તા. ૧ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૧ સોમવાર
News of Saturday, 25th July 2026
યુરોપમાં આગનો કહેર: ફ્રાન્સ અને સ્પેનના જંગલોમાં ભયાનક દાવાનળ : 2 લાખથી વધુ લોકોનું તાત્કાલિક સ્થળાંતર!
મેડ્રિડથી બોર્ડેક્સ સુધી જ્વાળાઓની ભયાનકતા વચ્ચે જનજીવન અસ્તવ્યસ્ત: અગ્નિશામકો પણ હથિયાર હેઠા મુકવા મજબૂર, દરિયાઈ માર્ગે હોડીઓ દ્વારા લોકોનું સુરક્ષિત રેસ્ક્યુ.

નવી દિલ્હી : યુરોપના બે મુખ્ય દેશોફ્રાન્સ અને સ્પેન હાલમાં અત્યાર સુધીના સૌથી ભયાનક અને વિનાશક દાવાનળ (જંગલની આગ) નો સામનો કરી રહ્યા છે. દક્ષિણપશ્ચિમ ફ્રાન્સ અને મધ્ય સ્પેનના હજારો એકરમાં ફેલાયેલી આ આગ એટલી વિકરાળ બની ચૂકી છે કે 200,000 થી વધુ લોકોને પોતાના ઘરો છોડીને ભાગવાની ફરજ પડી છે. બોર્ડેક્સ અને મેડ્રિડ નજીકના નગરો તરફ જ્વાળાઓ ઝડપથી વધી રહી હોવાથી બંને દેશોના વહીવટીતંત્રે ઈમરજન્સી જાહેર કરીને આસપાસના વિસ્તારો ખાલી કરાવવાનું શરૂ કર્યું છે.
ફ્રેન્ચ ગૃહ મંત્રાલયના અહેવાલો અનુસાર, ગિરોન્ડે અને લેન્ડેસ પ્રદેશોમાંથી જ લગભગ 141,000 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે, જ્યારે સ્પેનમાં 60,000 થી વધુ લોકો વિસ્થાપિત થયા છે. સ્થિતિ એટલી ગંભીર બની ગઈ હતી કે ફ્રાન્સના એટલાન્ટિક કિનારે આવેલા પ્રવાસી વિસ્તારોમાંથી લોકોએ જીવ બચાવવા માટે પોતાની કારો રસ્તા પર જ છોડી દીધી હતી અને હોડીઓ મારફતે દરિયાઈ માર્ગે ભાગવું પડ્યું હતું. પોલીસે ઘરે-ઘરે જઈને લોકોને તાત્કાલિક વિસ્તાર ખાલી કરાવવાની કામગીરી હાથ ધરી છે.
આગની તીવ્રતા અને ધુમાડાના કાળા ગોટેગોટાના કારણે અગ્નિશામક દળો માટે પણ સીધો સામનો કરવો લગભગ અશક્ય બની ગયો છે. કામગીરી દરમિયાન ડઝનબંધ ફ્રેન્ચ અગ્નિશામકો ઘાયલ થયા છે, પરંતુ સદ્નસીબે હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી. ફ્રાન્સના ગૃહમંત્રી લોરેન્ટ નુનેઝે ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું છે કે ભીષણ આગ હવે પ્રખ્યાત બોર્ડેક્સ શહેર તરફ આગળ વધી રહી છે, જેને રોકવા માટે આંતરરાષ્ટ્રીય મદદ અને તમામ ઉપલબ્ધ સંસાધનો ઝોંકી દેવામાં આવ્યા છે.
(7:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
