તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 25th September 2026
ફિલ્મ અને મનોરંજન ઉદ્યોગ ફાઇનાન્સિંગ ક્ષેત્રે નવી ઊંચાઈઓ હાસિલ કરી રહ્યો છેઃ વિવેક મેનન
NV CAPITAL ના મેનેજીંગ પાર્ટનર અને યસ બેન્કની ટીમ અકિલાના આંગણે : યસ બેન્ક દ્વારા વિકાસ માટે સતત સારું કામ કરવું અને રોકાણકારોમાં વિશ્વાસ ઊભો કરવો એ મુખ્ય પ્રાથમિકતા :દિપક મેંદપરા * ગણતરીપૂર્વક નક્કી કરીને આ મોડલથી ફિલ્મ ક્ષેત્રે જોખમ વિના નિયમિત અને સ્થિર આવક મેળવી શકાય છે, સૌથી વધુ ઇન્વેસ્ટર્સ ગુજરાતમાંથી છે પણ રોકાણની કિંમત (વેલ્યુ)ની દ્રષ્ટિએ દિલ્હી અને સાઉથ ઇન્ડિયામાંથી વધુ પૈસા આવે છે, વ્યાજ આધારિત પ્રોડક્ટ મોડલ દ્વારા ફાઇનાન્સર્સને આ ચોક્કસ ક્ષેત્રમાંથી નિયમિત અને સ્થિર આવક પ્રાપ્ત થાય છેઃ વિવેક મેનન

અકિલાના એક્સીક્યુટીવ એડિટર અને અકિલા વેબ એડિસનના એડિટર નીમિષભાઇ ગણાત્રા સાથે NV CAPITALના મેનેજીંગ પાર્ટનર વિવેક મેનન, યસ બેન્કના સીનિયર વાઇસ પ્રેસીડેન્ટ હેડ (સોૈરાષ્ટ્ર) દીપકભાઇ મેંદપરા, યસ બેન્ક રાજકોટના બ્રાન્ચ મેનેજર મનીષભાઇ ઉનડકટ, યસ બેન્કના સિક્યુરીટિજ રિજનલ હેડ મૃગેશભાઇ ધોળકિયા તસવીરમાં નજરે પડે છે.
રાજકોટઃ તા.૨૫: એક સમય એવો હતો જ્યારે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નાણાંનું રોકાણ અત્યંત જોખમી માનવામાં આવતું. ફિલ્મ હિટ થાય તો કમાણી અને ફિલ્મ ફલોપ જાય તો સમગ્ર રોકાણ ડૂબી જવાની ભીતિ વચ્ચે બેન્કો અને સંસ્થાગત નાણાકીય ક્ષેત્ર ફિલ્મ ફાઇનાન્સિંગથી અંતર રાખતા. જોકે છેલ્લા દોઢ દાયકામાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીના બિઝનેસ મોડલમાં આવેલા પરિવર્તન, ખાસ કરીને ઓટીટી, મ્યુઝિક, સેટેલાઇટ, ડબિગ અને અન્ય ડિજિટલ રાઇટ્સના વિકાસને કારણે ફિલ્મ ફાઇનાન્સિંગનું ગણિત બદલાઈ રહ્યું છે. મીડિયા અને એન્ટરટેઇનમેન્ટ ક્ષેત્રમાં લાંબા સમયથી બેન્કિંગ તથા ફાઇનાન્સિંગનો અનુભવ ધરાવતા નિષ્ણાતોના મતે હવે ફિલ્મને માત્ર થિયેટરમાં મળનારી કમાણીના આધારે જોવાને બદલે તેના સમગ્ર કન્ટેન્ટ વેલ્યુ-ચેઇનને ધ્યાનમાં લેવામાં આવે છે. આ બદલાવને કારણે ફિલ્મ ક્ષેત્રમાં સંસ્થાગત મૂડી અને વૈકલ્પિક રોકાણના માર્ગો માટે નવી તકો ઊભી થઈ છે. બેન્કિંગ સેક્ટરમાં ૨૦ થી વધુ વર્ષોની બહોળી કારકિર્દી દરમિયાન એચડીએફસી બેન્ક અને યસ બેન્ક જેવી ટોચની સંસ્થાઓમાં મધ્યમ અને મોટા કોર્પોરેટ્સ સાથે લીડરશીપ પોઝિશન પર મહત્વપૂર્ણ જવાબદારી ચૂકેલા ખાસ મુંબઇથી પધારેલા શ્રી વિવેક મેનન અકિલાના આંગણે મહેમાન બન્યા હતા અને મીડિયા એન્ડ એન્ટરટેઇનમેન્ટ ફાઇનાન્સિંગ ક્ષેત્રે નવી ઊંચાઈઓ હાસિલ કર્યા વિશે વિગતે ચર્ચા કરી હતી. સાથે યસ બેન્કના યસ બેન્કના સીનિયર વાઇસ પ્રેસીડેન્ટ કલસ્ટર હેડ (સૌરાષ્ટ્ર) શ્રી દિપકભાઇ મેંદપરા, યસ બેન્ક રાજકોટના બ્રાન્ચ મેનેજર શ્રી મનીષભાઇ ઉનડકટ, યસ બેન્કના સિક્યુરીટિજ રિજનલ હેડ શ્રી મૃગેશભાઇ ધોળકિયા ઉપસ્થિત રહ્યા હતા.
