તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Sunday, 4th October 2026
ઇતિહાસમાં પહેલીવાર: કેદારનાથ ધામમાંથી હજારો શ્રદ્ધાળુઓ ટનબંધ પ્લાસ્ટિક કચરો પરત લાવ્યા
સ્થાાનિક વહીવટીતંત્રના ‘કૈરી મી બેક’ (Carry Me Back) અભિયાનને મળ્યો અભૂતપૂર્વ પ્રતિસાદ; તામિલનાડુ, ઓડિશા અને ગુડગાંવના યાત્રાળુઓએ સફાઈ ઝુંબેશમાં સક્રિય ભાગ લીધો

દહેરાદૂન : ઇતિહાસમાં પહેલી વાર, બાબા કેદારનાથના દર્શને ગયેલા હજારો શ્રદ્ધાળુઓએ એક અનન્ય અને પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે. હિમાલયની અત્યંત સંવેદનશીલ પર્યાવરણીય ભૂમિ પર સ્થિત કેદારનાથ ધામમાંથી પરત ફરતી વખતે શ્રદ્ધાળુઓ પોતાના સાથે ટનબંધ પ્લાસ્ટિક અને અન્ય કચરો નીચે લઈ આવ્યા છે.
સ્થાાનિક વહીવટીતંત્ર દ્વારા શરૂ કરવામાં આવેલા ‘કૈરી મી બેક’ (Carry Me Back) અભિયાન અંતર્ગત, ધામમાં જમા થયેલા 12 ટનથી પણ વધુ કચરાની બેગ્સ શ્રદ્ધાળુઓએ સ્વૈચ્છિક રીતે ગૌરીકુંડ અને નીચેના વિસ્તારો સુધી પહોંચાડી છે.
કેમ જરૂરી બન્યું આ અભિયાન?
ઉલ્લેખનીય છે કે, ચાલુ વર્ષે (એપ્રિલથી ઓગસ્ટ ૨૦૨૬ વચ્ચે) કેદારનાથ ધામમાં ૫૦.૩૦ મેટ્રિક ટનથી વધુ કચરો એકઠો થયો હતો. વિષમ હવામાન, ભૌગોલિક કઠિનતાઓ અને વાહનોની મર્યાદિત અવરજવરના કારણે આટલી મોટી માત્રામાં કચરાનો નિકાલ કરવો સ્થાનિક વહીવટીતંત્ર માટે એક વિકટ સવાલ બન્યો હતો. આ પડકારને પહોંચી વળવા માટે પ્રશાસને શ્રદ્ધાળુઓને કચરો પરત લાવવા અપીલ કરી હતી, જેને સોશિયલ મીડિયાના માધ્યમથી વ્યાપક સમર્થન મળ્યું હતું.
શ્રદ્ધાળુઓના સમર્પણની અનોખી વાતો:
દિવ્યાંગ શ્રદ્ધાળુનું યોગદાન: મદન લાલ નામના એક શ્રદ્ધાળુ, જેમનો એક હાથ કાપવામાં આવેલો હતો, તેમણે પણ પોતાના એક હાથ વડે કચરાથી ભરેલી બેગ ઊંચકીને ગૌરીકુંડ સુધી પહોંચાડીને સેવાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
દક્ષિણ ભારતના યાત્રાળુઓ: તામિલનાડુ, ઓડિશા અને દક્ષિણ ભારતના વિવિધ રાજ્યોમાંથી સાયકલ પર યાત્રાએ આવેલા શ્રદ્ધાળુઓ પોતાની સાયકલ પર ૧૦-૧૦ કિલો કચરો બાંધીને નીચે લાવતા જોવા મળ્યા હતા.
ગુડગાંવના યુવાનો: ગુડગાંવથી દર્શનાર્થે આવેલી અંકિતા સિંહ અને તેમના બે મિત્રો ૮ કિલો કચરો પરત લાવ્યા હતા. અંકિતાએ જણાવ્યું હતું કે, "અમે જ્યારે ઘરેથી નીકળ્યા ત્યારે કેદારનાથ જવાનો પ્લાન નહોતો. પરંતુ અહીં પહોંચવું એ ચમત્કારથી ઓછું નહોતું. કચરો સાફ કરવાની આ પવિત્ર ઝુંબેશનો હિસ્સો બનીને અમને દિવ્ય આનંદ અને શાંતિની અનુભૂતિ થઈ છે."
પર્યાવરણ સુરક્ષા માટે નવી આશા
કેદારનાથ ધામ ચોરાબારી ગ્લેશિયર અને મંદાકિની નદીના કાંઠે આવેલું હોવાથી કચરાનો યોગ્ય નિકાલ ન થાય તો નદીઓ અને હિમાલયના પર્યાવરણને ગંભીર નુકસાન પહોંચે છે. પરંતુ, 'ભક્તિની સાથે પ્રકૃતિ સેવા'ના આ નવતર પ્રયોગે સાબિત કર્યું છે કે જો શ્રદ્ધાળુઓ જાગૃત બને તો પવિત્ર ધામોને પ્રદૂષણમુક્ત રાખવું શક્ય છે. સ્થાનિક પ્રશાસન અને પર્યાવરણપ્રેમીઓએ આ અભિયાનમાં જોડાયેલા તમામ યાત્રાળુઓનો આભાર વ્યક્ત કર્યો છે.
(12:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
