તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 15th May 2026
હૈદ્રાબાદ-જયપુર સ્પેશિયલ એક્સપ્રેસ ટ્રેનમાં બે થ્રિ ટાયર એસી કોચમાં આગ ભભૂકી : નામપલ્લી રેલવે સ્ટેશન પર અફરાતફરી
ટ્રેનના કોચમાં આગ લાગી ત્યારે એક પણ પ્રવાસી કોચમાં હાજર નહોતો જેથી મોટી દુર્ઘટના ટળી:રેલવે કર્મચારીઓની સતર્કતાથી સ્થિતિ કાબૂમાં

હૈદ્રાબાદ-જયપુર સ્પેશિયલ એક્સપ્રેસ ટ્રેનમાં શુક્રવારે હૈદ્રાબાદના નામપલ્લી રેલવે સ્ટેશન ખાતે આગ લાગવાથી નાસભાગ સર્જાઈ ગઈ હતી. ટ્રેનના થ્રી-ટીયર એસી કોચના બી-1 અને બી-2 કોચમાં આગ લાગી હતી. જે બાદ સ્ટેશન સંકુલમાં ભારે અફરા તફરી સર્જાઈ હતી. આગ લાગી ત્યારે ટ્રેન સાંજે 7 કલાકે હૈદ્રાબાદથી જયપુર માટે રવાના થવાની તૈયારીમાં હતી.
પ્રત્યક્ષદર્શીઓ અનુસાર, ટ્રેનના કોચથી અચાનક ધૂમાડો નીકળતો જોવા મળ્યો હતો. જે બાદ થોડીવારમાં આગની જ્વાળાઓ દેખાઈ. સ્ટેશન પર રહેલા પ્રવાસીઓ અને રેલવે કર્મચારીઓમાં ડરનો માહોલ જામ્યો હતો. સૂચના મળતા રેલવે સુરક્ષા બળ, સ્ટેશન તંત્ર અને ફાયર બ્રિગેડનો સ્ટાફ આગ કાબૂ કરવા ઘટનાસ્થળે જોતરાઈ ગયો હતો.
રાહતની વાત એ હતી કે ટ્રેનના કોચમાં આગ લાગી ત્યારે એક પણ પ્રવાસી કોચમાં હાજર નહોતો. જેથી મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. રેલવે કર્મચારીઓની સતર્કતાથી સ્થિતિ કાબૂમાં આવવામાં મદદ મળી. શરૂઆતની જાણકારી પ્રમાણે આગ એસી કોચની અંદર લાગી હતી. પરંતુ આની પાછળ અસલી કારણ હાલ પૂરતું સ્પષ્ટ નથી થયું.
રેલવે અને ફાયર બ્રિગેડની ટીમો આગ લાગવાના કારણની તપાસ કરી રહી છે. ટેકનિકલ ખામી, શોર્ટ સર્કિટ કે અન્ય કારણોને નકારી કાઢવા માટે તપાસ ચાલી રહી છે. રેલવે અધિકારીઓનું કહેવું છે કે વિગતવાર તપાસનો આદેશ આપવામાં આવ્યો છે, અને અસરગ્રસ્ત કોચનું નિરીક્ષણ કરવામાં આવશે કે શું કોઈ સલામતી ખામીઓ હતી કે નહીં.
(9:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
