<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th May 2026

જૂની કારના ગોડાઉનમાં ભીષણ આગ, ૪૦૦ કાર ભસ્મીભૂત

મહારાષ્ટ્ર: નાગપુર નજીક આવેલા ખૈરી ગામમાં ભંગાર અને જૂની કારોના એક વિશાળ ગોડાઉનમાં અચાનક વિકરાળ આગ ફાટી નીકળતા કરોડો રૂપિયાના માલસામાનનું નુકસાન થયું છે અને આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

હાલમાં પડી રહેલી ભીષણ ગરમી અને તાપમાનના ઊંચા પારા વચ્ચે બપોરના સમયે ગોડાઉનમાં અચાનક ધુમાડાના ગોટેગોટા ઉઠવા લાગ્યા હતા. જોતજોતામાં જ આગે એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું કે આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. 

 

ગોડાઉનમાં ૪૦૦ થી વધુ જૂની અને સ્ક્રેપમાં કાઢેલી કાર, રબરના ટાયર, ઓઇલ અને અન્ય જ્વલનશીલ સ્પેરપાર્ટ્સનો મોટો જથ્થો હોવાથી આગ ખૂબ જ ઝડપથી ફેલાઈ ગઈ હતી. બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ૧૫ થી વધુ ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવા માટે પાણીનો મારો ચલાવ્યો હતો. 

 

જ્વલનશીલ પદાર્થોને કારણે આગને કાબૂમાં લેવામાં ફાયર ફાઈટરોને ભારે જહેમત ઉઠાવવી પડી હતી. કલાકોની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી શકાયો હતો. સદનસીબે આ ભયાનક દુર્ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિના અહેવાલો નથી, પરંતુ ગોડાઉનમાં પડેલો મોટાભાગનો સામાન બળીને રાખ થઈ ગયો છે. 

 

આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી, પરંતુ શોર્ટ સર્કિટ કે ભારે ગરમીને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે.

(9:59 AM IST)