તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 11th October 2026
CJP વિરોધ પ્રદર્શન મામલે અભિનેતા ઇમરાન ખાન સામે FIR: ગર્લફ્રેન્ડ સાથે આંદોલનમાં જોડાવું પડ્યું ભારે
મુંબઈના ઓગસ્ટ ક્રાંતિ મેદાન ખાતે ગેરકાયદેસર સભા અને આદેશના અનાદર બદલ 400 થી વધુ લોકોની અટકાયત

મુંબઈ : બોલિવૂડ સુપરસ્ટાર આમિર ખાનના ભત્રીજા અને જાણીતા અભિનેતા ઇમરાન ખાન સામે મુંબઈ પોલીસે મોટી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. મુંબઈના ઐતિહાસિક ઓગસ્ટ ક્રાંતિ મેદાન ખાતે યોજાયેલા વિરોધ પ્રદર્શનમાં પોતાની ગર્લફ્રેન્ડ સાથે ભાગ લેવા બદલ ઇમરાન ખાન અને તેના સાથીઓ વિરુદ્ધ ગામદેવી પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર (FIR) નોંધવામાં આવી છે. દિલ્હીમાં "કોકરોચ જનતા પાર્ટી" (CJP) દ્વારા ચલાવવામાં આવી રહેલા આંદોલનના સમર્થનમાં યોજાયેલા આ વિરોધ પ્રદર્શનમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા સામે સવાલો ઉઠાવી મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ કરવામાં આવી હતી.
મુંબઈ પોલીસે આ મામલે સ્વેચ્છાએ ફરિયાદી બનીને કાયદેસરની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસના સત્તાવાર નિવેદન મુજબ, ભારતીય ન્યાય સંહિતાની કલમ 223 (સરકારી આદેશનો અનાદર), 126(2) (ખોટી રીતે પ્રતિબંધિત કરવા), 189(2) (ગેરકાયદેસર રીતે મંડળી ભેગી કરવી), 189(3) અને 189(5) હેઠળ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. આ ગેરકાયદેસર વિરોધ પ્રદર્શન દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસે ઘટનાસ્થળેથી 400 થી વધુ પ્રદર્શનકારીઓની અટકાયત કરી હતી.
દિલ્હીથી શરૂ થયેલા CJP ના આંદોલનની ઝાળ હવે મુંબઈ સુધી પહોંચી ગઈ છે, જ્યાં બોલિવૂડ હસ્તીઓની હાજરીથી આ મામલો વધુ ચર્ચાસ્પદ બન્યો છે. પોલીસ પ્રશાસને અગાઉથી જ પરવાનગી વગર કોઈપણ જાહેર વિરોધ પ્રદર્શન કરવા પર પ્રતિબંધ લાદ્યો હોવા છતાં મોટી સંખ્યામાં લોકો ઓગસ્ટ ક્રાંતિ મેદાન પર એકઠા થયા હતા, જેના કારણે પોલીસે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવીને ત્વરિત કાર્યવાહી કરવી પડી હતી.
એફઆઈઆર નોંધાયા બાદ મુંબઈ પોલીસ હવે ઇમરાન ખાન સહિતના મુખ્ય આયોજકોને પૂછપરછ માટે સમન્સ જારી કરવાની તૈયારી કરી રહી છે. આ કેસમાં અટકાયત કરાયેલા અન્ય લોકો સામે પણ કાનૂની પગલાં લેવામાં આવી રહ્યા છે, ત્યારે મનોરંજન જગતના કલાકારોના રાજકીય આંદોલનમાં જોડાવા અને તેમની સામે થયેલી આ કાર્યવાહી બાદ આગામી સમયમાં કેસ કયો વળાંક લે છે તેના પર સહુની નજર મંડાયેલી છે.
(2:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
