<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 18th May 2026

કેરળમાં નવી સરકારનો પહેલો જ ધડાકો: સરકારી બસોમાં મહિલાઓ માટે મુસાફરી તદ્દન મફત, આશા અને આંગણવાડી બહેનોના વેતનમાં બમ્પર વધારો

મુખ્યમંત્રી વી. ડી. સતીસનની પ્રથમ કેબિનેટ બેઠકમાં લેવાયા મોટા લોકપ્રિય નિર્ણયો; ૨૧ મેથી વિધાનસભાનું ખાસ સત્ર, ભૂતપૂર્વ સીએમના ગનમેન સામેના વિવાદની SIT તપાસના આદેશ

તિરુવનંતપુરમ : કેરળના રાજકારણમાં સત્તા પરિવર્તન બાદ આવેલી નવી સરકારે પોતાની પ્રથમ કેબિનેટ બેઠકમાં જ જનતા માટે નિર્ણયોનો પિટારો ખોલી દીધો છે. રાજ્યમાં હજુ હમણાં જ રચાયેલા નવા યુડીએફ (UDF) મંત્રાલયે ચૂંટણીના વાયદાઓને પૂરા કરવાની દિશામાં આગળ વધતા કેરળ રાજ્ય પરિવહન (KSRTC) ની બસોમાં મહિલાઓ માટે મફત મુસાફરી યોજનાને મંજૂરી આપી દીધી છે. મુખ્યમંત્રી વી. ડી. સતીસને આ ઐતિહાસિક નિર્ણયની જાહેરાત કરતા જણાવ્યું છે કે આ યોજનાનો રોડમેપ અને વિસ્તૃત વિગતો ટૂંક સમયમાં જ જાહેર કરવામાં આવશે. નવી સરકારના આ નિર્ણયથી રાજ્યની લાખો મહિલાઓને મુસાફરીમાં મોટી આર્થિક રાહત મળશે.

આશા અને આંગણવાડી કાર્યકરોને મોટી ભેટ

નવા મંત્રાલયની પ્રથમ કેબિનેટ બેઠક બાદ પત્રકાર પરિષદને સંબોધતા મુખ્યમંત્રીએ રાજ્યના પાયાના સરકારી કર્મચારીઓ માટે અન્ય એક લોકપ્રિય નિર્ણયની જાહેરાત કરી હતી. સરકારે રાજ્યની તમામ આશા (ASHA) વર્કર્સ, આંગણવાડી કામદારો, હેલ્પર્સ (મદદનીશો) અને મધ્યાહ્ન ભોજનના રસોઈ કામદારોના માસિક વેતનમાં નોંધપાત્ર વધારો કરવાનો પ્રસ્તાવ મંજૂર કર્યો છે. લાંબા સમયથી માનદ વેતન વધારાની માંગ કરી રહેલી આ મહિલા કર્મચારીઓ માટે સરકારનો આ નિર્ણય મોટી ભેટ સમાન સાબિત થયો છે.

૨૧ મેથી વિધાનસભાનું સત્ર, નવા ધારાસભ્યોના શપથ ગ્રહણ

સરકારે રાજ્યના વહીવટી તંત્રને વેગ આપવા માટે આગામી ૨૧ મે, ૨૦૨૬ ના રોજથી કેરળ વિધાનસભાનું નવું સત્ર બોલાવવાનો નિર્ણય કર્યો છે. આ ખાસ સત્ર દરમિયાન તાજેતરમાં ચૂંટાયેલા તમામ નવા ધારાસભ્યો વિધિવત રીતે શપથ ગ્રહણ કરશે અને ત્યારબાદ વિધાનસભાના નવા સ્પીકર (અધ્યક્ષ) ની ચૂંટણી માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

ભૂતપૂર્વ સીએમના ગનમેન વિવાદની હવે SIT તપાસ કરશે

રાજકીય મોરચે એક મોટો નિર્ણય લેતા મુખ્યમંત્રી વી. ડી. સતીસને જણાવ્યું કે, ગયા વર્ષે અલાપુઝા જિલ્લામાં તત્કાલીન મુખ્યમંત્રીના સુરક્ષા ગનમેન દ્વારા વિરોધ પ્રદર્શન કરી રહેલા પ્રદર્શનકારીઓ પર કરવામાં આવેલા કથિત હુમલા અને વિવાદની નવેસરથી તપાસ કરવામાં આવશે. આ હાઈ-પ્રોફાઈલ કેસ માટે એક વિશેષ તપાસ ટીમ (SIT) ની રચના કરવાનો આદેશ કેબિનેટે આપ્યો છે. જોકે, મુખ્યમંત્રીએ સ્પષ્ટતા કરી હતી કે આ નિર્ણય કોઈ રાજકીય બદલાની ભાવનાથી લેવામાં આવ્યો નથી, પરંતુ કાયદો અને વ્યવસ્થાની પારદર્શિતા જાળવવા માટે લેવાયો છે.

(7:33 PM IST)