તા. ૭ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૨ શુક્રવાર
News of Saturday, 2nd May 2026
કર્ણાટક કોંગ્રેસમાં 'ખુરશી' માટે જંગ: શિવકુમાર આસામમાં નેતાઓને સાચવી રહ્યા છે અને બેંગલુરુમાં મુખ્યમંત્રી બનવાની ચર્ચાએ જોર પકડ્યું!
શું 15 મે ના રોજ શિવકુમારને મળશે જન્મદિવની મોટી ભેટ? સિદ્ધારમૈયા અને ડી.કે. વચ્ચેની સત્તાની ખેંચતાણમાં હાઈકમાન્ડ પર નજર

બેંગલુરુ: કર્ણાટકના રાજકારણમાં ફરી એકવાર મુખ્યમંત્રી પદને લઈને અંદરખાને મચેલો ગરમાવો સપાટી પર આવ્યો છે. એક તરફ ડેપ્યુટી સીએમ ડી.કે. શિવકુમાર હાલમાં આસામમાં કોંગ્રેસના નેતાઓને એકજૂથ રાખવા અને ચૂંટણી પરિણામો પહેલા 'રિસોર્ટ પોલિટિક્સ'ની તૈયારીઓમાં વ્યસ્ત છે, તો બીજી તરફ કર્ણાટકમાં તેમને મુખ્યમંત્રી બનાવવાની માંગ તેજ થઈ ગઈ છે. રાજ્યના ગૃહમંત્રી જી. પરમેશ્વરે શનિવારે આપેલા નિવેદન બાદ રાજકીય ગલિયારાઓમાં અટકળોનું બજાર ગરમ થયું છે.
શિવકુમારની આકાંક્ષા અને પરમેશ્વરનું 'ગુડ લક'
ગૃહમંત્રી જી. પરમેશ્વરે જણાવ્યું હતું કે, ડી.કે. શિવકુમાર પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ હોવાના નાતે મુખ્યમંત્રી બનવાની ઈચ્છા રાખે તે સ્વાભાવિક છે. તેમણે શિવકુમારને "ગુડ લક" કહેતા ઉમેર્યું કે, "અમે સારા મિત્રો છીએ અને તેમની ઈચ્છા સામે કોઈને વાંધો હોઈ શકે નહીં, પરંતુ અંતિમ નિર્ણય તો દિલ્હી બેઠેલું હાઈકમાન્ડ જ લેશે." આ નિવેદનને સત્તા પરિવર્તનના સંકેત તરીકે જોવામાં આવી રહ્યું છે.
આસામમાં શિવકુમારનું 'ઓપરેશન એકતા'
કર્ણાટકમાં ભલે સત્તા પરિવર્તનની ચર્ચાઓ ચાલતી હોય, પણ હાઈકમાન્ડ અત્યારે શિવકુમારની સંગઠન ક્ષમતાનો ઉપયોગ આસામમાં કરી રહ્યું છે. ૪ મે ના રોજ જાહેર થનારા પરિણામો પહેલાં કોંગ્રેસને ડર છે કે તેમના જીતેલા ધારાસભ્યો પાલો ન બદલી લે. આથી, હોટલ પોલિટિક્સના નિષ્ણાત ગણાતા શિવકુમારને આસામના નેતાઓનું મનોબળ વધારવા અને તેમને એકજૂથ રાખવાની જવાબદારી સોંપાઈ છે.
૧૫ મે ની 'ડેડલાઇન' અને અસલી વિવાદ
૨૦૨૩ની વિધાનસભા ચૂંટણી જીત્યા બાદ એવા અહેવાલો હતા કે સિદ્ધારમૈયા અને શિવકુમાર વચ્ચે સત્તાની વહેંચણી (Power Sharing)નો કરાર થયો હતો. હવે શિવકુમારના સમર્થકો દાવો કરી રહ્યા છે કે ૧૫ મે ના રોજ ડી.કે. શિવકુમારનો જન્મદિવસ છે અને તે દિવસે હાઈકમાન્ડ તરફથી કોઈ "સારા સમાચાર" મળી શકે છે. જોકે, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગેએ સ્પષ્ટ કર્યું છે કે નેતૃત્વ પરિવર્તનની કોઈ તારીખ હજુ નક્કી નથી અને સોનિયા ગાંધી તથા રાહુલ ગાંધી સાથે મળીને જ આ અંગે નિર્ણય લેવાશે.
(10:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
