તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 17th June 2026
મુંબઈમાં ફિટ ઇન્ડિયા સાયક્લોથોનનો શુભારંભ: કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા અને જેકી શ્રોફે સાયકલ ચલાવીને આપ્યો ફિટનેસનો સંદેશ, 'સાયકલ ચલાવો, સ્વસ્થ રહો'
કેન્દ્રીય રમતગમત અને યુવા બાબતોના મંત્રીએ લોકોને રોજિંદા જીવનમાં સાયકલને સામેલ કરવા અપીલ કરી, બોલિવૂડ અભિનેતા જેકી શ્રોફ સાથે હજારો લોકોએ લીધો ભાગ

મુંબઈ તા.૧૭ : દેશને ફિટ અને સ્વસ્થ બનાવવાના ઉદ્દેશ સાથે 'ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ' અંતર્ગત મુંબઈમાં ભવ્ય સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાયક્લોથોનનો શુભારંભ કેન્દ્રીય રમતગમત અને યુવા બાબતોના મંત્રી ડો. મનસુખ માંડવિયા અને બોલિવૂડ અભિનેતા જેકી શ્રોફે સાયકલ ચલાવીને કર્યો હતો.
'સાયકલ ચલાવો, સ્વસ્થ રહો'ના સૂત્ર સાથે શરૂ થયેલી આ સાયક્લોથોનમાં મંત્રી મનસુખ માંડવિયા અને અભિનેતા જેકી શ્રોફ સહિત હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા. મંત્રીશ્રીએ પોતે સાયકલ હાથમાં લઈને યુવાનો અને નાગરિકોને રોજિંદા જીવનમાં ફિટનેસને પ્રાથમિકતા આપવા પ્રેરિત કર્યા. જેકી શ્રોફે પણ સાયકલ ચલાવીને પર્યાવરણ સંરક્ષણ અને સ્વસ્થ જીવનશૈલીનો સંદેશ આપ્યો.
સાયક્લોથોન દરમિયાન કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાએ જણાવ્યું કે, "ફિટ ઇન્ડિયા મૂવમેન્ટનો મુખ્ય ઉદ્દેશ લોકોને શારીરિક રીતે સક્રિય બનાવવાનો છે. સાયકલ ચલાવવી એ માત્ર કસરત જ નથી, પરંતુ પર્યાવરણને બચાવવાનું અને ટ્રાફિક ઘટાડવાનું પણ એક માધ્યમ છે. દરેક નાગરિકે અઠવાડિયામાં ઓછામાં ઓછા 150 મિનિટ શારીરિક પ્રવૃત્તિ કરવી જોઈએ". તેમણે લોકોને પોતાના રોજિંદા કામ માટે ટૂંકા અંતરે સાયકલનો ઉપયોગ કરવા અપીલ કરી.
બોલિવૂડના 'જગુ દાદા' તરીકે જાણીતા જેકી શ્રોફે સાયક્લોથોનમાં ભાગ લઈને યુવાનોમાં અનેરો ઉત્સાહ ભરી દીધો હતો. તેમણે કહ્યું કે "ફિટ રહેવા માટે જીમ જરૂરી નથી. સાયકલ, દોડવું, યોગા - આ નાની-નાની બાબતોથી આપણે સ્વસ્થ રહી શકીએ છીએ. ફિટ ઇન્ડિયા, હિટ ઇન્ડિયા".
ફિટ ઇન્ડિયા સાયક્લોથોનનો મુખ્ય ઉદ્દેશ લોકોમાં સ્થૂળતા, ડાયાબિટીસ અને હૃદયરોગ જેવી જીવનશૈલી સંબંધિત બીમારીઓ સામે જાગૃતિ લાવવાનો છે. આ કાર્યક્રમ દ્વારા યુવાનોને ડ્રગ્સ અને મોબાઇલની લતથી દૂર રાખીને રમતગમત અને શારીરિક પ્રવૃત્તિ તરફ વાળવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. મુંબઈની આ સાયક્લોથોન બાદ દેશના અન્ય શહેરોમાં પણ આવી જ સાયક્લોથોન યોજાશે.
(3:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