મુંબઈ યુનિવર્સિટીના ૨૦૦૬ના મેનેજમેન્ટ ગ્રેજ્યુએટથી લઈને આજે મીડિયા એન્ડ એન્ટરટેઇનમેન્ટ ફાઇનાન્સિંગ ક્ષેત્રમાં આગવી ઓળખ સુધીની સફર વિશે શ્રી વિવેક મેનનજીએ જણાવ્યું હતું કે, મેં સ્નાતક અને અનુસ્નાતક અભ્યાસ પૂર્ણ કર્યા બાદ બેંકિગ ક્ષેત્રમાં પ્રવેશ કર્યો. ત્યારે એચડીએફસી બેંકમાં કામ કરતી વખતે પહેલીવાર મીડિયા કંપનીઓ સાથે ફંડિગના પ્રસ્તાવો જોવાની તક મળી. ખાસ કરીને ‘‘યુટીવી'' અને ‘‘ઇરોસ'' જેવી કંપનીઓના પ્રસ્તાવો જોયા બાદ આ ક્ષેત્ર પ્રત્યે રસ જાગ્યો. તે સમયે મીડિયા અને એન્ટરટેનમેન્ટ સેક્ટરમાં સારી તકો હોવા છતાં લોકોને તેની સંપૂર્ણ સમજ નહોતી. આ રસને કારણે એચડીએફસી છોડીને યસ બેંન્કમાં જોડાવાનો નિર્ણય લીધો, કારણ કે ત્યાં મીડિયા-એન્ટરટેનમેન્ટનો અલગ વિભાગ કાર્યરત હતો. ત્યાં પહેલેથી કામ કરી રહેલા એન.એસ.નિતિન સાથે મળીને આ ક્ષેત્રમાં કેન્દ્રિત રીતે ફંડિંગ શરૂ કર્યું. ફિલ્મ ઇન્ડસ્ટ્રીની કાર્યપ્રણાલીને ઊંડાણથી સમજવા માટે વિવિધ પ્રોડક્શન કંપનીઓ સાથે બેસીને ફિલ્મ બનાવવાની સમગ્ર પ્રક્રિયા, પૈસાનું સર્ક્યુલેશન અને યોગ્ય સમયે ફંડિગની વિગતોનો અભ્યાસ કર્યો. પહેલાં નાના પ્રમાણમાં (૫થી ૧૦ કરોડ) ફંડિગથી શરૂઆત કરી. પૈસા સમયસર પરત આવતાં વિશ્વાસ વધ્યો અને ધીમે-ધીમે એક-એક કંપનીમાં ૧૦૦ કરોડ સુધીની ફંડિગ કરવાનું શરૂ કર્યું. આમ, વ્યવસ્થિત અભ્યાસ અને અનુભવના આધારે SEBI રજિસ્ટર્ડ અલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ ક્રેડિટ ફંડ (AIF) ‘‘NV CAPITAL''શરૂ કર્યું જ્યાં તેઓ હાલ મેનેજીંગ પાર્ટનર તરીકે કાર્યરત છે.
ફંડ શરૂ કરવાનો મુખ્ય હેતુ અને પડકારો વિશે શ્રી વિવેકજીનું કહેવું હતું કે, ફંડ શરૂ કરવાનો મુખ્ય હેતુ ઇન્વેસ્ટર્સને ફિલ્મોમાં રોકાણ કરીને પૈસા કમાવાની તક આપવાનો હતો. સામાન્ય ઇન્વેસ્ટરને ખબર નથી હોતી કે ફિલ્મમાં ક્યાં, કેવી રીતે અને ક્યારે પૈસા નાખવા. આ ઇન્ડસ્ટ્રી વિકસી રહી હોવાથી ઇન્વેસ્ટર્સ માટે આ એક સારી તક બની શકે તેવું વિચારીને ફંડની શરૂઆત કરવામાં આવી. જો સંખ્યાની દ્રષ્ટિએ જોઇએ તો સૌથી વધુ ઇન્વેસ્ટર્સ ગુજરાતમાંથી છે પણ રોકાણની કિમત (વેલ્યુ)ની દ્રષ્ટિએ દિલ્હી અને સાઉથ ઇન્ડિયામાંથી વધુ પૈસા આવે છે. સાઉથમાં ૫ કરોડ અને ૧૦ કરોડ જેવા મોટા રોકાણ કરનારા ઇન્વેસ્ટર્સ પણ છે. અમે ૨૦૨૨માં ફંડ શરૂ કર્યું અને ૨૦૨૩માં પહેલું ફંડરેઝ કર્યું. પરંતુ પહેલું આખું વર્ષ લોકોને સમજાવવામાં વીત્યું. લોકોને ફિલ્મ ઇન્ડસ્ટ્રી જોખમી લાગતી હતી. તેમને એવું લાગતું કે ૧૦૦ રૂપિયાની ફિલ્મ ફલોપ થાય તો આખા ૧૦૦ રૂપિયા ડૂબી જાય. વાસ્તવિકતા એ છે કે આજે ઓટીટી રાઈટ્સ, મ્યુઝિક રાઈટ્સ વગેરેને કારણે ફિલ્મ ફલોપ થાય તો પણ ૩૦ થી ૬૦ ટકા પૈસા પરત મળી શકે છે. આ વાત લોકોને સમજાવવી પડે છે. આમાં મુખ્ય પડકાર એ છે કે ઇન્વેસ્ટર સામે બેસીને પહેલા તેમનો ડર કાઢવો. મીટિંગ પછી ઓછામાં ઓછું તેમનું ઇન્ડસ્ટ્રી પ્રત્યેની ખોટી ધારણા બદલાઈ જાય તે અમે સુનિヘતિ કરીએ છીએ. તેઓ પૈસા રોકે કે ન રોકે તે અલગ વાત છે પણ ઇન્ડસ્ટ્રીનું પર્સેપ્શન બદલાય છે. ગયા વર્ષે થયેલી મીટિગ્સમાં પણ લોકોની આ ધારણા બદલાયેલ જોવા મળી છે.
