<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th November 2026

૨૫ દિ'માં બાવન લાખ લગ્નો થશેઃ ૭.૫૦ લાખ કરોડનો વેપાર થશે

જ્‍વેલરી, કપડાં, કરિયાણા, મીઠાઈઓ, હોટેલ, કેટરિંગ, ઇલેક્‍ટ્રોનિક્‍સ, ડેકોરેશન, ફોટોગ્રાફી અને ઇવેન્‍ટ-મેનેજમેન્‍ટ જેવા બિઝનેસમાં તેજી આવવાની અપેક્ષા

નવી દિલ્‍હી,તા.૨૦: દેવઉઠી એકાદશીની સાથે આપણા દેશમાં આ વર્ષે લગ્નની મોસમ શરૂ થશે. કન્‍ફેડરેશન ઑફ ઑલ ઇન્‍ડિયા ટ્રેડર્સ (CAIT)ના અંદાજ મુજબ ૨૧ નવેમ્‍બરથી ૧૫ ડિસેમ્‍બરના સમયગાળામાં દેશભરમાં આશરે બાવન લાખ લગ્નો થશે, જેનાથી ૭.૫૦ લાખ કરોડ રૂપિયાનું ટર્નઓવર થવાનો અંદાજ છે.

નોંધપાત્ર રીતે ફક્‍ત દિલ્‍હી-NCR (નેશનલ કેપિટલ રીજન)માં જ આશરે પાંચ લાખ લગ્નો અને ૨.૫૦ લાખ કરોડ રૂપિયાનું ટર્નઓવર થવાની ધારણા છે. જ્‍વેલરી, કપડાં, કરિયાણા, મીઠાઈઓ, હોટેલ, કેટરિગ, ઇલેક્‍ટ્રોનિક્‍સ, ડેકોરેશન, ફોટોગ્રાફી અને ઇવેન્‍ટ-મેનેજમેન્‍ટ જેવા બિઝનેસમાં તેજી આવવાની અપેક્ષા છે. આ લગ્નની મોસમમાં અંદાજે ૧.૨૫ કરોડ કામચલાઉ રોજગારની તકો પણ ઊભી થઈ શકે છે. આનો અર્થ એ થયો કે લગ્નના ઉત્‍સવોની સાથે, બજારોમાં પણ જબરદસ્‍ત ગતિવિધિ જોવા મળશે.

આ લગ્નની મોસમમાં ભારતીય વેપારીઓ, માઇક્રો, સ્‍મોલ એન્‍ડ મીડિયમ એન્‍ટરપ્રાઇઝિસ (MSME), કારીગરો, ખેડૂતો અને સ્‍થાનિક ઉદ્યોગસાહસિકો માટે મોટી સંભાવનાઓ રહેલી છે. જો પરિવારો સ્‍વદેશી ઉત્‍પાદનો અને સ્‍થાનિક વ્‍યવસાયોને પ્રાથમિકતા આપે છે તો આ આર્થિક પ્રવૃત્તિ વડા પ્રધાન નરેન્‍દ્ર મોદીના વોકલ ફોર લોકલ, સ્‍થાનિક, આત્‍મનિર્ભર ભારત અને વિકસિત ભારત માટે સંકલ્‍પને વધુ મજબૂત બનાવી શકે છે.

(10:19 AM IST)