<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th July 2026

​ફિફા વર્લ્ડ કપ ૨૦૨૬: સ્પેન બન્યું વર્લ્ડ ચેમ્પિયન: ફાઇનલમાં આર્જેન્ટીનાને ૧-૦ થી આપી માત: દિલધડક મેચમાં ફેરન ટોરસે એક્સ્ટ્રા ટાઇમ (૧૦૬મી મિનિટ)માં ગોલ ફટકારી સ્પેનને બીજીવાર વિશ્વ વિજેતા બનાવ્યું

​ન્યૂ યોર્ક: ન્યૂયોર્ક-ન્યૂ જર્સીના મેટલાઇફ સ્ટેડિયમમાં રમાયેલી ફિફા વર્લ્ડ કપ ૨૦૨૬ની હાઇ-વોલ્ટેજ ફાઇનલમાં સ્પેને આર્જેન્ટીનાને ૧-૦ થી હરાવી દીધું છે. નિર્ધારિત ૯૦ મિનિટ સુધી બંને ટીમો ગોલ કરવામાં નિષ્ફળ રહી હતી, પરંતુ ૧૦૬મી મિનિટે ફેરન ટોરસે નિર્ણાયક ગોલ કરી સ્પેનને ૨૦૧૦ બાદ બીજો વર્લ્ડ કપ અપાવ્યો. આર્જેન્ટીનાના એન્ઝો ફર્નાન્ડીઝને રેડ કાર્ડ મળતા ટીમે ૧૦ ખેલાડીઓ સાથે રમવું પડ્યું હતું.

ફૂટબોલના મહાકુંભ ફિફા વર્લ્ડ કપ ૨૦૨૬ નો રોમાંચક અંત આવ્યો છે. રવિવારે ન્યૂ યોર્ક-ન્યૂ જર્સીના પ્રતિષ્ઠિત મેટલાઇફ સ્ટેડિયમમાં રમાયેલી ફાઇનલ મેચમાં સ્પેને વર્તમાન ચેમ્પિયન આર્જેન્ટીનાને ૧-૦ થી હરાવીને ફૂટબોલ જગતના તાજ પર બીજી વખત કબજો જમાવ્યો છે. સ્પેન ૨૦૧૦ પછી ફરી એકવાર ફૂટબોલનું વિશ્વ વિજેતા બન્યું છે.

​સ્પેનનું સંપૂર્ણ પ્રભુત્વ અને માર્ટિનેઝની દીવાલ:

મેચની શરૂઆતથી જ સ્પેને બોલ પઝેશન (૬૫ ટકા) પર પોતાની પકડ મજબૂત રાખી હતી. સ્પેને આર્જેન્ટીનાની ગોલ પોસ્ટ પર કુલ ૨૦ શોર્ટ્સ લગાવ્યા હતા. પરંતુ આર્જેન્ટીનાના ગોલકીપર એમીલિયાનો માર્ટિનેઝે પોતાના અદભુત ફોર્મનું પ્રદર્શન કરતા સ્પેનના અનેક હુમલાઓને નિષ્ફળ બનાવ્યા હતા અને કુલ ૧૨ શાનદાર સેવ્ઝ કર્યા હતા. સ્પેનની મજબૂત ડિફેન્સ સામે લિયોનેલ મેસ્સીની ટીમ ૯૦ મિનિટ સુધી એક પણ શોર્ટ ટાર્ગેટ પર લગાવી શકી ન હતી.

​આર્જેન્ટીનાને ફટકો અને રેડ કાર્ડ:

નિર્ધારિત ૯૦ મિનિટનો સમય પૂરો થવાની તૈયારીમાં હતો ત્યારે જ ઇન્જરી ટાઇમ (૯૦+૩ મિનિટ) માં આર્જેન્ટીનાના મિડફિલ્ડર એન્ઝો ફર્નાન્ડીઝને બીજું યલો કાર્ડ (રેડ કાર્ડ) મળતા તેને મેદાનની બહાર જવું પડ્યું હતું. આર્જેન્ટીનાએ બાકીનો સમય ૧૦ ખેલાડીઓ સાથે રમવો પડ્યો, જેનો સ્પેને પૂરો ફાયદો ઉઠાવ્યો.

​ફેરન ટોરસ બન્યો હીરો:

મેચ ૦-૦ ની બરાબરી પર હોવાથી એક્સ્ટ્રા ટાઇમ આપવામાં આવ્યો. ૧૦૬મી મિનિટે નીકો વિલિયમ્સના પાસને પેડ્રો પોરોએ હેડર દ્વારા ફેરન ટોરસ તરફ ધકેલ્યો અને ટોરસે બોલને સીધો જાળીમાં પહોંચાડીને સ્પેનને ૧-૦ ની સરસાઈ અપાવી દીધી, જે અંતે નિર્ણાયક સાબિત થઈ.

​આ વિજય સાથે જ સ્પેનના કેપ્ટન રોડ્રીએ ફિફા વર્લ્ડ કપની ટ્રોફી ઉઠાવી હતી. રોડ્રીને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ (ગોલ્ડન બોલ) નો ખિતાબ પણ એનાયત કરવામાં આવ્યો હતો. 

લિયોનેલ મેસ્સી માટે આ અંતિમ વર્લ્ડ કપ મેચ સાબિત થઈ, જેમાં તેને નિરાશા સાંપડી હતી. અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને ૮૦,૬૬૩ પ્રેક્ષકોની હાજરીમાં સ્પેને શાનદાર જીત નોંધાવી ફૂટબોલના ઇતિહાસમાં પોતાનું નામ સુવર્ણ અક્ષરે લખાવી દીધું છે.

(9:43 AM IST)