તમારા મતે મીડિયા અને એન્ટરટેનમેન્ટ ક્ષેત્રને પરંપરાગત કોર્પોરેટ ફાઇનાન્સિંગથી અલગ બનાવતી મુખ્ય બાબતો કઈ છે? શ્રી વિવેક મેનન કહે છે, ગુજરાતી તેમજ ભારતીય મનોરંજન ઉદ્યોગ ઝડપથી પ્રોફેશનલ અને કોર્પોરેટ સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. વર્ષ ૨૦૦૬ની આસપાસ ઇરોસ ઇન્ટરનેશનલ અને અનીલ અંબાણીની રિલાયન્સ એન્ટરટેઇનમેન્ટ જેવી મોટા ગજાની બ્રાન્ડ્સે હિન્દી ફિલ્મ ક્ષેત્રે પ્રવેશ કરીને ‘કોર્પોરેટાઇઝેશન'ના મજબૂત પાયા નાખ્યા હતા. ત્યાર બાદ ફોક્સ સ્ટાર (ડિઝની) અને રિલાયન્સ એન્ટરટેઇનમેન્ટ હેઠળ જીઓ સ્ટુડિયોઝ જેવા વિશાળ પ્લેયર્સે આ ક્ષેત્રે મોટું મૂડીરોકાણ કર્યું. હાલમાં જ થયેલા વિલીનીકરણ પછી મનોરંજન જગતમાં કોર્પોરેટ ક્ષમતા અગાઉ કરતાં પણ વધુ મજબૂત બની છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં ઉદ્યોગમાં મોટા પાયે ‘ઇક્વિટી ફંડિગ' અને રોકાણના નવા પ્રવાહો જોવા મળ્યા છે. જેમકે કરણ જોહરની ધર્મા પ્રોડક્શનમાં અંદાજે રૂ. ૧,૦૦૦ કરોડનું મોટું રોકાણ કરવામાં આવ્યું છે. તો યુએસ આધારિત મ્યુઝિક કંપની યુનિવર્સલ મ્યુઝિક દ્વારા અંદાજે રૂ. ૭૦૦ કરોડ તેમજ ઘણી પ્રોડક્શન કંપનીઓમાં પણ નવું રોકાણ આવ્યું છે. એક તરફ મોટા કોર્પોરેટ્સ ‘ઇક્વિટી' (ભાગીદારી) દ્વારા પૈસા રોકીને ઇન્ડસ્ટ્રીનો વિશ્વાસ અને સ્કેલ વધારી રહ્યા છે તો બીજી તરફ વ્યાજ-ધિરાણ આધારિત ફાઇનાન્સિંગ પણ આ સેક્ટરમાં અત્યંત સફળ સાબિત થઈ રહ્યું છે. ઇક્વિટી રોકાણથી ઇન્ડસ્ટ્રી પરનો એકંદર ભરોસો મજબૂત થાય છે જ્યારે વ્યાજ આધારિત પ્રોડક્ટ મોડલ દ્વારા ફાઇનાન્સર્સને આ ચોક્કસ ક્ષેત્રમાંથી નિયમિત અને સ્થિર આવક પ્રાપ્ત થાય છે. આમ ઇક્વિટી રોકાણકારો અને ધિરાણ આપનાર ફાઇનાન્સર બંનેના સહિયારા પ્રદાનથી ફિલ્મ અને મનોરંજન ઉદ્યોગ આજે વિકાસની નવી ઊંચાઈઓ સર કરી રહ્યો છે.
ફિલ્મ અથવા ઓટીટી પ્રોજેક્ટને લોન આપતી વખતે તમે કયા મુખ્ય પરિબળોનું મૂલ્યાંકન કરો છો? શ્રી વિવેક મેનન કહે છે, ફિલ્મ અને મનોરંજન ક્ષેત્રે ફાઇનાન્સિંગ અથવા રોકાણ કરવું એ સામાન્ય રીતે ઊંચા જોખમ (હાઇ રીસ્ક) નો ધંધો માનવામાં આવે છે પરંતુ જો તેને એક ‘કન્ઝર્વેટિવ બેન્કર' ના અભિગમથી જોવામાં આવે તો આ જોખમ ખૂબ જ ન્યૂનતમ થઈ જાય છે. આ ઉદ્યોગમાં સામાન્ય રીતે બે પ્રકારના અભિગમ જોવા મળે છે જેમકે ઇક્વિટી અભિગમ જેમા રોકાણકાર આશા રાખે છે કે રૂ. ૧૦૦ નો પ્રોજેક્ટ રૂ. ૨૦૦ કે રૂ. ૩૦૦ કમાઈને આપશે. આ ચક્કરમાં પ્રોજેક્ટમાં સંપૂર્ણ રૂ. ૧૦૦નું રોકાણ થઈ જાય છે જે ફિલ્મ ફલોપ થવાની સ્થિતિમાં ભારે આર્થિક નુકસાન પહોંચાડી શકે છે. બીજુ જોખમ એ છે કે આ મોડલમાં રોકાણકાર ફિલ્મની હિટ કે ફલોપ થવાની સંભાવના પર નિર્ભર નથી રહેતો. રૂ.૧૦૦ ના પ્રોજેક્ટ સામે માત્ર રૂ.૩૦ કે રૂ. ૪૦ (એટલે કે સુરક્ષિત મર્યાદા) જેટલું જ ધિરાણ આપવામાં આવે છે.
શ્રી વિવેક મેનન કહે છે, જોખમ સામે સુરક્ષા પણ એટલીજ છે. જેમકે, થિયેટર સિવાયની ગેરંટેડ આવકથી નાણાંની સુરક્ષા રહે છે. બેન્કિંગ દ્રષ્ટિકોણથી મુખ્ય ધ્યાન એ વાત પર હોય છે કે પ્રોજેક્ટના ઓટીટી રાઇટ્સ, ટીવી રાઇટ્સ અને મ્યુઝિક રાઇટ્સમાંથી કેટલી રકમ કવર થાય છે. થિયેટર કલેક્શન ભલે ગમે તેટલું રહે પરંતુ પ્રોજેક્ટની માત્ર ઓટીટી અને ટીવી વેલ્યુના આધારે જ આપેલી રકમ (રૂ.૩૦-૪૦) આસાનીથી રિકવર થઈ જાય છે. ક્યાં અને કેટલું ફંડ આપવું તે ગણતરીપૂર્વક નક્કી કરીને આ મોડલથી ફિલ્મ ક્ષેત્રે જોખમ વિના નિયમિત અને સ્થિર આવક મેળવી શકાય છે.
