તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 12th April 2026
મહિલા અનામત બિલ પર આરપારની લડાઈ: પીએમ મોદીએ પક્ષો પાસે માગ્યો સહયોગ, ખડગેએ ‘ચૂંટણી લક્ષી ઉતાવળ’ ગણાવીને સરકારને ઘેરી
સંસદના ખાસ સત્ર પૂર્વે વડાપ્રધાનનો વિપક્ષી નેતાઓને પત્ર: 2029ની ચૂંટણીમાં મહિલાઓને હક આપવા ‘એક અવાજે’ સુધારા વધાવવા અપીલ, જ્યારે કોંગ્રેસે સીમાંકનના મુદ્દે સર્વપક્ષીય બેઠક બોલાવવાની માગ પર મૂક્યો ભાર

નવી દિલ્હી: ભારતીય સંસદમાં 16 થી 18 એપ્રિલ દરમિયાન યોજાનારી ત્રણ દિવસીય ખાસ બેઠક પૂર્વે દેશનું રાજકીય તાપમાન ચરમસીમાએ પહોંચ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ રાજકીય પક્ષોના વડાઓને પત્ર લખીને મહિલા અનામત અધિનિયમ, 2023માં સૂચિત સુધારાઓને સર્વાનુમતે મંજૂરી આપવા ભાવુક અપીલ કરી છે. પીએમ મોદીએ પોતાના પત્રમાં ભારપૂર્વક જણાવ્યું છે કે, ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે મહિલાઓનું નેતૃત્વ અનિવાર્ય છે અને 2029ની લોકસભા તેમજ વિધાનસભાની ચૂંટણીઓ મહિલા અનામત સાથે યોજવી એ આપણી નૈતિક જવાબદારી છે. સરકાર હવે સીમાંકન પ્રક્રિયાને નવી વસ્તી ગણતરીની રાહ જોયા વગર 2011ના આંકડાઓ સાથે જોડીને વહેલી તકે અમલી બનાવવા માંગે છે, જેનો ઉદ્દેશ્ય મહિલાઓને જલદી સશક્ત કરવાનો છે.
જોકે, સરકારની આ ‘ઉતાવળ’ સામે વિપક્ષી છાવણીમાં ગંભીર આશંકાઓ સેવાઈ રહી છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાનના પત્રનો કડક શબ્દોમાં જવાબ આપતા આક્ષેપ કર્યો છે કે, જ્યારે દેશના વિવિધ ભાગોમાં વિધાનસભાની ચૂંટણીઓ ચાલી રહી છે ત્યારે ખાસ સત્ર બોલાવવું એ માત્ર રાજકીય લાભ ખાટવાનો જ પ્રયાસ છે. ખડગેએ સરકારને યાદ અપાવ્યું હતું કે 30 મહિના પહેલા જ્યારે આ બિલ પસાર થયું હતું ત્યારે કોંગ્રેસે જ તેના તાત્કાલિક અમલની માગ કરી હતી, પરંતુ સરકારે તેને જાણી જોઈને લંબાવ્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું કે સીમાંકન જેવા સંવેદનશીલ મુદ્દા પર, જે કેન્દ્ર અને રાજ્યોના સંબંધોને અસર કરે છે, પૂરતી ચર્ચા અને પારદર્શિતા વગર આગળ વધવું એ લોકશાહીના મૂળભૂત માળખા વિરુદ્ધ છે.
ખડગેએ પોતાની માગણી દોહરાવતા જણાવ્યું હતું કે, જો સરકાર ખરેખર મહિલાઓનું ભલું ઈચ્છતી હોય તો તેણે 29 એપ્રિલના રોજ વર્તમાન ચૂંટણી તબક્કાઓ પૂર્ણ થયા બાદ તમામ પક્ષો સાથે મળીને સર્વપક્ષીય બેઠક બોલાવવી જોઈએ. તેમણે સીમાંકન કવાયતની વિગતો જાહેર ન કરવા બદલ સરકારની આકરી ટીકા કરી અને કહ્યું કે જરૂરી ડેટા વિના કોઈ પણ અર્થપૂર્ણ ચર્ચા શક્ય નથી. બીજી તરફ, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાની અધ્યક્ષતામાં ગૃહની કાર્યવાહી ચલાવવા માટેની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. હવે 16 એપ્રિલથી શરૂ થનારી આ ખાસ બેઠકમાં સત્તાધારી પક્ષ અને વિપક્ષ વચ્ચે મહિલાઓના અધિકારો અને કાયદાકીય ટેકનિકલ મુદ્દાઓ પર કેવા પ્રકારનો જંગ ખેલાય છે, તેના પર સમગ્ર દેશની મીટ મંડાયેલી છે.
(12:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
