તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 7th May 2026
ઓપરેશન સિંદૂરની પ્રથમ વરસી : ભારતે શૌર્યગાથાને યાદ કરી દુશ્મનોને આપ્યો સ્પષ્ટ સંદેશ : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને રક્ષામંત્રી રાજનાથ સિંહે સેનાની અતુલ્ય બહાદુરીને બિરદાવી : જુઓ વિડીયો
પહલગામ આતંકી હુમલાનો જડબાતોડ જવાબ આપનારા મિશનના એક વર્ષ પૂર્ણ થતા પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર ડીપી બદલ્યું : મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સહિતના નેતાઓએ પાકિસ્તાન પ્રેરિત આતંકવાદ વિરુદ્ધના ઓપરેશનને ભારતની સાર્વભૌમત્વ અને આત્મનિર્ભરતાનું પ્રતિક ગણાવ્યું

Operation Sindoor
— Indian Air Force (@IAF_MCC) May 6, 2026
Justice served.
Precise in action, eternal in memory—Operation Sindoor continues.
India forgets nothing-India forgives nothing.#operation #Sindoor #operationsindoor #IAF @PMOIndia@rajnathsingh@DefenceMinIndia@SpokespersonMoD@HQ_IDS_India@adgpi… pic.twitter.com/GWvnY9Udjl
નવી દિલ્હી: ગયા વર્ષે ૨૨ એપ્રિલના રોજ પહલગામમાં થયેલા ભીષણ આતંકી હુમલામાં ૨૬ નિર્દોષ નાગરિકોના જીવ ગયા બાદ, ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આતંકી માળખાઓને નેસ્તનાબૂદ કરવા માટે છેડેલા 'ઓપરેશન સિંદૂર'ની આજે પ્રથમ વરસી ઉજવવામાં આવી રહી છે. ૭ મે ૨૦૨૫ના રોજ શરૂ થયેલા આ ઓપરેશન દ્વારા ભારતે સ્પષ્ટ કર્યું હતું કે નવું ભારત હવે આતંકવાદને સહન કરશે નહીં અને તેનો જડબાતોડ જવાબ આપશે.
પીએમ મોદી અને કેન્દ્રીય મંત્રીઓએ આપી શ્રદ્ધાંજલિ:
આ ઐતિહાસિક દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોતાનું ડિસ્પ્લે પિક્ચર (DP) બદલીને ઓપરેશન સિંદૂર સાથે જોડાયેલું ચિત્ર મૂક્યું હતું. વડાપ્રધાને સશસ્ત્ર દળોની ચોકસાઈ, નિશ્ચય અને બહાદુરીની પ્રશંસા કરતા જણાવ્યું કે આ ઓપરેશન ભારતની રાષ્ટ્રીય સુરક્ષા પ્રત્યેની અતૂટ પ્રતિબદ્ધતા અને સંરક્ષણ ક્ષેત્રે વધતી આત્મનિર્ભરતાનું પરિણામ છે. વિદેશ મંત્રી એસ. જયશંકરે પણ આ જ ચિત્ર મૂકીને સેનાના પરાક્રમને સલામ કરી હતી.
સેનાની સંયુક્ત શક્તિ અને આધુનિક યુદ્ધકૌશલ્યનું પ્રતિક:
રક્ષામંત્રી રાજનાથ સિંહે આ ઓપરેશનને ભારતીય સૈન્ય સજ્જતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે સેનાની ત્રણેય પાંખો વચ્ચેનું ઉત્તમ સંકલન અને અતુલ્ય જોશ આધુનિક યુદ્ધ માટે બેન્ચમાર્ક સમાન છે. આ સાથે જ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે એક ખાસ વિડિયો શેર કરીને જણાવ્યું કે ઓપરેશન સિંદૂરે ભારતની સુરક્ષાને જોખમમાં મૂકનારાઓને સ્પષ્ટ ચેતવણી આપી દીધી છે. ભાજપના વરિષ્ઠ નેતા વિનોદ તાવડેએ પણ સેનાના શૌર્યને બિરદાવ્યું હતું.
વાયુસેના અને આર્મી દ્વારા વિડિયો જાહેર: ‘ભારત કશું ભૂલતું નથી’:
ભારતીય વાયુસેના અને ભૂમિસેના દ્વારા આ મિશનની યાદમાં વિશેષ વિડિયો જાહેર કરવામાં આવ્યા છે. વાયુસેનાએ પોસ્ટમાં લખ્યું કે, "ન્યાય તોળવામાં આવ્યો છે. એક્શનમાં સચોટ અને સ્મૃતિમાં અમર, ઓપરેશન સિંદૂર ચાલુ છે. ભારત કશું ભૂલતું નથી, ભારત કશું માફ કરતું નથી."
શું હતું ઓપરેશન સિંદૂર?
૭ મે ૨૦૨૫ના રોજ ભારતે જેશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબાના આતંકી કેમ્પ પર સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી. આ ઓપરેશનમાં ૯ થી વધુ આતંકી કેમ્પ તબાહ કરવામાં આવ્યા હતા અને ૧૦૦ થી વધુ આતંકવાદીઓનો સફાયો કરવામાં આવ્યો હતો. આ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાર દિવસ સુધી મિસાઈલ અને ડ્રોન દ્વારા સામસામો પ્રહાર થયો હતો, જેનો અંત ૧૦ મેના રોજ રાજદ્વારી દબાણ અને દરમિયાનગીરી બાદ આવ્યો હતો. આજે સમગ્ર દેશ આ દિવસને ભારતની સૈન્ય તાકાત અને સુરક્ષા દળોના સમર્પણના પ્રતિક તરીકે ઉજવી રહ્યો છે.
(10:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