ફિલ્મની સફળતા અનિヘતિ હોય ત્યારે તેના કેશ ફલો અને રી-પેમેન્ટ કેપેસીટીનું મૂલ્યાંકન કેવી રીતે કરવામાં આવે છે? ફિલ્મનું હિટ કે ફલોપ થવું ફક્ત થિયેટર સ્તરે જ થાય છે. ઓટીટી રાઈટ્સ, મ્યુઝિક રાઈટ્સ કે ટીવી રાઈટ્સ પર તેની કોઈ અસર થતી નથી. સરળ ઉદાહર દ્વારા શ્રી વિવેક મેનનએ જણાવ્યું કે, એક ફિલ્મનું બજેટ ૫૦ કરોડ છે. તેના ગીતો ૭ થી ૮ કરોડમાં વેચાય છે. જો અમે આ મ્યુઝિક રાઈટ્સની સામે ૫ થી ૬ કરોડનું ફંડિગ કરીએ તો અમારા પૈસા મ્યુઝિક રાઈટ્સમાંથી જ પાછા આવે છે. ફિલ્મ થિયેટરમાં હિટ થાય કે ફલોપ, તેનાથી અમારા પૈસાને કોઈ ફરક પડતો નથી. અમે થિયેટર કલેક્શન સામે કોઈ એક્સપોઝર લેતા નથી. અમારી વસૂલાત મુખ્યત્વે આસ્ત્રેતોમાંથી થાય છે. ઓટીટી રાઈટ્સ, મ્યુઝિક રાઈટ્સ, ટીવી રાઈટ્સ, ડબ્ડ રાઈટ્સ (ખાસ કરીને સાઉથ ફિલ્મો હિન્દીમાં ડબ થાય ત્યારે). આમ, થિયેટરમાં ફિલ્મ કેવું પરિણામ આપે છે તેનો અમારી ફંડિગ સાથે સીધો સંબંધ નથી. તો તેમાં સૌથી મોટા જોખમો કયા છે? ફિલ્મ ફાઇનાન્સિંગમાં મુખ્યત્વે ત્રણ જોખમો છે. એક ડિલે રિસ્ક કે જેમાં ફિલ્મનું રિલીઝ લેટ થાય તો પૈસાની વસૂલાત પણ મોડી થઈ જાય છે. આજે આ સૌથી મોટું જોખમ છે. થિયેટર રિલીઝ મોડું થતાં ઓટીટીને પૈસા આપવાનું પણ મોડું થઈ જાય છે. આ જોખમ અમારા કે પ્રોડ્યૂસરના પૂર્ણ નિયંત્રણમાં નથી કારણ કે તેમાં ઘણા બાહ્ય પરિબળો હોય છે. બીજું કારણ છે પ્રોડક્શન રિસ્ક એટલે કે ફિલ્મ પૂરી થશે કે નહીં તેનું જોખમ. અને ત્રીજું કારણ છે વિશ્વસનીયતાનું જોખમ જેમાં ફિલ્મનું કન્ટેન્ટ (ખાસ કરીને ઓટીટી રાઈટ્સ) વેચાશે કે નહીં તેનું જોખમ રહે છે. તેના નિયંત્રણ માટે શું? જોખમોનું નિયંત્રણ કેવી રીતે થાય છે? વિવેકજીએ જણાવ્યું કે, અમે પ્રોડક્શન રિસ્ક અને વિશ્વસનીયતાના જોખમને નિયંત્રિત કરી શકીએ છીએ. તેના માટે અમે એક સ્પષ્ટ સિલેક્શન પ્રક્રિયા અપનાવીએ છીએ. દર વર્ષે હિન્દી અને ચાર સાઉથ ભાષાઓ (તમિલ, તેલુગુ, મલયાલમ, કન્નડ)માં લગભગ ૧૨૦૦ ફિલ્મો બને છે. આમાંથી માત્ર ૧૨૦ થી ૧૫૦ ફિલ્મો (લગભગ ૧૦%) એવી હોય છે જેમાં પૈસા સલામત માની શકાય. અમે દર વર્ષે આમાંથી ફક્ત ૧૫ થી ૨૦ ફિલ્મોમાં જ રોકાણ કરીએ છીએ. આ કડક પસંદગીને કારણે પ્રોડક્શન અને વિશ્વસનીયતાનું જોખમ મોટાભાગે ઘટી જાય છે. જ્યારે ડિલે રિસ્ક અમારા નિયંત્રણની બહાર છે.
તમારી કારકિર્દીમાં સૌથી પડકારજનક મીડિયા અને એન્ટરટેઇનમેન્ટ ફાઇનાન્સીંગ ડીલ કઈ રહી અને તેમાં મુખ્ય પડકાર શું હતો? થોડા હાસ્ય સાથે શ્રી વિવેક મેનનએ કહ્યું કે, બેંક સાથે સંકળાયેલા હોવાથી ચોક્કસ ફિલ્મોના નામ જાહેર કરી શકાતા નથી. જોકે, અમને અનેક ફિલ્મોમાં પડકારો આવ્યા હતા. મુખ્યત્વે ડિલે અને કમ્પ્લીશન રિસ્ક જેવા પડકારોનો સામનો કરવો પડ્યો હતો. આ બધા પડકારોને અમે સારી રીતે મેનેજ કર્યા. પરિણામે કોઈ પણ ફભ્ખ્ ની સ્થિતિ ઊભી ન થઈ. અમે હંમેશા કાઉન્ટરપાર્ટી (સ્ટુડિયો અથવા પ્લેટફોર્મ) સાથે સતત સંપર્કમાં રહીને પૈસાની વસૂલાત કરી છે. અનુંભવની વાત કરૂં તો, એક ફિલ્મનું બજેટ મૂળ ૮૦ કરોડ હતું પરંતુ કોસ્ટ ઓવરરન થતાં તે ૧૨૦ કરોડ સુધી પહોંચી ગયું (૨૦-૩૦% વધારો). જોકે, અમારું એક્સપોઝર માત્ર ૨૦ કરોડનું હતું. તેથી અમે સુરક્ષિત રહ્યા. એટલે હંમેશા પ્રોજેક્ટની કુલ કિમતની સરખામણીમાં પોતાનું એક્સપોઝર નિયંત્રિત રાખવું જોઈએ. ભલે બજેટ વધી જાય પણ કેશ ફલો એવું હોવું જોઈએ કે જેમાંથી રિપેમેન્ટ સરળતાથી થઈ શકે.
તમારા હિસાબે આ મીડિયા એન્ટરટેઇનમેન્ટ ક્ષેત્રમાં રીલેશનશીપ મેનેજમેન્ટ વધુ મહત્વનું છે કે ફાઇનાસીયલ કે પછી બંને? તેઓનું કહેવું હતું કે, ફિલ્મ ફાઇનાન્સિંગમાં પાયો ફાઇનાન્સિયલ એસેસમેન્ટનો છે. કેશ ફલો આવશે કે નહીં, કંપનીની સ્થિતિ, બેલેન્સ શીટ વગેરે બધું અમે કાળજીપૂર્વક તપાસીએ છીએ. જોકે અંતે રિલેશનશિપ ખૂબ મહત્વનું ભૂમિકા ભજવે છે. પ્રોડ્યૂસર સાથે સતત સંપર્ક જાળવવો જરૂરી છે. તેમનું ઇન્ટેન્ટ (ઇરાદો) અત્યંત મહત્વનું છે. જો પ્રોડ્યૂસરનો ઇરાદો સારું હોય અને સંબંધ મજબૂત હોય તો તેઓ ફાઇનાન્સરનું ધ્યાન રાખે છે. દરેક પ્રોડ્યૂસરને વિકસવું છે અને સારું કામ કરવું છે. તેમને ખબર છે કે જો તેઓ ફાઇનાન્સિયલ સંસ્થાઓને સમયસર પેમેન્ટ કરે અને રિપેમેન્ટનું ધ્યાન રાખે તો ભવિષ્યમાં વધુ ફંડિગ મેળવી શકશે. આને કારણે પ્રોડ્યૂસરોમાં શિસ્ત આવે છે. સંસ્થાઓ સાથેનું સારું રિલેશનશિપ આ ક્ષેત્રમાં ખૂબ મોટી ભૂમિકા ભજવે છે.
