તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૦ મંગળવાર
News of Monday, 6th July 2026
પીઓકેમાં ક્રાંતિની જ્વાળા: રાવલકોટમાં 'સરફરોશી કી તમન્ના'ના ગુંજતા સૂત્રોચ્ચારો વચ્ચે પાકિસ્તાની સેના સામે પ્રજાનો આક્રોશ ચરમસીમાએ
અન્ન-દવાની તંગી વચ્ચે પ્રદર્શનકારીઓએ ભારત પાસે મદદ માંગી : દડિયાલમાં પાક સેનાના ગોળીબાર બાદ પ્રજા વિફરી

રાવલકોટ: PoKમાં ઇસ્લામાબાદ સરકાર સામે જનતાનો ગુસ્સો હવે સંપૂર્ણપણે બેકાબૂ બન્યો છે અને ત્યાં આઝાદીના જંગ જેવો માહોલ સર્જાયો છે. આંદોલનના ૨૮મા દિવસે રાવલકોટના રસ્તાઓ પર હજારોની મેદની ઉતરી આવી હતી, જ્યાં ભારતના મહાન સ્વાતંત્ર્ય સેનાની પંડિત રામ પ્રસાદ બિસ્મિલની અમર પંક્તિઓ "સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મેં હૈ" ગુંજી ઉઠી હતી. પાકિસ્તાની સેના અને વહીવટી તંત્રના દમન સામે ત્યાંના સ્થાનિક નાગરિકોએ ભારતીય ક્રાંતિકારી કવિતાનો આશરો લઈને પાકિસ્તાન સરકારને સ્પષ્ટ શબ્દોમાં આરપારની લડાઈનું અલ્ટીમેટમ આપી દીધું છે.
આ ભીષણ જનઆક્રોશ ફાટી નીકળવા પાછળ પાકિસ્તાની રેન્જર્સ દ્વારા દડિયાલમાં પ્રદર્શનકારીઓ પર કરાયેલો અંધાધૂંધ ગોળીબાર જવાબદાર છે, જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને ૧૪ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. સેનાના આ બર્બરતાપૂર્ણ પગલાંથી સ્થિતિ વધુ વણસી છે અને કોટલી, બાગ તેમજ રાવલકોટ જેવા વિસ્તારોમાં મહિલાઓ સહિત હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. આ આંદોલનનું નેતૃત્વ કરી રહેલી 'યુનાઇટેડ આવામી એક્શન કમિટી'એ પાકિસ્તાન સરકારને ૮ જુલાઈ સુધીની આખરી મુદત આપી ચેતવણી આપી છે કે જો તેમની માંગણીઓ પૂરી નહીં થાય, તો ૯ જુલાઈથી આખા પીઓકેમાં એવું નિર્ણાયક આંદોલન શરૂ થશે જેને પાકિસ્તાનની સુરક્ષા એજન્સીઓ પણ રોકી નહીં શકે.
સ્થાનિક નેતાઓના જણાવ્યા અનુસાર, પાકિસ્તાની સેનાએ બદલાની ભાવનાથી પીઓકેના અનેક વિસ્તારોમાં રાશન અને આવશ્યક દવાઓનો પુરવઠો સંપૂર્ણપણે રોકી દીધો છે, જેના કારણે ત્યાં ગંભીર તબીબી અને ખોરાકની કટોકટી ઊભી થઈ છે. આ અમાનવીય પરિસ્થિતિ વચ્ચે ઘેરાયેલા પ્રદર્શનકારીઓએ હવે ભારત અને જમ્મુ-કાશ્મીરના લોકો પાસે મદદની આજીજી કરી છે. પ્રદર્શનકારીઓએ ખુલ્લી ચીમકી આપી છે કે જો પાકિસ્તાન સરકાર દ્વારા સ્થિતિમાં સુધારો કરવામાં નહીં આવે, તો તેઓ ટૂંક સમયમાં જ યુદ્ધવિરામ રેખા (LoC) તોડીને ભારત તરફ કૂચ કરવા માટે મજબૂર બનશે.
(6:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
