News of Monday, 9th November 2026
લક્ષ્મીપૂજનની રાત્રે મહારાષ્ટ્રમાં ફટાકડા અને શોર્ટ સર્કિટથી અગ્નિતાંડવ: મુંબઈ, થાણે અને ભિવંડી સહિતના શહેરોમાં ડઝનબંધ આગની ઘટનાઓથી કરોડો રૂપિયાનું નુકસાન અને વ્યાપક દોડધામ
દિવાળીના પર્વ પર ખુશીઓ માતમમાં ફેરવાઈ: ફટાકડાની આતશબાજી અને વીજ સ્પાર્કિંગના કારણે અનેક રહેણાંક ટાવરો, શોપિંગ સેન્ટરો અને ફેક્ટરીઓમાં ભીષણ આગ ફાટી નીકળતાં તંત્ર દોડતું થયું

મુંબઈ : લક્ષ્મીપૂજન અને દિવાળીના ઉત્સાહ વચ્ચે મહારાષ્ટ્રના અનેક શહેરોમાં રવિવારે રાત્રે અચાનક અગ્નિતાંડવની શ્રેણીબદ્ધ ઘટનાઓ સામે આવતા ભારે અફરાતફરી મચી ગઈ હતી. ફટાકડાની આતશબાજી, શોર્ટ સર્કિટ અને ઘરોમાં પ્રગટાવેલા દીવાઓના કારણે મુંબઈ, થાણે, ભિવંડી, નવી મુંબઈ અને નાગપુર સહિતના વિસ્તારોમાં ડઝનબંધ સ્થળોએ આગ ફાટી નીકળી હતી, જેમાં કરોડો રૂપિયાની મિલકતો બળીને ખાખ થઈ ગઈ હતી અને સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો.
ઘટનાની વિગતો મુજબ, થાણેના વાગળે એસ્ટેટ વિસ્તારમાં આવેલા પોશ રહેણાંક ટાવરમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી, જે ૮માં માળેથી શરૂ થઈને ૧૪માં માળ સુધી ફેલાઈ જતાં ઉપરના ફ્લેટોમાં અનેક પરિવારો ફસાઈ ગયા હતા. આ ઉપરાંત, ભિવંડીના કાપ આળી વિસ્તારમાં શોર્ટ સર્કિટ થવાથી કૂલર, લાઈટ ડેકોરેશન અને કપડાંની ૬ દુકાનો સંપૂર્ણપણે બળીને રાખ થઈ ગઈ હતી, જ્યારે ડોંગરીમાં એક ગેરેજ અને આસપાસના ઓઈલ-ટાયરના ગોડાઉનને આગે લપેટમાં લેતા ૧૦ થી ૧૨ દુકાનો સ્વાહા થઈ ગઈ હતી.
નવી મુંબઈના તુર્ભે શોપિંગ સેન્ટરની છત પર આકાશી ફટાકડાનો તણખો પડવાથી ભીષણ આગ લાગી હતી, જોકે ફાયર બ્રિગેડે સમયસર પહોંચીને નીચેની સેંકડો દુકાનોને બચાવી લીધી હતી. આ તરફ વિદ્યાવિહારમાં એક કમર્શિયલ બિલ્ડિંગના ત્રણ માળ સળગી ગયા હતા, અને પશ્ચિમ રેલવે પર ફટાકડાના ધુમાડા તથા તણખાને કારણે સિગ્નલ સિસ્ટમ ખોરવાતા સવારના સમયે લોકલ મુસાફરો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. નાગપુરના સાવરકર નગર સ્થિત ટીવીએસ શોરૂમ અને ચિપળૂણમાં સીએનજી કારમાં આગ લાગવાની ગંભીર ઘટનાઓ પણ સામે આવી હતી.
સત્તાવાર સૂત્રો અને ફાયર બ્રિગેડના જણાવ્યા અનુસાર, રવિવારની રજા હોવાને કારણે અને કેટલીક જગ્યાએ ફ્લેટો ખાલી હોવાથી મોટી જાનહાનિ ટળી હતી, પરંતુ મધ્ય રાત્રિ સુધી ફાયર વિભાગના જવાનોએ ભારે જહેમત ઉઠાવવી પડી હતી. મોડી રાત સુધી ચાલેલા ઓપરેશનમાં હાઈડ્રોલિક લેડર અને બ્રિગેડની અનેક ગાડીઓની મદદથી આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો.
આ ભયાનક અગ્નિતાંડવને પગલે સ્થાનિક વહીવટી તંત્ર અને ફાયર વિભાગ દ્વારા હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તંત્ર દ્વારા જાહેર અપીલ કરવામાં આવી છે કે આગામી દિવસોમાં તહેવારોની ઉજવણી દરમિયાન નાગરિકોએ પૂરતી સાવચેતી રાખવી અને ફટાકડા ફોડતી વખતે વિશેષ કાળજી લેવી, જેથી ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓથી બચી શકાય.
(6:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
