<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 6th September 2026

દિલ્હીના સત્યા નિકેતનમાં પાંચ માળનું પીજી ધરાશાયી: ૩ વિદ્યાર્થીઓના મોત: કાટમાળ નીચે અનેક લોકો ફસાયા હોવાની આશંકા

સાઉથ કેમ્પસ નજીક ભોંયરામાં ગેરકાયદે બાંધકામ અને નબળા પાયાના કારણે હોનારત: મકાનમાલિક સામે FIR દાખલ: NDRFનું બચાવ અભિયાન ચાલુ

નવી દિલ્હી :દિલ્હી યુનિવર્સિટીના દક્ષિણ કેમ્પસ નજીક આવેલા સત્યા નિકેતન વિસ્તારમાં રવિવારે બપોરે અંદાજે ૧:૩૦ વાગ્યાની આસપાસ વિદ્યાર્થીઓના પીજી તરીકે વપરાતી એક પાંચ માળની બહુમાળી ઇમારત અચાનક પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગઈ હતી. આ ભયાનક અકસ્માતમાં અત્યાર સુધીમાં ૩ લોકોના મોત થયા છે અને અનેક લોકો કાટમાળ નીચે દબાયા હોવાની આશંકા છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે અફડાતફડી અને ગભરાટનો માહોલ સર્જાયો હતો.

પોલીસ અને સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા અનુસાર, ધરાશાયી થયેલી આ ઇમારત 'હોસ્ટેલ ડેઝ' તરીકે ઓળખાતી હતી અને તે આશરે ૪૦ થી ૫૦ વર્ષ જૂની હતી. ઘટના સમયે મકાનના ભોંયરામાં બાંધકામની કામગીરી ચાલી રહી હતી. ભોંયરામાં પાણી ભરાવાના કારણે અને ચોક્કસ આધાર વિના કવાયત હાથ ધરાતા મકાનનો નબળો પાયો બેસી ગયો હતો, જેના કારણે આખી પાંચ માળની ઇમારત અચાનક કડાકા ભેર ધરાશાયી થઈ ગઈ હતી.


બનાવની જાણ થતાં જ સાઉથ કેમ્પસ પોલીસ સ્ટેશનની ટીમ, દિલ્હી ફાયર સર્વિસ, CAT એમ્બ્યુલન્સ અને એનડીઆરએફની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. સાંકડી અને ભીડભાડવાળી ગલીઓ હોવાના કારણે બચાવ વાહનોને પહોંચવામાં મુશ્કેલી પડી હતી, છતાં સ્થાનિકો અને રાહત ટીમોએ કાટમાળ ખસેડીને ૧૩થી વધુ લોકોને બહાર કાઢ્યા છે. ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ  ટ્રોમા સેન્ટરના સૂત્રોના જણાવ્યા મુજબ, હોસ્પિટલ લાવવામાં આવેલા ઘાયલોમાંથી કેટલાકની સ્થિતિ અત્યંત ગંભીર છે.

સ્થાનિક રહેવાસી રાજેન છેત્રીના જણાવ્યા મુજબ, આ મકાનમાં ૧૫ જેટલા રૂમ હતા. જેમાં કેરળ, હરિયાણા અને ઉત્તર પ્રદેશના વિદ્યાર્થીઓ રહેતા હતા અને નજીકની મોતીલાલ નેહરુ કોલેજ, આત્મારામ સનાતન ધર્મ કોલેજ તેમજ શ્રી વેંકટેશ્વર કોલેજમાં અભ્યાસ કરતા હતા. રવિવારનો દિવસ હોવાથી ઘણા વિદ્યાર્થીઓ બહાર ગયા હતા, જેના કારણે મોટી જાનહાનિ ટળી હતી. દિલ્હી પોલીસે ઘટનાની ગંભીરતા જોઈ મકાનમાલિક સામે બેદરકારીનો ગુનો નોંધી તેને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી છે.

(8:07 PM IST)