AI ની ટેકનોલોજીના વધતા ઉપયોગથી ફિલ્મ નિર્માણ અને તેના ફાઇનાન્સીંગ પર શું અસર પડી શકે? તેઓ કહે છે, ફિલ્મ ઉદ્યોગ સર્જનાત્મક ક્ષેત્ર છે. આ વાત ખ્ત્ પણ સમજે છે. કૃત્રિમ બુદ્ધિ માનવની સર્જનાત્મક વિચારપ્રક્રિયાને ક્યારેય બદલી શકશે નહીં. તે માત્ર ફિલ્મ નિર્માણની પ્રક્રિયાને વધુ કાર્યક્ષમ અને ઝડપી બનાવી શકે છે. ઉદાહરણ તરીકે શૂટિગ પૂરું થયા પછી એડિટિગ અને અન્ય કાર્યોમાં અત્યારે છ મહિના જેટલો સમય લાગી જાય છે. AI આ પ્રક્રિયાને સરળ અને ઝડપી બનાવી શકે છે. પરંતુ જે મૂળ સર્જનાત્મક વિચાર છે તે માનવ મનની વસ્તુ છે. તેને આઈ ક્યારેય રિપ્લેસ કરી શકશે નહીં.
આજના જેન-ઝી AIF ના ક્ષેત્રમાં પ્રવેશ કરવા માંગતા હોય તો તેને તમે શું સલાહ આપવા માંગશો? શ્રી વિવેક મેનનએ જણાવ્યું કે, અલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ ફંડ (AIF) આજે ફાઇનાન્સિયલ સેક્ટરમાં સૌથી ઝડપથી વિકસતું ક્ષેત્ર બની ગયું છે. બેન્કો અને NBFC ઓ RBI ના નિયમન હેઠળ કામ કરે છે તેથી ઘણી પ્રકારની ફંડિગ અને ઇન્વેસ્ટમેન્ટ તેઓ કરી શકતા નથી. આવી જરૂરિયાતો પૂરી કરવા માટે AIF નું એક મોટું ઇકોસિસ્ટમ અસ્તિત્વમાં આવ્યું છે. આ ક્ષેત્રમાં છેલ્લા ત્રણ-ચાર વર્ષમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે. ત્રણ વર્ષ પહેલાં જે આંકડો અગિયારથી બાર લાખ જેટલો હતો તે આજે સત્તર લાખ સુધી પહોંચી ગયો છે. આ વૃદ્ધિ ચાલુ રહેશે અને AIF સતત વિકસતું રહેશે. જે લોકો ફાઇનાન્સિયલ ઇન્ડસ્ટ્રી કે ઇન્વેસ્ટમેન્ટ ક્ષેત્રમાં કરિયર બનાવવા માંગે છે તેમના માટે આ એક સારું વિકલ્પ છે. બેન્કિંગ અનુભવ ધરાવતા ઘણા લોકો વધુ વિકાસ માટે AIF ક્ષેત્રમાં આવી રહ્યા છે.
તમે વ્યક્તિગત અને વ્યવસાયિક તરીકે આ ઇન્ડસ્ટ્રીને આગામી પાંચ વર્ષ માટે કેવી રીતે જુઓ છો? શ્રી વિવેકજી કહે છે, મીડિયા અને ફિલ્મ ઉદ્યોગ આજે જ્યાં છે ત્યાંથી આગામી પાંચ વર્ષમાં મોટા પરિવર્તન આવશે. ખ્ત્ ફિલ્મ નિર્માણની પ્રક્રિયાને વધુ સુધારશે. સાથે જ ઉત્પાદન કંપનીઓની સંખ્યા વધશે અને તેમાં ઇક્વિટી રોકાણ પણ આવશે. આજે જે પાંચ-છ કંપનીઓની વાત થાય છે તે સંખ્યા વધશે. આ સાથે ઉદ્યોગમાં વ્યાવસાયિકતા, શિસ્ત અને પારદર્શિતા પણ વધશે. સૌથી મહત્વની વાત એ છે કે ભારતમાં OTT પ્લેટફોર્મનું રોકાણ આગામી પાંચ વર્ષમાં ઓછામાં ઓછું બમણું થશે. નેટફિલક્સ, એમેઝોન, હોટસ્ટાર જેવા પ્લેટફોર્મનું રોકાણ વધશે. એપલ ટીવી જેવા નવા પ્લેટફોર્મ પણ ભારતમાં આવી શકે છે કારણ કે અહીં કન્ટેન્ટનો ખર્ચ અમેરિકા કે યુકેની સરખામણીમાં ઘણો ઓછો છે. આથી વધુ પ્લેટફોર્મ આવશે અને ફિલ્મમેકર્સની સંખ્યા પણ વધશે. પાંચ વર્ષ પહેલાં નાના હતા તેવા ઘણા ફિલ્મમેકર્સ આજે મોટા બની ગયા છે. આજના નાના ફિલ્મમેકર્સ પણ મોટા સ્કેલ પર પહોંચશે. પ્રોજેક્ટનું કદ પણ વધી રહ્યું છે. રામાયણ ફિલ્મ જેવા પ્રોજેક્ટનું બજેટ હવે ચાર હજાર કરોડ સુધી પહોંચી ગયું છે. ફિલ્મોનો ખર્ચ સતત વધતો રહેશે. જે પ્રોજેક્ટમાં સંભાવના હોય, વેચાણની ક્ષમતા અને પૂર્ણતાની ખાતરી હોય તેવા પ્રોજેક્ટને ફંડ સપોર્ટ કરી શકે છે. પરંતુ રોકાણકારોના પૈસાની જવાબદારીને ધ્યાનમાં રાખીને જ કામ કરવું પડે છે. સેલેબિલિટી કે પૂર્ણતામાં સમસ્યા દેખાય તો અભિગમ રૂઢિચુસ્ત રહે છે.ᅠ
