજો અંદરથી બંધ હોવાથી તાળા ખોલનારને બોલાવવામાં આવ્યો હતો. દરવાજો ખોલતા જ અંદરનું દ્રશ્ય જોઈને બધા હચમચી ગયા હતા. ફ્લેટના ફ્લોર અને દિવાલો પર લોહીના ડાઘા હતા. તે જ સમયે એક બંધ રૂમમાંથી મહિલાની ચીસો સંભળાઈ હતી. રૂમ ખોલતા સીમા દાસ અંદરથી મળી આવી હતી. પોલીસને તપાસ દરમિયાન બાથરૂમમાંથી સોહમનો મૃતદેહ મળી આવ્યો હતો.

 

બહાર આવ્યા બાદ સીમા દાસે પોલીસને સમગ્ર ઘટના જણાવી હતી. બનશંકરી પોલીસે આ મામલે ભારતીય ન્યાય સંહિતાની કલમ 103(1) હત્યા અને કલમ 109(1) હત્યાના પ્રયાસ હેઠળ ગુનો નોંધીને આરોપી સૂદીપની ધરપકડ કરી છે. પોલીસ હવે આ ઘટનાના કારણો અને સમગ્ર ક્રમ અંગે વધુ તપાસ કરી રહી છે.

(4:33 PM IST)