તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 7th May 2026
પંજાબમાં EDના દરોડામાં ફિલ્મી દ્રશ્યો: નવમા માળેથી હવામાં ઉડી 500ની નોટોની થેલીઓ, મુખ્યમંત્રીના OSDના નજીકના સાથીઓ સકંજામાં
જમીન કૌભાંડમાં મની લોન્ડરિંગની તપાસ દરમિયાન મોહાલીમાં મચી અફરાતફરી: કરોડો રૂપિયાની રોકડ નીચે ફેંકી દેવાઈ, વીડિયો વાયરલ થતા રાજકારણ ગરમાયું

ચંદીગઢ, તા.૦૭: પંજાબના મોહાલીમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ના દરોડા દરમિયાન કોઈ ફિલ્મી કથા જેવી ઘટના સામે આવી છે. જમીન કૌભાંડ અને મની લોન્ડરિંગના કેસમાં જ્યારે EDની ટીમ મોહાલીની 'વેસ્ટર્ન ટાવર્સ' સોસાયટીમાં તપાસ કરવા પહોંચી, ત્યારે ગભરાટમાં આવીને એક ફ્લેટમાંથી રોકડ ભરેલી બે થેલીઓ સીધી બારીમાંથી નીચે ફેંકી દેવામાં આવી હતી. 9મા માળેથી ફેંકાયેલી આ થેલીઓ ફાટી જતાં 500-500ની નોટોના બંડલો હવામાં ઉડતા જોવા મળ્યા હતા, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.
આ દરોડા પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનના OSD (ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી) રાજબીર ઘુમ્મણના કથિત નજીકના સાથીદાર નીતિન ગોહલ અને અન્ય બિલ્ડરોના રહેઠાણો પર કરવામાં આવ્યા હતા. આરોપ છે કે આ લોકોએ GMADA (ગ્રેટર મોહાલી એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી) ના ફી પેમેન્ટમાં ડિફોલ્ટ કરી, ખોટી રીતે લાઇસન્સ મેળવ્યા અને રોકાણકારો સાથે કરોડોની છેતરપિંડી કરી છે. નીતિન ગોહલ પર બિલ્ડરોને 'રાજકીય રક્ષણ' પૂરું પાડવાનો પણ આક્ષેપ છે.
'કટ્ટર ભ્રષ્ટાચારીઓ ફસાયા': વિપક્ષનો પ્રહાર
આ ઘટના બાદ પંજાબમાં રાજકીય ગરમાવો આવી ગયો છે. અકાલી દળના નેતા બિક્રમ સિંહ મજીઠિયાએ આ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતા મુખ્યમંત્રી પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે દાવો કર્યો હતો કે આ પૈસા મુખ્યમંત્રીના OSD રાજબીર સિંહના છે અને હવે 'કટ્ટર ભ્રષ્ટાચારીઓ' EDના સકંજામાં આવી ગયા છે. મજીઠિયાએ આને હવાલા ટ્રાન્ઝેક્શનનો મોટો પર્દાફાશ ગણાવ્યો છે.
ચંદીગઢ અને મોહાલીમાં ૧૨ સ્થળોએ તપાસ
EDની ટીમે ચંદીગઢ અને મોહાલીમાં અંદાજે ૧૨ જેટલા સ્થળોએ સામૂહિક દરોડા પાડ્યા છે. આમાં સનટેક સિટી પ્રોજેક્ટ, અલ્ટસ બિલ્ડર્સ અને ધીર કન્સ્ટ્રક્શન જેવી પેઢીઓ સાથે સંકળાયેલા લોકોનો સમાવેશ થાય છે. ED હવે તે તપાસી રહી છે કે નીચે ફેંકાયેલી થેલીઓમાં કુલ કેટલી રોકડ હતી અને આ નાણાંનો સ્ત્રોત શું હતો. ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણી પહેલા પંજાબમાં AAPના નેતાઓ અને તેમની સાથે સંકળાયેલા લોકો પર EDની આ કાર્યવાહીથી રાજકીય માહોલ તંગ બન્યો છે.
(5:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