OTT એ ઉદ્યોગમાં મોટી અવરોધક દીવાલો તોડી નાખી છે. પહેલાં થિયેટરિકલ સ્કેલ ન હોય તો વાર્તા નહોતી ચાલતી. આજે સારી વાર્તા હોય તો નેટફિલક્સ કે એમેઝોન જેવા પ્લેટફોર્મ તેને સપોર્ટ કરે છે. જમતારા અને મુસાફિર કેફે ફિલ્મ જેવા ઉદાહરણો આ વાત સાબિત કરે છે. પહેલાં ઉદ્યોગમાં ૧૦-૨૦ પ્રોડ્યુસર હતા આજે ૫૦-૬૦ સુધી પહોંચી ગયા છે. આ વધારો મોટે ભાગે OTT ને આભારી છે. પંકજ ત્રિપાઠી, પ્રતીક ગાંધી જેવા અભિનેતાઓને પણ OTT દ્વારા વૈશ્વિક ઓળખ મળી છે. ભારતીય વાર્તા કહેવાની ક્ષમતા વૈશ્વિક સ્તરે સંબંધિત છે તેથી આ તકો વધી રહી છે. સૌથી મહત્વની વાત એ છે કે આ ક્ષેત્ર હવે રોકાણલાયક વિકલ્પ બની ગયું છે. પહેલાં જોખમ ફક્ત હિટ કે ફલોપ પર આધારિત હતું. આજે OTT , મ્યુઝિક રાઇટ્સ અને ડબ રાઇટ્સ જેવા પરિબળોને કારણે જોખમ ઘટ્યું છે. સંસ્થાકીય અને રૂઢિચુસ્ત અભિગમ સાથે સુવ્યવસ્થિત રીતે કામ કરવામાં આવે તો રોકાણકારોને સતત અને સારું વળતર આપી શકાય છે.
અકિલાના આંગણે NV CAPITAL ના મેનેજીંગ પાર્ટનર શ્રી વિવેક મેનન સાથે યસ બેન્કના સીનિયર વાઇસ પ્રેસીડેન્ટ કલસ્ટર હેડ (સૌરાષ્ટ્ર) શ્રી દિપકભાઇ મેંદપરા, યસ બેન્ક રાજકોટના બ્રાન્ચ મેનેજર શ્રી મનીષભાઇ ઉનડકટ, યસ બેન્કના સિક્યુરીટિજ રિજનલ હેડ શ્રી મૃગેશભાઇ ધોળકિયા ઉપસ્થિત રહ્યા હતા.
યસ બેન્ક દ્વારા હંમેશા ગ્રાહક વિશ્વાસ અને નાણાકીય શિસ્તને પ્રાથમિકતાઃ દિપક મેંદપરા
યસ બેન્કના સીનીયર વાઇસ પ્રેસીડન્ટ ક્લસ્ટર હેડ (સૌરાષ્ટ્ર) શ્રી દિપકભાઇ મેંદપરાએ જણાવ્યું હતું કે, ફાઇનાન્સિંગ ક્ષેત્રમાં માત્ર પ્રોડક્ટ કે રોકાણની સંભાવના જ નહીં, પરંતુ ગ્રાહક સાથેનો લાંબા ગાળાનો સંબંધ અને વિશ્વાસ પણ મહત્વપૂર્ણ હોવાનું જણાવાયું છે. કોઈ પણ એવું નાણાકીય ઉત્પાદન ગ્રાહક સમક્ષ રજૂ ન કરવું જોઈએ જેના કારણે ગ્રાહકનો સંસ્થા સાથેનો વિશ્વાસ કે સંબંધ ખરાબ થાય. યસ બેન્ક દ્વારા વિકાસ માટે સતત સારું કામ કરવું, કામગીરી જાળવી રાખવી અને રોકાણકારોમાં વિશ્વાસ ઊભો કરવો એ મુખ્ય પ્રાથમિકતા રહી છે. એક ફંડ સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ બીજા ફંડ તરફ આગળ વધવાની અને ત્યારબાદ ત્રીજા ફંડ માટે તૈયારી કરવાની પ્રક્રિયા પણ આ જ વિશ્વાસના આધારે આગળ વધે છે. ફિલ્મ ફાઇનાન્સિંગ જેવા વિશિષ્ટ ક્ષેત્રમાં રોકાણ કરતાં પહેલાં ફંડ મેનેજરનો અનુભવ, પ્રતિષ્ઠા, ક્ષેત્રની સમજ અને પ્રોજેક્ટ પસંદ કરવાની કુશળતા મહત્વપૂર્ણ ગણાય છે. આ ક્ષેત્રમાં સામાન્ય નાણાકીય સમજ ઉપરાંત ફિલ્મ ઉદ્યોગના કેશ ફલો, રાઇટ્સ અને પ્રોજેક્ટની કામગીરી સમજવાની વિશેષ કુશળતા જરૂરી બને છે. યસ બેન્ક દ્વારા રોકાણ કરાયેલી રકમ અને તેમાંથી થતી નાણાકીય હિલચાલ પર નિયંત્રણ રાખવા માટે એસ્ક્રો આધારિત વ્યવસ્થા અપનાવવામાં આવે છે. એસ્ક્રો ખાતામાં પ્રોજેક્ટ સંબંધિત કેશ ફલોનું નિયંત્રણ રાખવાથી નાણાં ક્યાંથી આવી રહ્યા છે અને ક્યાં ઉપયોગમાં લેવાઈ રહ્યા છે તેની દેખરેખ રાખી શકાય છે. આ વ્યવસ્થાનો હેતુ ફંડના નાણાંનો યોગ્ય ઉપયોગ થાય, રોકડ પ્રવાહ પર નિયંત્રણ રહે અને રોકાણકારની મૂડી સાથે સંબંધિત દરેક નાણાકીય વ્યવહાર પારદર્શક રીતે ટ્રેક કરી શકાય તે સુનિヘતિ કરવાનો છે. આ રીતે ગ્રાહક વિશ્વાસ, અનુભવી ફંડ મેનેજમેન્ટ, યોગ્ય પ્રોજેક્ટ પસંદગી અને એસ્ક્રો આધારિત નાણાકીય નિયંત્રણને ફંડની કામગીરીના મહત્વના આધારસ્તંભ તરીકે જોવામાં આવે છે.
ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં યસ બેન્કનો શૂન્ય NPA નો ટ્રેક રેકોર્ડ
ફિલ્મ ઉદ્યોગને સામાન્ય રીતે જોખમી ક્ષેત્ર તરીકે જોવામાં આવે છે પરંતુ યોગ્ય પ્રોજેક્ટની પસંદગી અને અત્યંત સંયમિત નાણાકીય અભિગમથી આ જોખમને નિયંત્રિત કરી શકાય છે એવો અનુભવ મીડિયા-એન્ટરટેઇનમેન્ટ ક્ષેત્રમાં લાંબા સમયથી ફાઇનાન્સિંગ સાથે સંકળાયેલા NV CAPITAL ના મેનેજીંગ પાર્ટનર શ્રી વિવેક મેનનએ વ્યક્ત કર્યો છે. તેમના જણાવ્યા મુજબ, શરૂઆતથી જ ફિલ્મ ફાઇનાન્સિંગમાં અત્યંત સંયમિત અને બેન્કિંગ આધારિત અભિગમ અપનાવવામાં આવ્યો હતો. પ્રોજેક્ટની કુલ કિમત સામે કેટલું ફાઇનાન્સિંગ કરવું, કયાસ્ત્રોતમાંથી નાણાં પરત આવવાના છે અને રોકાણ સામે પૂરતી સુરક્ષા છે કે નહીં તેનું વિગતવાર મૂલ્યાંકન કરીને જ નિર્ણય લેવામાં આવતો હોય છે. આ અભિગમના પરિણામે છેલ્લા ૧૮ વર્ષમાં એટલે કે ૨૦૦૮ થી અત્યાર સુધીમાં આશરે રૂ. ૯૫૦ કરોડથી વધુનું ફિલ્મ ફાઇનાન્સિંગ કરવામાં આવ્યું છે. જેમાં યસ બેન્કના માધ્યમથી ૭૫૦ કરોડનું ફંડીંગ કરાયુ છે. આ સમયગાળા દરમિયાન ૬૫ થી ૭૦ જેટલી ફિલ્મોને ફાઇનાન્સિંગ કરવામાં આવ્યું હોવાનું પણ જણાવ્યું હતું. સૌથી મહત્વપૂર્ણ બાબત તરીકે અત્યાર સુધી કોઈ ‘‘નોન-પરફોર્મિગ એસેટ (NPA)''ની સ્થિતિ ઊભી થઈ નથી અને શૂન્ય NPA નો ટ્રેક રેકોર્ડ રહ્યો છે. જેમાં યસ બેન્કનો પણ શૂન્ય NPA નો ટ્રેક રેકોર્ડ રહ્યો છે.
ફિલ્મોમાં સંસ્થાગત
ફાઇનાન્સિંગ માટે નવી તકો છે..
NV CAPITAL ના મેનેજીંગ પાર્ટનર શ્રી વિવેક મેનને અકિલા ખાતે જણાવ્યું હતું કે, ફિલ્મ ઉદ્યોગમાં સંસ્થાગત ફાઇનાન્સિંગ માટે નવી તકો ઊભી થઈ રહી છે. હિન્દી ઉપરાંત તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડ ફિલ્મ ઉદ્યોગમાં ફિલ્મ રિલીઝ પહેલાં જ તેના ઓટીટી, ટીવી, મ્યુઝિક, ડબિગ અને અન્ય હક્કોના પ્રી-સેલ્સ થવાની પરંપરા વિકસિત થઈ છે. તેના કારણે ફિલ્મનું પ્રોડક્શન પૂર્ણ થાય તે પહેલાં જ આવકના કેટલાકસ્ત્રોત નિヘતિ થઈ શકે છે. જ્યારે ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં આ પ્રકારનું પ્રી-સેલ્સનું માળખું હજુ વિકાસના તબક્કામાં છે. ખાસ કરીને ઓટીટી પ્લેટફોર્મ દ્વારા ફિલ્મ રિલીઝ પહેલાં હક્કો ખરીદવાને બદલે ઘણી વખત ફિલ્મ થિયેટરમાં કેવું પ્રદર્શન કરે છે તેના આધારે હક્કોની ખરીદી થાય છે. જોકે ગુજરાતી સિનેમાનું બજાર ધીમે ધીમે વધુ પરિપક્વ બની રહ્યું છે. આ બદલાવ સાથે ગુજરાતી ફિલ્મો માટે સંસ્થાગત મૂડી અને ફંડિગના નવા વિકલ્પો ઊભા થવાની શક્યતા પણ વધી રહી છે. ફિલ્મ ઉદ્યોગમાં આવા ફંડના પ્રવેશથી બે મહત્વના ફેરફાર થઈ શકે છે. એક તરફ સારા પ્રોજેક્ટ ધરાવતા નિર્માતાઓને પરંપરાગત ખાનગી ફાઇનાન્સિંગની બહારથી મૂડી મેળવવાનો વિકલ્પ મળશે અને બીજી તરફ ફિલ્મ ઉદ્યોગ અંગે રોકાણકારોમાં રહેલી જોખમની માન્યતા પણ બદલાઈ શકે છે. જો ગુજરાતી ફિલ્મોમાં પણ ઓટીટી, ટીવી, મ્યુઝિક અને અન્ય હક્કોના પ્રી-સેલ્સનું બજાર વધુ વિકસે તો ફાઇનાન્સરો માટે પ્રોજેક્ટનું મૂલ્યાંકન કરવું સરળ બની શકે છે અને રોકાણ સામેના જોખમને પણ વધુ વ્યવસ્થિત રીતે માપી શકાય. આથી ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ માટે હવે માત્ર ફિલ્મોની સંખ્યા વધારવી જ નહીં પરંતુ સુવ્યવસ્થિત ફાઇનાન્સિંગ, પ્રી-સેલ્સનું માળખું, પારદર્શક નાણાકીય વ્યવસ્થા અને સંસ્થાગત મૂડીનો પ્રવેશ પણ આગામી તબક્કાના વિકાસ માટે મહત્વપૂર્ણ બની શકે છે.
ફિલ્મ ફાયનાન્સીંગમાં શું છે ‘‘NV CAPITAL'' અને ‘‘AIF''..?
