તા. ૧૫ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૪ મંગળવાર
News of Tuesday, 27th October 2026
પેટ્રોલ, ડીઝલ અને ગેસ સહિતની પાંચ વસ્તુનો GSTમાં સમાવેશ થવાની શકયતા
ટૂંક સમયમાં GST ૩.૦ થશે લોન્ચ : દમણમાં 'સહજ કર સંવાદ' કાર્યક્રમ યોજાયોઃ GSTમાં ફરિયાદ કે વાંધાઓનું સમાધાન કરતાં અધિકારીઓની કાર્યશૈલીને રેટિંગથી મુલવી શકાશે

સુરત,તા.૨૭: કરદાતાઓને વધુ સરળ અને પારદર્શક સેવાઓ પૂરી પાડવા માટે ભારત સરકાર દ્વારા 'સહજ કર સંવાદ' અભિયાન હેઠળ આગામી દિવસોમાં જીએસટી ૩.૦ લોન્ચ કરવાની દિશામાં કવાયત શરૃ કરાઈ છે. આ હેતુથી સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેકટ ટેકસીસ એન્ડ કસ્ટમ્સના ૧૦૦ દિવસના રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમ હેઠળ દમણ કમિશનરેટ દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં ઉપસ્થિત ડાયરેકટર જનરલ ઓફ ટેકસપેયર સર્વિસીસના પ્રિન્સિપલ એડિશનલ ડાયરેકટર સુમિતકુમારે જણાવ્યું હતું કે, આગામી ૬ મહિનામાં જીએસટી ૩.૦ સંપૂર્ણપણે અમલમાં આવશે. કરવેરા સિસ્ટમની સચોટ સમજ અને સુવિધા માટે તેને બેંકિગ સિસ્ટમ સાથે ઈન્ટિગ્રેટ કરાઈ છે. આગામી ૧૦૦ દિવસમાં નવા કરદાતાઓ અને એમએસએમઇ ક્ષેત્રને આ પ્લેટફોર્મ સાથે જોડવા વ્યાપક આઉટરીચ પ્રોગ્રામ ચલાવાશે તથા તેમને 'હેન્ડ હોલ્ડિંગ સપોર્ટ' (માર્ગદર્શન) અપાશે.
કરદાતાઓની સુવિધા માટે ખાસ રૃટમાર્ગ શરૃ કરાયો છે. નવું રજીસ્ટ્રેશન કરાવવા ઇચ્છુક વેપારીઓ જીએસટી કમિશનરેટનો સંપર્ક કરીને મદદ મેળવી શકશે.
જો કોઈ અધિકારી કે કર્મચારી સહયોગ ન આપે અથવા સમસ્યાનું નિવારણ ન કરે, તો કરદાતા ડીજીટીએસ અથવા વડાપ્રધાન કાર્યાલય હેઠળ ચાલતા સીપીગ્રામ પોર્ટલ પર સીધી ફરિયાદ કરી શકશે અને અધિકારીઓનું રેટિગ પણ નક્કી કરી શકશે.
વધુમાં, આગામી દિવસોમાં હાલ જીએસટી બહાર રહેલાં પેટ્રોલ, ડીઝલ અને ગેસ સહિતની પાંચ જેટલી વસ્તુઓને જીએસટીના દાયરામાં લાવવાની પ્રક્રિયા થઈ શકે છે. દમણ કમિશનર સતીશકુમારે ઉમેર્યું હતું કે, દમણ કમિશનરેટ ખાતે જીએસટી કૌશલ કેન્દ્ર અને જીએસટી મિત્ર સુવિધા કેન્દ્ર શરૃ કરાયા છે, જ્યાં કોઈ પણ સ્નાતક યુવાન નિઃશુલ્ક તાલીમ અને સર્ટિફિકેટ મેળવીને જીએસટી પ્રેકિટશનર તરીકે પોતાની કારકિર્દી બનાવી શકે છે.
(10:15 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
