તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 4th September 2026
બલૂચ વિદ્રોહીઓનો ભીષણ હુમલો: ગોળીબાર અને વિસ્ફોટમાં ૨૫ પાકિસ્તાની સૈનિકોના મોત : બે લશ્કરી વાહનોને આગચાંપી
અશાંત બલુચિસ્થાન પ્રદેશમાં પાકિસ્તાની સશસ્ત્ર દળો સામે બલૂચ લિબરેશન આર્મી (BLA) એ હુમલાની જવાબદારી સ્વીકારી: સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરીને મોટા પાયે સર્ચ ઓપરેશન

પાકિસ્તાનના સૌથી વધુ અશાંત અને સંવેદનશીલ ગણાતા બલુચિસ્થાન પ્રાંતમાં પાકિસ્તાની સેનાને મોટો ઝાટકો વાગ્યો છે. આંતંકવાદીઓ અને વિદ્રોહી દળો સામે ઝઝૂમી રહેલી પાકિસ્તાની સેનાના એક કાફલા પર બલૂચ બળવાખોરો દ્વારા આયોજિત રીતે કરવામાં આવેલા ભીષણ હુમલામાં સેનાના ઓછામાં ઓછા ૨૫ જવાનો માર્યા ગયા છે. આ હુમલો એટલો તીવ્ર અને અચાનક હતો કે સૈનિકોને વળતો જવાબ આપવાનો તક પણ મળી ન હતી. આ ઘાતક હુમલા દરમિયાન સશસ્ત્ર બળવાખોરોએ સેનાના બે વાહનોને આગને હવાલે કરીને સંપૂર્ણપણે સળગાવી નાખ્યા હતા.
મળતી વિગતો અનુસાર, પાકિસ્તાની સુરક્ષા દળોની ગાડીઓનો કાફલો જ્યારે ગશ્ત (પેટ્રોલિંગ) પર હતો અથવા તો ચોક્કસ મિશન તરફ આગળ વધી રહ્યો હતો, ત્યારે પૂર્વ આયોજિત કાવતરા ભાગરૂપે ઝાડીઓ અને પહાડી પાછળ છુપાયેલા હુમલાખોરોએ કાફલાને લક્ષ્ય બનાવ્યો હતો. શરૂઆતમાં જોરદાર વિસ્ફોટ કરીને સેનાના વાહનોને રોકવામાં આવ્યા હતા અને ત્યારબાદ અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દેવામાં આવ્યો હતો. વિસ્ફોટ અને તાબડતોબ ફાયરિંગના કારણે સેનાના જવાનોને સ્થિતિ સંભાળવાની તક નહોતી મળી, જેના કારણે મોટા પ્રમાણમાં જાનહાની નોંધાઈ છે.
આ ભયાનક રક્તપાતની જવાબદારી બલૂચ લિબરેશન આર્મી (BLA) નામના સશસ્ત્ર સંગઠને સ્વીકારી છે. BLA છેલ્લા લાંબા સમયથી બલુચિસ્થાનની આઝાદી અને સ્વાયત્તતા માટે પાકિસ્તાની શાસન અને સેના સામે હિંસક સંઘર્ષ ચલાવી રહ્યું છે. સંગઠન દ્વારા જારી કરાયેલા નિવેદનમાં દાવો કરવામાં આવ્યો છે કે આ હુમલો પાકિસ્તાની સેના દ્વારા ક્ષેત્રમાં કરવામાં આવતી કાર્યવાહીના વિરોધમાં કરવામાં આવ્યો હતો અને આગામી સમયમાં પણ આવી કાર્યવાહી ચાલુ રાખવાની ચેતવણી આપવામાં આવી છે.
હુમલાની આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ભારે તણાવ વ્યાપી ગયો છે. ઘટનાની જાણ થતાં જ વધારાની સૈન્ય ટુકડીઓ, હેલિકોપ્ટર અને કમાન્ડો દસ્તાને ઘટનાસ્થળે રવાના કરવામાં આવ્યા હતા. સેનાએ સમગ્ર વિસ્તારને ઘેરી લઈને સીલ કરી દીધો છે અને હુમલાખોરોને શોધી કાઢવા માટે વ્યાપક સ્તરે કોમ્બિંગ તથા સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. ઈજાગ્રસ્તો અને મૃતદેહોને નજીકની સૈન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે
(10:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
