<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th April 2026

AAPમાં ભડકો: 'ઝાડુ' સાથ છોડી સાત સાંસદો કેસરીયાના શરણે, પક્ષપલટાના હાઈવોલ્ટેજ ડ્રામા બાદ રાઘવ ચઢ્ઢા સહિતના નેતાઓનું સભ્યપદ છીનવવા કાયદાકીય જંગ

બંધારણની 10મી અનુસૂચિના શસ્ત્ર સાથે સંજય સિંહે મેદાને ઉતરી બળવાખોરો સામે બૂંગિયો ફૂંક્યો, સત્તા ગુમાવ્યા બાદ તૂટતી પાર્ટીને બચાવવા આમ આદમી પાર્ટીએ સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવવાની કરી તૈયારી

નવી દિલ્હી : રાજધાનીના રાજકીય ગલિયારાઓમાં આજે ત્યારે ભૂકંપ આવ્યો જ્યારે આમ આદમી પાર્ટીના સાત રાજ્યસભા સાંસદોએ એકસાથે પક્ષનો સાથ છોડી ભારતીય જનતા પાર્ટીનો છેડો પકડ્યો. આ પક્ષપલટાએ આમ આદમી પાર્ટીના અસ્તિત્વ સામે મોટો સવાલ ઊભો કર્યો છે. પક્ષના કદાવર નેતા સંજય સિંહે તાબડતોબ પ્રેસ કોન્ફરન્સ યોજીને આને લોકશાહીની હત્યા ગણાવી છે. તેમણે સ્પષ્ટ કર્યું કે બંધારણની 10મી અનુસૂચિ મુજબ, વિધાયક પક્ષમાં કોઈ પણ અલગ જૂથને માન્યતા મળી શકે નહીં, ભલે તેમની સંખ્યા બે-તૃતીયાંશ કેમ ન હોય. પાર્ટી હવે આ સાતેય સાંસદો વિરુદ્ધ અયોગ્યતાની કાર્યવાહી કરવા માટે રાજ્યસભાના સભાપતિ અને ઉપરાષ્ટ્રપતિને પુરાવા સાથેનો પત્ર સોંપવા જઈ રહી છે.

આ રાજકીય ધરતીકંપમાં રાઘવ ચઢ્ઢા, સંદીપ પાઠક અને અશોક મિત્તલ જેવા મુખ્ય ચહેરાઓ ભાજપ કાર્યાલયમાં હાજર રહેતા 'આપ' છાવણીમાં સોંપો પડી ગયો છે. સૌરભ ભારદ્વાજે પક્ષની નબળી પડતી કડીઓ વિશે ખુલીને વાત કરતા સ્વીકાર્યું કે અત્યારે પાર્ટી તેના ઈતિહાસના સૌથી કપરા કાળમાંથી પસાર થઈ રહી છે. દિલ્હીની સત્તા હાથમાંથી ગઈ છે, મુખ્ય નેતાઓ જેલના સળિયા પાછળ છે અને કેન્દ્રીય એજન્સીઓનો ગાળિયો સતત કસાઈ રહ્યો છે. આવા સમયે પક્ષ છોડીને જનારાઓને તેમણે 'ડરપોક' ગણાવ્યા છે અને દાવો કર્યો છે કે જનતાના વિશ્વાસ સાથે દગો કરનારા આ નેતાઓએ પક્ષના સિમ્બોલ પર જીત મેળવી હોવાથી તેમણે નૈતિકતાના ધોરણે રાજીનામું આપી દેવું જોઈએ.

વર્ષ 2026ના આ મોટા રાજકીય વળાંકમાં હવે લડાઈ માત્ર શેરીઓ પૂરતી મર્યાદિત નથી રહી, પરંતુ તે સંસદ અને ન્યાયતંત્રના ઉંબરે પહોંચી છે. શિવસેનાના કેસમાં સુપ્રીમ કોર્ટના ચુકાદાને ટાંકીને આમ આદમી પાર્ટી હવે હાઈકોર્ટ કે સર્વોચ્ચ અદાલત સુધી જવાની રણનીતિ ઘડી રહી છે. પક્ષનો આરોપ છે કે તપાસ એજન્સીઓનો ડર બતાવીને વિરોધ પક્ષોને તોડવામાં આવી રહ્યા છે. એક તરફ ભાજપ આ સાત સાંસદોના આગમનથી મજબૂત દેખાઈ રહી છે, ત્યારે બીજી તરફ આમ આદમી પાર્ટી તેના 'સેવન સ્ટાર' એક્શન પ્લાન દ્વારા આ બળવાખોર નેતાઓની સદસ્યતા રદ કરાવીને વળતો પ્રહાર કરવાની તૈયારીમાં છે. હવે આ કાયદાકીય જંગમાં કોણ જીતે છે તેના પર સમગ્ર દેશની નજર મંડાયેલી છે.

(10:52 AM IST)