<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th April 2026

ફીફા ચીફ જિઆની ઇન્ફેન્ટિનો પીએમ મોદીના રમતપ્રેમ પર આફરીન: સિક્કિમના બાળકો સાથે ફૂટબોલ રમતા પ્રધાનમંત્રીની તસવીર વૈશ્વિક સ્તરે વાયરલ

"ફૂટબોલ ખરેખર વિશ્વને જોડે છે" - ગંગટોકમાં બાળકો સાથે ફૂટબોલ રમતા પીએમ મોદીની ઉર્જા જોઈ ફીફા પ્રમુખ ગદગદિત; ઉત્તર-પૂર્વ ભારતના ફૂટબોલ ક્રેઝની આંતરરાષ્ટ્રીય સ્તરે નોંધ

ગંગટોક : વિશ્વ ફૂટબોલની સર્વોચ્ચ સંસ્થા FIFA ના પ્રમુખ જિઆની ઇન્ફેન્ટિનોએ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના રમતગમત પ્રત્યેના જુસ્સાની મુક્ત કંઠે પ્રશંસા કરી છે. પ્રધાનમંત્રી મોદીએ તાજેતરમાં સિક્કિમની મુલાકાત દરમિયાન ગંગટોકમાં સ્થાનિક બાળકો સાથે ફૂટબોલ રમતા જે સમય વિતાવ્યો હતો, તેની તસવીર ઇન્ફેન્ટિનોએ સોશિયલ મીડિયા પર શેર કરી છે. ફીફા ચીફે પીએમ મોદીના રમતપ્રેમનો સ્વીકાર કરતા કેપ્શનમાં લખ્યું હતું કે, "ફૂટબોલ ખરેખર વિશ્વને જોડે છે."
ગઈકાલે સિક્કિમના ગંગટોકમાં પ્રધાનમંત્રીએ યુવા ખેલાડીઓ સાથે ફૂટબોલ રમીને પોતાની સવારને વધુ ઉર્જાવાન બનાવી હતી. પીએમ મોદીએ પોતે પણ આ ક્ષણોને અદભૂત ગણાવી હતી. ઉત્તર-પૂર્વ ભારતના રાજ્યો જેમ કે સિક્કિમ, મિઝોરમ, મણિપુર અને મેઘાલયમાં ફૂટબોલ માત્ર એક રમત નથી પણ એક જુસ્સો છે. અહીં ક્રિકેટ કરતા પણ ફૂટબોલ વધુ લોકપ્રિય છે. પીએમ મોદીએ બાળકો સાથે મેદાનમાં ઉતરીને આ વિસ્તારના રમતપ્રેમીઓને એક મોટો સંદેશ આપ્યો છે.
ફીફા પ્રમુખ અને પ્રધાનમંત્રી મોદી વચ્ચેના મૈત્રીપૂર્ણ સંબંધો ઘણા જૂના છે. તેઓ અગાઉ પણ અનેક આંતરરાષ્ટ્રીય મંચો પર મળી ચૂક્યા છે. ડિસેમ્બર 2018માં આર્જેન્ટિનામાં આયોજિત G-20 સમિટ દરમિયાન ઇન્ફેન્ટિનોએ પીએમ મોદીને તેમના નામવાળી પર્સનલાઇઝ્ડ ફૂટબોલ જર્સી ભેટમાં આપી હતી. ફીફા ચીફ હંમેશા દક્ષિણ એશિયામાં ફૂટબોલનો વ્યાપ વધારવાના પક્ષધર રહ્યા છે અને ભારત જેવા વિશાળ દેશના નેતા જ્યારે મેદાન પર ઉતરે છે, ત્યારે તેને વૈશ્વિક સ્તરે ફૂટબોલના પ્રચાર માટે એક સકારાત્મક પગલું માનવામાં આવે છે.
પીએમ મોદીના આ અંદાજની સોશિયલ મીડિયા પર ભારે પ્રશંસા થઈ રહી છે. રમત પ્રત્યેનો તેમનો આ લગાવ ભારતના યુવા ખેલાડીઓને પ્રોત્સાહિત કરે છે. ખાસ કરીને 'ખેલો ઈન્ડિયા' જેવા અભિયાન હેઠળ દેશમાં રમતગમતનું જે વાતાવરણ ઉભું થયું છે, તેમાં ફીફા પ્રમુખની આ ટિપ્પણી સોનામાં સુગંધ ભળવા સમાન છે. સિક્કિમના તે યુવા ખેલાડીઓ માટે પણ આ જીવનભરનું સંભારણું બની રહેશે કે દેશના પ્રધાનમંત્રીએ તેમની સાથે ફૂટબોલના મેદાનમાં પરસેવો પાડ્યો હતો.

(8:57 PM IST)