મીડિયા એન્ટરટેઇનમેન્ટ અને બેન્કિંગ ક્ષેત્રના જાણીતા નિષ્ણાત શ્રી વિવેક મેનને બે દાયકાની શાનદાર કારકિર્દી બાદ કન્ટેન્ટ ફાઇનાન્સિંગ ક્ષેત્રે નવો ઇતિહાસ રચ્યો છે. તેઓ સેબી રજિસ્ટર્ડ અલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ ક્રેડિટ ફંડ (AIF) ‘‘NV CAPITAL'' ના સહ-સ્થાપક (Co-Founder) છે. આ ફંડ ભારતનું પ્રથમ થીમેટિક CAT II AIF છે જે ખાસ કરીને મનોરંજન ક્ષેત્રે ફિલ્મ અને OTT કન્ટેન્ટ પ્રોજેક્ટ્સમાં રોકાણ કરવા માટે કેન્દ્રિત છે. NV Capital એ તાજેતરમાં જ પોતાની પ્રથમ સ્કીમનું ફાઇનલ ક્લોઝિંગ રૂ. ૧૫૦ કરોડના કમિટમેન્ટ્સ સાથે પૂર્ણ કર્યું છે અને હવે તે ‘સ્કીમ ૨' લોન્ચ કરવાની પ્રક્રિયામાં છે. આ ફંડે અત્યાર સુધીમાં ૧૮ થી વધુ પ્રોજેક્ટ્સમાં સફળતાપૂર્વક રોકાણ કર્યું છે, જેમાંથી ૬ પ્રોજેક્ટ્સમાંથી એક્ઝિટ પણ મેળવી લીધી છે. હાલમાં આ ફંડનો આંતરિક વળતર દર (IRR) ૧૮ ટકાથી વધુ રહ્યો છે. NV Capital દ્વારા રોકાણ કરાયેલા પ્રોજેક્ટ્સમાં બોલિવૂડના દિગ્ગજ કલાકારોની ફિલ્મો, પ્રાદેશિક ભાષાઓની બ્લોકબસ્ટર ફિલ્મો તથા વિવિધ ભાષાઓના અસંખ્ય મનોરંજન પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે.
શ્રી વિવેક મેનન કહે છે, મીડિયા અને એન્ટરટેનમેન્ટ ફાઇનાન્સિંગનું ક્ષેત્ર મને ખૂબ ગમતું હતું. ફિલ્મોને ફાઇનાન્સ કરવાનો જુસ્સો હંમેશા રહ્યો. આ કારણે NV Capital શરૂ કરવાનો વિચાર આવ્યો. બેંકમાં કામ કરતી વખતે અનેક સારા પ્રોજેક્ટ્સ રિસ્ક ડિપાર્ટમેન્ટ દ્વારા નકારાઈ જતા હતા. અમને ખાતરી હતી કે આ પ્રોજેક્ટ્સ કરવા જોઈએ. પછીથી તે પ્રોજેક્ટ્સ સફળતાપૂર્વક રિલીઝ થયા અને અન્ય ફાઇનાન્સર્સને પૈસા પાછા મળ્યા. આ અનુભવથી અમને પૂરો વિશ્વાસ થયો કે અમારી પ્રોજેક્ટ પસંદગી સાચી છે. નિર્ણય લેવાની સ્વતંત્રતા, જે પ્રોજેક્ટમાં વિશ્વાસ હોય તેને ફંડિગ કરવું અને ઇન્વેસ્ટર્સને આ ક્ષેત્રમાં રોકાણની તક આપવી. આમ, પોતાના નિર્ણયો પર નિયંત્રણ રાખીને અને વિશ્વાસપૂર્વક કામ કરીને પૈસા પાછા મળે તે હેતુથી NV Capital શરૂ કરવામાં આવ્યું.
જ્યારે અલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ ક્રેડિટ ફંડ ‘‘AIF''માર્કેટ વિશે તેઓએ જણાવ્યું કે, આ AIF સેબીના નિયમન હેઠળ આવે છે. સેબી હેઠળ મ્યુચ્યુઅલ ફંડ, પીએમએસ, એસઆઇએફ અને AIF એમ ચાર મુખ્ય પ્રોડક્ટ્સ છે. AIF ની ત્રણ કેટેગરી છે, જેમાં અમે કેટેગરી-૨ (ક્રેડિટ ફંડ)માં આવીએ છીએ. આજે ભારતમાં AIF માર્કેટ લગભગ ૧૭ લાખ કરોડનું છે. જ્યારે મ્યુચ્યુઅલ ફંડ માર્કેટ ૮૫ લાખ કરોડનું છે. AIF એ સૌથી ઝડપથી વિકસતા ક્ષેત્રોમાંનું એક છે. હાલમાં ૨૦૦૦ થી વધુ AIF છે. કોવિડ પછી તેનો વિકાસ ખાસ કરીને વધ્યો છે. AIFમાં ન્યૂનતમ રોકાણ ૧ કરોડ રૂપિયાનું છે. આ HNI (હાઈ નેટવર્થ ઇન્ડિવિજ્યુઅલ) કેટેગરી માટે બનાવવામાં આવ્યું છે. જે લોકો મ્યુચ્યુઅલ ફંડમાં મળતા ૧૨-૧૫% રિટર્નથી વધુ રિટર્ન મેળવવા માંગે છે અને થોડું વધુ જોખમ લેવા તૈયાર છે તેમના માટે આ વિકલ્પ છે. જ્યારે શેરબજારમાં ઉતાર-ચઢાવ થાય, વૈશ્વિક સ્તરે કોઈ મોટી ઘટના બને, RBI વ્યાજદર બદલે, કોમોડિટી માર્કેટમાં ફેરફાર થાય તો ફંડને અસર થાય છે જ્યારે AIF ફંડના રોકાણ પર આવી કોઇ સીધી અસર થતી નથી. આ પોર્ટફોલિયો ઇક્વિટી અને ડેબ્ટ માર્કેટથી અલગથી કામ કરે છે. અમારું પ્રોડક્ટ ફિક્સ્ડ ઇન્કમ (વ્યાજ આધારિત) પ્રકારનું છે. તેથી જે ઇન્વેસ્ટર્સને ફિક્સ્ડ ઇન્કમમાં વધુ રિટર્ન જોઈએ છે તેમના માટે આ યોગ્ય વિકલ્પ બની શકે છે.
(3:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
