<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th October 2026

મુંબઈ મેટ્રો એક્વા લાઈનની પ્રથમ વર્ષગાંઠ: ૧૦ વર્ષ માટે ટાઇમ કેપ્સ્યુલ સીલ કરવામાં આવી અને સ્ટેશનો પર વિશેષ સ્ટેમ્પ શરૂ

એમએમઆરસી દ્વારા ભવિષ્યની પેઢીઓ માટે ઐતિહાસિક સ્મૃતિઓ સાચવવાની અનોખી પહેલ; ૧૦ સ્ટેશનો પર મુસાફરો માટે ખાસ 'પાસપોર્ટ એન્ડ સ્ટેમ્પ ટ્રેઇલ'નું અનાવરણ

મુંબઈ : મુંબઈ મેટ્રોની એક્વા લાઇન (લાઇન-૩) ના સંપૂર્ણ રૂટ પર નાગરિકોને સેવા આપવાના સફળ એક વર્ષ પૂર્ણ થવા નિમિત્તે મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશન (એમએમઆરસી) દ્વારા બે અત્યંત આકર્ષક અને વિશેષ પહેલની શરૂઆત કરવામાં આવી છે. ૯ ઓક્ટોબર ૨૦૨૬ ના રોજ એમએમઆરસીનાં મેનેજિંગ ડિરેક્ટર અશ્વિની ભિડેના વરદ હસ્તે ‘એક્વા લાઇન પાસપોર્ટ એન્ડ સ્ટેમ્પ ટ્રેઇલ’ નું અનાવરણ કરવામાં આવ્યું હતું તેમજ આગામી એક દાયકા માટે ‘એક્વા લાઇન ટાઇમ કેપ્સ્યુલ’ ને સત્તાવાર રીતે સીલ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સંસ્થાના વરિષ્ઠ અધિકારીઓ અને મોટી સંખ્યામાં કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

 

ભારતના મેટ્રો પરિવહન ક્ષેત્રમાં પ્રથમ વખત હાથ ધરવામાં આવેલી આ ‘ટાઇમ કેપ્સ્યુલ’ પહેલ અંતર્ગત મુંબઈની પ્રથમ ભૂગર્ભ મેટ્રોની સફર, તેની સીદ્ધિઓ, તસવીરો, મહત્વપૂર્ણ દસ્તાવેજો અને યાદગાર વસ્તુઓને સુરક્ષિત રીતે સાચવવામાં આવી છે. આ કેપ્સ્યુલને આગામી ૧૦ વર્ષ માટે એટલે કે ૮ ઓક્ટોબર ૨૦૩૬ ના રોજ એક્વા લાઇનના સંપૂર્ણ રૂટની ૧૦મી વર્ષગાંઠ નિમિત્તે ફરીથી ખોલવામાં આવશે, જેથી ભવિષ્યની પેઢીઓ આ ઐતિહાસિક પ્રોજેક્ટના વિકાસ અને શરૂઆતની ઝલક મેળવી શકે.

 

આ પ્રસંગે એમએમઆરસી દ્વારા પ્રવાસીઓ અને ટુરિઝમ શોખીનો માટે ‘એક્વા લાઇન પાસપોર્ટ એન્ડ સ્ટેમ્પ ટ્રેઇલ’ ની પણ ભેટ આપવામાં આવી છે. આ અભિયાન હેઠળ મુસાફરો એક્વા લાઇનના ૧૦ નિર્ધારિત સ્ટેશનો પર જઈને ખાસ ડિઝાઇન કરાયેલા સ્મારક સ્ટેમ્પ એકત્ર કરી શકશે. દરેક સ્ટેશન પર ઉપલબ્ધ આ સ્ટેમ્પ તે સ્ટેશન અને તેની આસપાસના સ્થાનિક વિસ્તારની વિશિષ્ટ સાંસ્કૃતિક અને ભૌગોલિક ઓળખને પ્રદર્શિત કરશે, જેનાથી મેટ્રોની દૈનિક મુસાફરી એક રોમાંચક અનુભવ બની રહેશે.

 

પહેલી વર્ષગાંઠની આ ઉજવણી દરમિયાન એમએમઆરસી દ્વારા એક્વા લાઇન પર નિયમિતપણે સૌથી વધુ મુસાફરી કરનારા અને આ પ્રોજેક્ટને સહયોગ આપનારા પ્રવાસીઓનું વિશેષ સન્માન પણ કરવામાં આવ્યું હતું. આ સન્માન સમારોહનો મુખ્ય ઉદ્દેશ્ય મુસાફરોની ભાગીદારીને બિરદાવવાનો હતો. સંસ્થાના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ બંને પહેલો દ્વારા ભૂતકાળની યાદોને અકબંધ રાખવાની સાથેસાથે મુસાફરોને મેટ્રો સ્ટેશનો અને તેના પરિસરને નવા દ્રષ્ટિકોણથી જાણવાની ઉત્તમ તક પૂરી પાડવામાં આવી છે.

 

મુંબઈ જેવા વ્યસ્ત મહાનગરમાં પરિવહનને વધુ સરળ અને યાદગાર બનાવતી આ એક્વા લાઇન હવે નાગરિકોના દૈનિક જીવનનો અભિન્ન हिस्सा બની ચૂકી છે. આગામી સમયમાં આ લાઇન પર મુસાફરોની સુવિધા વધારવા માટે વહીવટી તંત્ર દ્વારા વધુ નવા પગલાં લેવામાં આવે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.

 

(9:08 PM IST)